.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

ફૂલોની દુનિયા (મુકતકો)

(૧)
આનંદમાં લહેરાય છે ફૂલોની દુનિયા,
મંદ-મંદ હસી જાય છે ફૂલોની દુનિયા.
સાગર આ ફૂલોને દુ:ખની ક્યાં ખબર!
નિત નવા પ્રેમે રોપાય છે ફૂલોની દુનિયા.
()
સૂર-સૂરમાં મિલાવે તાલ ફૂલોની દુનિયા.
કણ-કણમાં ફેલાવે વ્હાલ ફૂલોની દુનિયા.
સાગર આ દુનિયાની જુઓ વિશાળતા,
આ જગમાં માલામાલ ફૂલોની દુનિયા.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

મીરાં અને હું (ગીત)


મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
        મીરાં કાનની પ્રેમદીવાની,
                હું દીવાનો અક્ષરનો;
        બંનેનો તો એક જ ભાવ,
                આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

        કાનનાં ગુણ ગાવામાં મીરાં,
                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
        હું પણ બનું કલ્પનામાં મસ્ત,
                અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

- ‘સાગર રામોલિયા

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

વૃક્ષોને ન કાપો (ગીત)

(રાગ : યહ દેશ હૈ વીર જવાનો કા)

હે..... હે..... હે હે હે
આ વૃક્ષો પૃથ્વીની શોભા છે,
કુદરતની રૂડી આભા છે,
આ વૃક્ષોને લોકો...
આ વૃક્ષોને લોકો ન કાપો,
પાણી, ખાતર, રક્ષણ આપો.

હે..... હે..... હે હે હે
એ મસ્ત બનીને ઝૂમે છે,
હવાને કેવાં ચૂમે છે,
એ વાદળને નજીક...
એ વાદળને નજીક ખેંચે છે,
ખુશી દુનિયામાં વહેંચે છે.

હે..... હે..... હે હે હે
પક્ષીને ઝૂલાવે ઝૂલાથી,
સુગંધ ફેલાવે ફૂલોથી,
એ આપે છે ઠંડક...
એ આપે છે ઠંડક દુનિયાને,
આનંદ મળે છે રુદિયાને.

હે..... હે..... હે હે હે
કુદરતનો મિજાજ છે એ,
સંગીતનો રૂડો સાઝ છે એ,
એ રોજ નવાં...
એ રોજ નવાં ગીતો ગાય છે,
સૂરીલી સરગમ છેડાય છે.
હે..... હે..... હે હે હે
દુનિયાનાં રક્ષણહાર છે એ,
જીવોનાં તારણહાર છે એ,
એ વૃક્ષોને કદીયે...
એ વૃક્ષોને કદીયે ન કપાય,
દેવોની જેમ પૂજા કરાય.
-          સાગર રામોલિયા
http://www.youtube.com/watch?v=iPcpKRyZ8_o&feature=plcp

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

ચાંદરડું (કાવ્ય)

એક ચાંદરડું બારીમાંથી ઘરને અજવાળી ગયું,
હું મથ્યો સૂરજ થવા, તોયે ઘરમાં અંધારું થયું.

*

ટમટમતો તારલિયો નાનો, રોજ મારગ ચીંધે,

આગળ વધવા તત્પર થયો, અનેક નજરું વીંધે.

*

પવનની લહેરખી એક, ઘણું બધું ઉડાડી ગઈ,

મેં ફૂંક મારી તણખલાને, મારી જ બૂરી વલે થઈ.

*

એક અંગારો આગનો નાનો, કેવી આગ લગાડી ગયો,

કામ ન આવ્યો હું ક્યાંય, બળી-બળીને ભલે રાખ થયો.

*

પાણીનું બુંદ નાનકડું, તરસમાં કરાવે હાશકારો,

હું સાગર ભલેને થયો, સ્વાદ મારો રહ્યો ખૂબ ખારો.

*

- સાગર રામોલિયા

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

નેતા આવ્યા! (રમૂજ કાવ્ય)

રસ્તાઓ પૂરા કરો બંધ, નેતા આવ્યા!
સુરક્ષાનો કરો પ્રબંધ, નેતા આવ્યા!
*
બસોના રુટ અટકાવો, નેતા આવ્યા!
મુસાફરોને રઝડાવો, નેતા આવ્યા!
*
મેદની ઉપાડી લાવો, નેતા આવ્યા!
ભૂખે-તરસે તડપાવો, નેતા આવ્યા!
*
વિકાસનાં થશે ભાષણ, નેતા આવ્યા!
લોકો કરશે ગણગણ, નેતા આવ્યા!
*
પેકેજથી મલકશે મુખ, નેતા આવ્યા!
હકીકતથી થશે દુ:ખ, નેતા આવ્યા!
*
માનો, આખી છે સરકાર, નેતા આવ્યા!
ભલેને લાગે તીક્ષ્ણ ધાર, નેતા આવ્યા!
*
સાગર નેતા ઈ તો નેતા, નેતા આવ્યા!
ભલેને ગમે-તેવું કહેતા, નેતા આવ્યા!
*
- (નોંધ : આ રચના રમૂજ માટે લખેલ છે. માથે ન ઓઢવું.)
- સાગર રામોલિયા