.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 26 ઑગસ્ટ, 2012

મને નેતા થવાનો ભય છે

ક્યાં કોઈ આશય છે, મને નેતા થવાનો ભય છે,
ક્યાં હજુ તો વય છે, મને નેતા થવાનો ભય છે.

કેમ મિલાવું  તાલ ભ્રષ્ટાચારની મહેફિલમાં,
લથડાતો લય છે, મને નેતા થવાનો ભય છે.

કાચો પડું હું મદિરા, જુગાર, લલનાઓમાં,
નશો ચડાવે પય છે, મને નેતા થવાનો ભય છે.
(પય=દૂધ, પાણી)

નથી શીખ્યો દાવ-પેચ-છટકબારીની રમતો,
ક્યાં લોહીમાં નય છે, મને નેતા થવાનો ભય છે.
(નય=રાજનીતિ)

છોડી દે સાગર આવા નેતાનાં સપનાં જોવાનું,
મોટો તે આમય છે, મને નેતા થવાનો ભય છે.
(આમય=રોગ)

- સાગર રામોલિયા

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

ઈશ્વરને પૂછો!

સૃષ્ટિ કેમ રચાય, ઈશ્વરને પૂછો!
રંગો કેમ ભરાય, ઈશ્વરને પૂછો!

માનું મુખ જોઈ નાના-અબુદ્ધ બાળનું,
મુખ કેમ મલકાય, ઈશ્વરને પૂછો!

ચાલે, તરે, સરકે, ઊડે જેવા ભેદ,
કેવી રીતે પડાય, ઈશ્વરને પૂછો!

અમીબાથી વ્હેલ સુધીના સજીવોને,
ભોજન કેમ અપાય, ઈશ્વરને પૂછો!

કદીક સાગર સામાન્ય ઈચ્છાઓને,
ભોંમાં કેમ ધરબાય, ઈશ્વરને પૂછો!

- સાગર રામોલિયા

રવિવાર, 12 ઑગસ્ટ, 2012

લે લેતો જા! (હઝલ)

કર્યો છે મેં ઘા, લે લેતો જા!
ખોટી પાડી હા? લે લેતો જા!

નોતી અક્કલ ને પડ્યો આડો,
યાદ આવી ગઈ મા? લે લેતો જા!

ગદ્ધા જેવી બૂમો કાં પાડે?
કૈં તો સાચું ગા, લે લેતો જા!

બીજાનું લેવામાં બાકી કૈં રાખ્યું?
ક્યાં(ય) પાડીતી ના? લે લેતો જા!

સાગર પંચાતમાં ભાગ્યું ટાણું,
જા ઘર ભેગો થા, લે લેતો જા!

- સાગર રામોલિયા

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

એઈ, કાનુડા!





(૧)

 એઈ, કાનુડા!
હવે તું જન્મ લઈને
લીલાઓ કરીશ,
તો છાની નહિ રહે,
કારણ કે,
તરત જ મોબાઈલથી
તેની જાણ
દરેક ખૂણે થઈ જશે!
(૨)
 એઈ, કાનુડા!
તું જન્મ લઈને
કેટલા કંસને મારીશ?
કારણ કે,
અત્યારે
દરેક મનમાં
અનેક કંસ
બેઠેલા છે...

- સાગર રામોલિયા

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

ધરાયો છે? (હઝલ)


કરીને એ ઉધારી ખૂબ, ભાગીને છુપાયો છે,
ઘણી જગ્યા છુપાયો ને ગમાણેથી વળાયો છે.

અહીં માગે તહીં માગે, બધે માગે બધે ભાગે,
ભરીને ફાંદ પડ્યો છે, છતાંયે ક્યાં ધરાયો છે?

પછાડે પગ, હલાવે ડોક, ગાંડી દોટ મૂકે એ,
કહે ચાલાક પોતાને, તો તોયે ગણાયો છે.

તો સંગીતનો જાણે નહીં ને રાગડા તાણે,
ગધેડા કાન ઢાંકે, રાગ એવો તો રચાયો છે.

રહે મન માખ જેવું, ડંખ સૌને મારતો સાગર,
ઘણો દોડ્યો છતાંયે, જાળમાં પૂરો ફસાયો છે.

- સાગર રામોલિયા