.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 30 જાન્યુઆરી, 2011

મૌન (અછાંદસ)


ગાંધીજીની પુણ્યતિથિએ
જ્યારે પાળ્યું
બે મિનિટનું મૌન,
ત્યારે
ગાંધીજી આવ્યા
સ્વપ્નમાં
ને બોલ્યા,
તમે બધા મૂગા કેમ બેઠા છો?
જવાબ આપવા
મેં ખોલ્યું મુખ,
ત્યાં બે મિનિટ પૂરી થઈ...

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 21 જાન્યુઆરી, 2011

ફૂલ


સુગંધથી ખબર ફેલાવતું ફૂલ,

નિત નવી સવારીએ આવતું ફૂલ.


મધમાખી-ભમરા છડીદાર તેના,

રાહી-અ-રાહીને લલચાવતું ફૂલ.


વાદળોને નચાવી વગડાવ્યા ઢોલ,

મંદ-મંદ હસીને હસાવતું ફૂલ.


નાકને બનાવી દે દિવાના પોતાનાં,

આરોહ-અવરોહ કરાવતું ફૂલ.


અનેરાં છે રૂપ, એની અનેરી અદા,

નજર નાખો તો ભરમાવતું ફૂલ.


સુગંધના 'સાગર'માં ડૂબી મહાલો,

અજાયબ ખેલ ત્યાં ખેલાવતું ફૂલ.


-'સાગર' રામોલિયા

શુક્રવાર, 14 જાન્યુઆરી, 2011

પતંગો ઊડે સખીની વાતમાં


સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી...
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી...
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી...
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી...

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011

સપનું ઉગ્યું


ઝડી પડી ને સપનું ઉગ્યું,
વાત ઘડી ને સપનું ઉગ્યું.

કોઈ કળી ભરપાનખરે,
આંખે ચડી ને સપનું ઉગ્યું.

કોઈ અલગારી ગીત રચે,
મળી કડી ને સપનું ઉગ્યું.

કોઈ અજનબી આવવાની,
સુણી છડી ને સપનું ઉગ્યું.

ચાંદની રાતે સુંદર પળે,
રાત રડી ને સપનું ઉગ્યું.

'સાગર' જીવરૂપી કાપડની,
વાળી ગડી ને સપનું ઉગ્યું.

- 'સાગર' રામોલિયા