.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 29 મે, 2011

દેજે


જીવવા દુનિયામાં રિવાજ દેજે,
પામવા ભોજન કામકાજ દેજે.

પ્રેમના પાણીથી ભરેલ વાદળ,
વરસવા માટે વીજગાજ દેજે.

વાટ જોઈ તારી ન જાવ થીજી,
એ પહેલા આવી અવાજ દેજે.

એક ઈચ્છા, સંગીતમય જગ હો,
તું મદદમાં અણમોલ સાજ દેજે.

આજ 'સાગર' માગે ન ચીજ મોટી,
કલ્પનાલોકે એક તાજ દેજે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 22 મે, 2011

દશા અમારી


જાળ નાખે મવાલી, ફસાતા અમે,
આંગળીની કમાલે મરાતા અમે.

રંગનો જાદુ ને મગજનું કામ છે,
એ દુકાને જઈ છેતરાતા અમે.

આંખને આમ તો ફેરવીએ બધે,
આથડી પથ્થરે લંગડાતા અમે.

કેમ રાખે હરાયાતણી નાતમાં,
કતલખાને સદા મોકલાતા અમે.

સમયની ખેંચ 'સાગર' બધાને નડે,
ઝટ પહોંચી મસાણે બળાતા અમે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 15 મે, 2011

માણસ જુઓ કેવો!


કાચા કાનનો માણસ જુઓ કેવો!
ભૂલ્યા ભાનનો માણસ જુઓ કેવો!

આકાશે જઈ પડ્યો નશો નીચે,
પીધા પાનનો માણસ જુઓ કેવો!

વાગ્યો છે ફડાકો કાળનો તેને,
રૂઠ્યા ધાનનો માણસ જુઓ કેવો!

સંગાથે ન કોઈના રહી શક્યો,
ભાગ્યા માનનો માણસ જુઓ કેવો!

બેસૂરી બનાવી જિંદગી 'સાગર',
તૂટ્યા તાનનો માણસ જુઓ કેવો!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 8 મે, 2011

રાખે છે

મજાની જાતને બેહાલ રાખે છે,
ચડાવી રંગ આંખો લાલ રાખે છે.

ખબર તેને હશે ડફણાં પડે એવી,
લગાવી તેલ રીઢી ખાલ રાખે છે.

થવાનો હોય જાણે જાતિમાં બદલો,
ગધેડાં નાર જેવી ચાલ રાખે છે.

નથી નાણું છતાં દેખાવ છે મોટો,
ઘસીને અસ્તરો તે ટાલ રાખે છે.

ગતાગમ આમ તો 'સાગર' નથી ઝાઝી,
તમાચો જ્યાં પડે ત્યાં ગાલ રાખે છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 1 મે, 2011

આડા નડે


કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.

- ‘સાગર’ રામોલિયા