.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 26 જાન્યુઆરી, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19

આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19)
                સવારનો સમય હતો. શાળામાં રજા હતી, પરંતુ પ્રજાસત્તાકદિનની ઊજવણીના કાર્યક્રમમાં જવાની તૈયારી કરતો હતો. ત્‍યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્‍યો. અત્‍યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એ જ નંબર ઉપરથી ફરી ફોન આવ્‍યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ!
                ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્‍યો, ‘‘આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.''
                મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ‘‘એ ભાઈ! બકવું હોય તો ગુજરાતીમાં બક!''
                હવે તે ગુજરાતીમાં બોલે છે, ‘‘હલ્‍લો રામોલિયાસર! હું ધીરેન બોલું છું.''
                હું બોલ્‍યો, ‘‘હવે આવ્‍યો સીધી લાઈનમાં! પણ ધીરેન એટલે કયો ધીરેન?''
                તેણે જવાબ આપ્‍યો, ‘‘ધીરેન હિંમતલાલ શાહ.''
                મને યાદ આવી ગયું. તે મારી પાસે ભણતો. બાકી બધા વિષય તેને ફાવે, પણ ગણિત સાથે દુશ્‍મનાવટ. ગમે તેટલું સમજાવું તોયે ગણિત તેના મગજમાં ન ઊતરે. ગણિતના લીધે બે વખત નાપાસ પણ થયેલ. છતાં તે નિરાશ નહોતો થયો. ત્રીજા વર્ષે ગમેતેમ કરીને પાસ થવા જેટલું તો શીખી લીધું.
                મેં પૂછયું, ‘‘પણ તું અમેરિકામાં?''
                તે કહે, ‘‘હા, હું અમેરિકામાં છું.''
                ફરી પૂછયું, ‘‘ત્‍યાં શું કરશ?''
                તે બોલ્‍યો, ‘‘ઘણી પેઢીઓનું નામું લખું છું.''
                તે નામું બોલ્‍યો ને મારાથી ઊંચા અવાજે પૂછાય ગયું, ‘‘તું, અને નામું?''
                અને પછી અમારા વચ્‍ચે આવો સંવાદ થયો :
                ‘‘હા, હું અહીં નામું જ લખવાનું કામ કરું છું.''
                ‘‘પણ તું તો ગણિતનો દુશ્‍મન હતો ને?''
                ‘‘તમારી કૃપાથી મિત્ર બની ગયો.''
                ‘‘કઈ રીતે?''
                ‘‘તમે જ એક વખત વર્ગમાં કહ્યું હતું કે, અઘરો વિષય કહો તો પણ ગણિત, અને સહેલો વિષય કહો તો પણ ગણિત. ગણિતમાં કંઈ ગોખવાનું હોય જ નહિ. ગણિતને તમે સમજવા લાગો, એટલે ગણિત સહેલું લાગશે. ન સમજે તેને અઘરું લાગે. ગણિતને સમજશો એટલે આપમેળે આવડવા લાગશે. જરૂર છે ગણિત પ્રત્‍યે દૃષ્‍ટિ બદલવાની.''
                ‘‘તો શું તેં તેને સમજવાની રીત અજમાવી હતી?''
                ‘‘હા. હું હાઈસ્‍કૂલમાં ગયો ત્‍યારે મનમાં થયું કે સાહેબ કહેતા હતા તે સાચું હશે? પછી હું દાખલાની રકમ જોઈને તેના વિશે ખૂબ વિચારવા લાગતો. તે રકમ સમજતો થયો અને પછી ગણિત મારા માટે સરળ બની ગયું. પછી તો આગળ ભણ્‍યો અને ગણિત સાથે મિત્રતા કરવાનું મન થયું. વચ્‍ચે કોમ્‍પ્‍યૂટર વગેરેનો કોર્ષ કર્યો, પણ ગણિતની મિત્રતા છોડવાનું મન ન થયું. એટલે સી.એ. કરવાનું નક્કી કર્યું અને ગણિત સાથેની મિત્રતાએ મને સી.એ. બનાવી પણ દીધો. મારા કામને લીધે અમેરિકાની એક પેઢીમાં નોકરી મળી ગઈ અને અહીં આવી બીજી પેઢીઓનું કામ પણ મળી ગયું. આ રીતે ગણિતની મિત્રતાથી ખૂબ લાભ થયો અને ખૂબ આનંદ છે.''
                ‘‘વાહ, ધીરેન વાહ! તેં તો મારી વાતને ચાર ચાંદ લગાવી દીધા! દરેક વિદ્યાર્થીએ આ વાત સમજવાની જરૂર છે. જે સમજે છે તેને ફાયદો થાય જ છે.''
                અને પછી ફોન પરની વાત પૂરી કરીને હરખાતાં હૈયે હું કાર્યક્રમમાં ગયો. મનમાં અનેરો આનંદ હતો.
                - ‘સાગર' રામોલિયા

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18


એમ કાંઈ થોડું ચાલે!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18)
          ઘરનાં બારીબારણાંમાં થોડું સમારકામ કરાવવાનું હતું. તે માટે એક સુથારને બોલાવેલ. તેણે કહ્યું, ‘‘સ્‍ટોપર અને મિજાગરા બદલવા પડશે.'' મેં તે માટે તૈયારી બતાવી. એટલે તેણે મને એક કારખાનાનું સરનામું આપીને કહ્યું, ‘‘દુકાન કરતાં અહીં સસ્‍તું મળશે.'' દરેક માણસ સસ્‍તા માટે દોડતો હોય છે. હું પણ એ સાંભળીને હરખાયો. ત્‍યાં જવા માટે નીકળી પડયો.
          કારખાનાવાળા વિસ્‍તારનો બહુ અનુભવ નહિ. એટલે શોધવામાં થોડી તકલીફ પડી. પણ પહોંચી તો ગયો જ. કારખાનું ઘણું મોટું હતું. ઘણા માણસો કામ કરતા હતા. આગળ તેનું કાર્યાલય હતું. વાતાનુકૂલિતયંત્ર વડે કાર્યાલય ઠંડકવાળું હતું. અંદર જતાં જ એક પહેલવાન જેવા યુવકે મોં મલકાવીને આવકારો આપ્‍યો. મેં તેને સ્‍ટોપર અને મિજાગરા બતાવવા કહ્યું. તેણે મને દેખાડયાં. તેમાંથી મેં પસંદ કર્યાં. પછી બિલ બનાવવા કહ્યું. એટલે...
          તે કહે, ‘‘બિલ કાંઈ બનવાનું નથી.''
          મેં કહ્યું, ‘‘બિલ તો જોઈએને!''
          તે બોલ્‍યો, ‘‘પૈસા લેવાના હોય તો બિલ બનેને?''
          મેં કહ્યું, ‘‘મારે મફતમાં કંઈ નથી જોતું.''
          તે થોડી ઉતાવળથી બોલ્‍યો, ‘‘એમ કાંઈ થોડું ચાલે! મેં કીધુંને, પૈસા નથી લેવાના!''
          હું તેની સામે જોતો રહ્યો. મનમાં થયું, આ મને ઓળખતો હોવો જોઈએ. પણ હું એને ઓળખતો નહોતો.
          ફરી તે બોલ્‍યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હજી મને ન ઓળખ્‍યો? હું તમારો વિદ્યાર્થી નરેન્‍દ્રસિંહ હરેન્‍દ્રસિંહ ચૌહાણ.''
          મારા મનની બત્તી ઝબકી. અરે, હા! આ નરેન્‍દ્રને ભણવાનું બહુ ઓછું ગમતું. રમતમાં વધારે ઘ્‍યાન આપતો. તેમાંયે ક્રિકેટ રમવાનું થાય એટલે તો જાણે તૂટી જ પડે. સાથે-સાથે કારીગરી પણ જાણે. એક દિવસ રમતાં-રમતાં તે પડયો અને હાથ ભાંગ્‍યો. એટલે તેના માતાપિતાએ તેને રમવાની મનાઈ કરી. હવે તેનું ઘ્‍યાન કારીગરી તરફ વધારે રહેતું. એટલે એક દિવસ મેં તેને થોડો ટકોર્યો, ‘‘નરેન્‍દ્ર! મને એવું લાગે છે કે, મોટો થઈને તું ઈજનેર બની શકીશ. પણ તેના માટે તારે ભણવામાં ઘ્‍યાન આપવું પડશે. તને કાંઈ ન સમજાતું હોય તો મારા ઘરે આવીને પણ પૂછવાની છૂટ.'' અને પછી તો તે ખરેખર શીખવામાં ઘ્‍યાન આપવા લાગ્‍યો. મારા ઘરે પણ આવતો. પછી તે હાઈસ્‍કૂલમાં ગયો. એટલે ઘરે આવવાનું બંધ થયું. તે પછી આજે હું તેને જોઈ રહ્યો હતો.
          મેં તેને પૂછયું, ‘‘તારી આટલી સફળતાનું રહસ્‍ય શું છે?''
          તે કહે, ‘‘તમારા શબ્‍દો.''
          મેં ફરી પૂછયું, ‘‘તો તો તું ઈજનેર બન્‍યો જ હોઈશ!''
          તે કહે, ‘‘દસ ધોરણ જ ભણ્‍યો છું. ઈજનેરની ડિગ્રી તો નથી, પણ ઈજનેરી સારી રીતે જાણું છું. મારા પપ્‍પાને નાનું કારખાનું હતું. હું તમારા શબ્‍દોને યાદ કરતો ગયો અને તેમાં ઘ્‍યાન દેતો ગયો. ખૂબ શીખી લીધું. આજે ગમે તેવી અઘરી વસ્‍તુ બનાવવાની હોય, હું બનાવી શકું છું. નાના કારખાનામાંથી આ મોટું કારખાનું બનાવ્‍યું. અત્‍યારે આ કારખાનામાં 87 કારીગરો કામ કરે છે. મારે તો ખાલી ચીંધવાનું હોય છે.''
          હું બોલ્‍યો, ‘‘વાહ! તેં ખૂબ સારી પ્રગતિ કરી છે. તને મળીને ખૂબ આનંદ થયો. પણ હવે કહી દે, કેટલા રૂપિયા આપું?''
          તે કહે, ‘‘હું તમારા ઘરે પણ કેટલીવાર શીખવા આવતો! તમે કયારેય પૈસા લીધા હતા? તો આજે ગુરુદક્ષિણામાં આટલું આપવાનો પણ મારો હક્ક નથી!''
          આટલું બોલતા તો તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તે મારા પગ પકડીને ઊભો રહી ગયો અને મારો હાથ વહાલથી તેના ઉપર ફરતો રહ્યો.
                                                       - ‘સાગર' રામોલિયા

શનિવાર, 4 જાન્યુઆરી, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17


હું અહીં ઊભો છું, સાહેબ!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17)
જીવનમાં કોણ કયારે મળી જાય એ ખબર હોતી નથી. કયારેક અણગમતું મળે, તો કયારેક ગમતું પણ મળે. મનના વિચારોનું પણ એવું જ છે. કયારેક સારો વિચાર આવે, તો કયારેક દુઃખદાયક વિચાર પણ આવીને ઊભો રહી જાય છે. પણ આપણે તો સંસારસાગરમાં રહેનારા. એટલે લડવાનું તો રહ્યું જ (ઝગડવાનું નથી કહેતો). મન આવા વિચારમાં પડયું હતું અને તે વખતે હું ગાડી લઈને નીકળ્‍યો. રસ્‍તામાં ચાર રસ્‍તાની ચોકડી આવી. વાહનોની ભીડ વધારે હતી. તેથી ગાડી થોડી રોકી. અન્‍ય પણ ત્‍યાં ગાડી રોકી ઊભા હતા. બાજુના રસ્‍તેથી આવતાં વાહનો થોડાં ઓછાં થયાં એટલે મેં ગાડી ચલાવવી શરૂ કરી. ત્‍યાં તો અવાજ આવ્‍યો, ‘‘કયાં જાવું છે? હું અહીં ઊભો છું, સાહેબ!''
મેં વળી અવાજની દિશામાં જોયું. ત્‍યાં તો ટ્રાફિકપોલીસના બે જવાનો ઊભા હતા. તેમાંથી એકે મારા તરફ હાથ કરીને મને રોકાવાનું કહ્યું. મને આશ્ચર્ય થયું. એક તો એ કે અહીં પહેલી વખત આ લોકો હતા. આ ચોકડીએ ટ્રાફિકપોલીસ કયારેય જોયેલ નહિ. બીજું એ કે પોલીસવાળા કદી' કોઈને રોકવા માટે સાહેબ' કહીને બોલાવતા હોય એવું આ પહેલા કયારેય સાંભળ્‍યું નહોતું. મોટા ભાગે એ એકટીવાવાળા ઊભો રહે' જેવા શબ્‍દો સાંભળવા મળે. એટલે ગાડી એકબાજુ રાખી હું તેની પાસે ગયો.
હું બોલ્‍યો, ‘‘આવા માનભર્યા શબ્‍દો વાપરવા બદલ ખૂબ-ખૂબ આભાર, ભાઈ!''
તે કહે, ‘‘ગુરુજીને માનથી ન બોલાવાય? હું તમારો વિદ્યાર્થી છું. મારું નામ અશોક ચંદુભાઈ વિસરોલિયા છે.''
મને યાદ આવ્‍યું, આ ભણવામાં તો ખૂબ નબળો હતો. વાંચવાનુંય માંડ ફાવતું. હા, છતાંયે તેનું સ્‍વપ્‍ન પોલીસ બનવાનું હતું. શાળામાં કોઈ કાર્યક્રમ હોય, તો તે પોલીસનો વેશ જ ધારણ કરતો. એટલે એક દિવસ મારાથી કહેવાય ગયું, ‘‘તારે પોલીસ તો બનવું છે, પણ તેના માટે ભણવું પડે અને તને ભણવામાં તો રસ નથી. તો પોલીસ કઈ રીતે બનીશ?'' મારી વાત સાંભળીને તે થોડો ગંભીર તો બન્‍યો, પણ તેના શિક્ષણમાં કોઈ સુધારો આવ્‍યો હોય એવું ત્‍યારે તો નહોતું દેખાયું. અને પછી તો તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માઘ્‍યમિક શાળામાં ગયેલ.
મેં તેને પૂછયું, ‘‘તું અહીં સુધી કઈ રીતે પહોંચ્‍યો.''
તે કહે, ‘‘કેમ ન પહોંચું!''
મેં કહ્યું, ‘‘તને ભણવામાં રસ નહોતો એટલે કહું છું.''
તે કહે, ‘‘રામોલિયાસાહેબ, કયારેક તમારા પ્રેમાળ શબ્‍દોએ, તો કયારેક તમારા ધારદાર શબ્‍દોએ અનેકના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. આ વાત મેં ઘણા પાસેથી સાંભળી. મને પણ તમારા શબ્‍દો યાદ આવ્‍યા અને મહેનત કરવાનું નક્કી કરી લીધું.''
મેં પૂછયું, ‘‘હં, એ તો ઠીક, પણ અહીં સુધી પહોંચવા તેં શું કર્યું? પાસ કઈ રીતે થતો ગયો?''
તે કહે, ‘‘મહેનત કરીને પાસ થયો છું, સાહેબ! ચોરી નથી કરી. તમારા શબ્‍દો યાદ આવ્‍યા અને મનમાં સપનું સળવળ્‍યું. કરવા લાગ્‍યો મહેનત અને મંડયો પાસ થવા અને આજે મારું પોલીસ બનવાનું સપનું પૂરું કરીને અહીં ઊભો છું.''
મેં મજાક કરી, ‘‘ખાલી ઊભું જ ન રહેવાનું હોય! ફરજનું પાલન પણ કરવાનું હોય.''
તે બોલ્‍યો, ‘‘હું ફરજનું પાલન કરું જ છું. આગળ પણ પરીક્ષા આાપવી છે અને ઊંચા હોદ્દા સુધી પહોંચવું છે. તમારા શબ્‍દોએ મને અહીં પહોંચાડયો. હવે તમારા આશીર્વાદથી હું આગળ વધવા ઈચ્‍છું છું. મને આશીર્વાદ આપો.''
મેં કહ્યું, ‘‘જે સપનું જુવે છે, અને મહેનત કરે છે, એ સફળ થાય જ છે. વડીલોના આશીર્વાદ તેમાં ઉત્‍સાહ આપે છે. તું પણ નીતિ રાખીને મહેનત કરીશ, તો તારું સ્‍વપ્‍ન જરૂર પૂરું થશે જ. હા, અભ્‍યાસની તાકાત ખૂબ શકિતશાળી છે એ ભૂલતો નહિ!''
                                      - ‘સાગર' રામોલિયા