.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 28 નવેમ્બર, 2010

ઠાગાઠૈયા કરે


રાખી મન ઉધાર ઠાગાઠૈયા કરે,
છોડી બધો ભાર ઠાગાઠૈયા કરે.

કરવું પડે કામ તો માંદો થાય છે,
કેવો કલાકાર ઠાગાઠૈયા કરે!

ખુદનું નથી, અવરનું જોવાતું નથી,
આંખો કરી ચાર ઠાગાઠૈયા કરે.

બેસે જરા કાગ ને ભાંગે ડાળ જો,
માની ચમત્કાર ઠાગાઠૈયા કરે.

'સાગર' કરે કલ્પના પોતાની કદી,
ભેગો કરી સાર ઠાગાઠૈયા કરે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 21 નવેમ્બર, 2010

ચહેરો


પ્રશંસા સદા પામતો સારો ચહેરો,
ને લપડાક ખાતો બિચારો ચહેરો.

કદરૂપી છાંયા આવી જાય ઉપર,
બધેથી મેળવતો જાકારો ચહેરો.

છવાઈ ગયાં હોય ગુસ્સાનાં વાદળ,
લાગતો બધાને ખૂબ ખારો ચહેરો.

અમૂલ્ય ગુણ કદી ઊતરી આવતાં,
દિલનો બની જાય લૂંટારો ચહેરો.

બધે વરસતો કડવો વરસાદ,
ત્યારે ગુમાવતો નિજ પારો ચહેરો.

'સાગર' દિ' કેમ બગડ્યો, કેમ કહું?
અરીસામાં જોયો તો મેં મારો ચહેરો.

- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 11 નવેમ્બર, 2010

પ્રેમની હોડી

પ્રેમની આ હોડી છે, હલેસાં માર!
પ્રેમ-નીરે દોડી છે, હલેસાં માર!

પ્રેમ સાગર ને પ્રેમ પતવાર,
સંસારની જોડી છે, હલેસાં માર!

પ્રેમ-દરિયાને પાર કરી લેવા,
દુનિયાને છોડી છે, હલેસાં માર!

તસ્દી ન લે તું લંગર નાખવાની,
રીત બધી તોડી છે, હલેસાં માર!

પ્રેમ પ્રભુ છે, પામવા કર તપ,
જિંદગાની થોડી છે, હલેસાં માર!

પ્રેમની 'સાગર' કિંમત અનેરી,
એના વિણ કોડી છે, હલેસાં માર!

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 5 નવેમ્બર, 2010

માણસ

કુદરત હસી ને ફૂટ્યો માણસ,
અલૌકિક બાગથી ચૂંટ્યો માણસ.

માણસની માણસને મળી સત્તા,
બનતું બધું કરી છૂટ્યો માણસ.

માણસે માણસની બોલાવી સભા,
માણસમાં એક ત્યાં ખૂટ્યો માણસ.

ઊંડું દરિયાથી મન માણસનું,
વફાદારી કરીને લૂટ્યો માણસ.

રમતો રમવામાં સ્વાર્થ-સ્વાર્થની,
માણસે આજ એક કૂટ્યો માણસ.

'સાગર' યમની દોરી જ્યાં ખેંચાણી,
અચાનક પડીને તૂટ્યો માણસ.

- 'સાગર' રામોલિયા