.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

શનિવાર, 31 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-પ


ઈ તમને ખબર ન પડે
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-પ)
          એક વખત રસ્‍તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ. ચાલતાં-ચાલતાં અટકી ગઈ. ચાલુ કરવા ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. બધી બાબતમાં આપણું ન ચાલતું હોયને! એમ ગાડી પાસે પણ મારું કંઈ ન ચાલ્‍યું.
          હવે જે ગાડી રોજ મને ખેંચી જતી, આજ એને ખેંચીને હું ચાલ્‍યો. આવી ટેવ ન હોય, એટલે થાક લાગવા માંડયો. થોડું ચાલ્‍યો, ત્‍યાં એક યુવાન મારી પાસે આવીને ઊભો રહી ગયો.
          તે બોલ્‍યો, ‘‘શું થયું?''
          મેં તેની સામે જોયું. પછી કહ્યું, ‘‘આ બંધ પડી ગઈ છે.''
          તે કહે, ‘‘ચાલો મારી સાથે. તમારી ગાડી ચાલુ થઈ જશે.''
          એમ કહીને મારી પાસેથી ગાડી લઈને તે દોરવા લાગ્‍યો. અજાણ્‍યો હતો, એટલે શંકા-કુશંકા થયા કરે. પણ એ સિવાય છૂટકો પણ નહોતો.
          હું બોલ્‍યો, ‘‘ચોકને કરંટ મળતો નહિ હોય.''
          તે કહે, ‘‘ઈ તમને ખબર ન પડે.''
          મેં કહ્યું, ‘‘એન્‍જિનમાં કચરો આવી ગયો હશે.''
          તે કહે, ‘‘ઈ તમને ખબર ન પડે.''
          બે વખત આવું સાંભળીને મને ઝબકારો થયો. ત્‍યાં સુધીમાં એક ગેરેજ આવી ગયું. ત્‍યાં તરત ગાડી ખોલીને તે જોવા લાગ્‍યો. પણ મારાથી રહેવાયું નહિ. એટલે પૂછયું, ‘‘તારું નામ નવલ છે?''
          તે હકારમાં ડોકું હલાવીને કામમાં પરોવાયેલો રહ્યો. મને બધું યાદ આવી ગયું. તેનું નામ નવલસિંહ મનુભા ઝાલા. આ નવલ નાનપણથી ભણવાને બદલે બીજા રસ્‍તે વધુ ઘ્‍યાન આપતો. કયારેક હું કોઈ પત્રકોનું કામ કરતો હોવ ત્‍યારે આવીને પૂછતો, ‘‘શું કરો છો?'' એટલે હું એને જવાબ આપતો, ‘‘ઈ તને ખબર ન પડે.'' નામ બદલી નાખ્‍યું છે, એટલે કહેવામાં વાંધો નથી, આ નવલનું મગજ એવું તો ચાલતું કે, શાળાની મહિલા શિક્ષકોની ગાડીની હવા કાઢી નાખે અને પછી એમ કહે કે, ‘‘ટીચર! તમારી ગાડીમાં પંચર છે. કરાવતો આવું!'' એટલે ટીચર પંચરના રૂપિયા આપે અને નવલ માત્ર હવા ભરાવીને લાવે. એક દિવસ મેં કહ્યું હતું, ‘‘નવલ! હું જાણું છું, ભણવું તારા માટે અઘરું છે. પણ તું બરાબર વાંચતા-લખતા શીખી જા અને તારામાં ગાડીના રીપેરીંગ બાબતની આવડત ખૂબ સારી છે. એટલે મોટો થઈને ગેરેજ કરીશ તો ખૂબ સારું ચાલશે.'' ત્‍યારે તો તેણે મારો હાથ પકડી લીધો અને કંઈ બોલ્‍યા વગર થોડીવાર ઊભો રહ્યો અને પછી જતો રહ્યો. હું હજી આવા વિચારમાં હતો, ત્‍યાં તો તેણે ગાડી ચાલુ કરી દીધી.
          મેં કહ્યું, ‘‘વાહ, ભાઈ! તું તો બહુ મોટો કારીગર બની ગયો ને!''
          તે કહે, ‘‘તેનું બીજ તમે વાવ્‍યું હતું.''
          હું બોલ્‍યો, ‘‘તને મારી વાત યાદ હતી.''
          તે બોલ્‍યો, ‘‘હા, બરાબર યાદ છે. તમારી વાતથી મને ઝનૂન આવી ગયું હતું. હાઈસ્‍કૂલમાં ભણવા તો ન ગયો, પણ ટયુશનમાં જઈને ગુજરાતી, અને અંગ્રેજી પણ, વાંચતાં-લખતાં શીખી લીધું. તમે શિક્ષણનું મહત્ત્વ સમજાવતા તે ધીમે-ધીમે મને સમજાયું. આજે ગમે તેવી ગાડી રીપેર કરી શકું છું. આઠ જગ્‍યાએ મારાં ગેરેજ છે. બધે કારીગરો રાખી દીધા છે. મારે તો મારી જરૂર પડે ત્‍યાં જ જવાનું રહે. બાકી જલ્‍સા છે, રામોલિયાસાહેબ!'' આટલું બોલીને તે મને પગે લાગ્‍યો અને બોલ્‍યો, ‘‘લ્‍યો, ત્‍યારે આ ગાડી રીપેરીંગ કરવાના ચાર્જરૂપે આશીર્વાદ આપો!''
          મેં કહ્યું, ‘‘અરે, પાગલ! આશીર્વાદ કંઈ ચાર્જમાં ન અપાય! તારો ચાર્જ જે થતો હોય તે લઈ લેજે. શિક્ષકોના આશીર્વાદ તો સદાયે વિદ્યાર્થીઓ સાથે હોય , પછી તે હોશિયાર હોય, કે ઠોઠ!''

- ‘સાગર' રામોલિયા

રવિવાર, 25 ઑગસ્ટ, 2019

આવરણમાં

છુપાયું હશે કોઈ ત્યાં આવરણમાં,
હવા છે સુગંધી અહીં એક રણમાં.

હશે કોઈ ખેંચાણ સામે અલૌકિક,
છુપો વેગ આવ્યો છે તેથી ચરણમાં.

હશે ફૂલ ન્હાયું અહીં રુક્ષ ધોધે,
વહે રોજ પમરાટ તેથી ઝરણમાં.

ખુમારી નશામાં મળે પ્રેમની જો,
વહી જાય રાતો પછી જાગરણમાં.

બની જાય તેની પળો ધન્ય સઘળી,
નદી જાય હોંશેથી 'સાગર'-શરણમાં.

-'સાગર' રામોલિયા

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-4

સાહેબ અમારા ગબ્બરસિંગ
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-4)

          એક વખત હું કાપડની દુકાનમાં ગયો. મારા પહેલા ત્યાં બીજા લોકો પણ ખરીદી કરવા આવેલ. દુકાનમાં એક યુવાન મલકાતો-મલકાતો જુદી-જુદી જાતનાં કાપડ દેખાડી રહ્યો હતો. બધામાંથી પરવાર્યો ત્યારે તે યુવાનનું ઘ્યાન મારા તરફ ગયું. મને જોઈને તે થોડો ગંભીર થઈ ગયો.
          હું બોલ્યો, ‘‘કેમ ભાઈ! અત્યાર સુધી તારા મુખ ઉપર જે મલકાટ હતો તે કયાં ગાયબ થઈ ગયો!''
          તે તૂટક - તૂટક બોલ્યો, ‘‘રામોલિયા..... સાહેબ..... હું મનાલ... મણિમલ....... માલજાણી..... તમે નિબંધ..... મેં... ગબ્બરસિંગ.....'' એ મારા પગે પડી ગયો.
          તે આટલું બોલ્યો. મને યાદ આવી ગયું. આમ તો કવિ-લેખકનું હૃદય કોમળ હોય છે. પણ વર્ગમાં હું શિક્ષક બનીને જાવ. તેથી ત્યાં શીખવવાનો લોભ વધારે. વળી ત્યારે સરકાર તરફથી બાળકને મારવાની મનાઈ નહોતી. એટલે બાળકને વધુમાં વધુ શીખવવા હું સામ-દંડ-લાગણી – જ્યારે જેવી જરૂરિયાત - ઉપયોગ કરી લેતો. આ મનાલ ભણવામાં કક્કાનો કદી' ન બદલાયેલો મૂળ અક્ષર. પેલા તેના પ્રત્યે ખૂબ લાગણી દર્શાવી અને પ્રેમથી શીખવતો. માનોને કે, મારા કવિપણાની બધી કવિતા અહીં નાપાસ થઈ. ત્યારે દિલમાંથી કવિની કોમળતાને કોરાણે મૂકીને આ મનાલને એક ઝાપટ મારીને કહ્યું, ‘‘આટલું આ યાદ રાખવાનું જ છે.'' જાણે ચમત્કાર થયો! તે તેણે યાદ કરી લીધું. કયારેક-કયારેક ઝાપટનો ચમકારો બોલાવવો પડતો અને એ રીતે એ વાંચતાં-લખતાં શીખી ગયો.
          એક વખત મેં વર્ગમાં ‘મારા શિક્ષક' વિષય ઉપર નિબંધ લખવા કહ્યું. બાળકો લખતાં હોય ત્યારે ધીમા ડગલે બાળકો વચ્ચે ફરવાની મને ટેવ. જેથી તે શું કરે છે એ જોઈ પણ શકાય. આ મનાલે પણ નિબંધ લખ્યો. તેમાં અમુક વાકયો આ પ્રકારનાં હતાં, ‘છે ને અમારા સાહેબ ભણાવે તો બહુ. પણ તેમને જોઈને મને શોલે ફિલમ યાદ આવે. એનો પેલો ગબ્બર યાદ આવે. અમારા સાહેબ ગબ્બરની જેમ જ અમારી વચ્ચે આંટા મારે. મને સાહેબની બીક લાગે. પણ ભણાવે બહુ હો...'
          મેં મનાલને કહ્યું, ‘‘તને હજી બીક લાગે છે? કે મને જોઈને ગંભીર  થઈ ગયો! એવું કંઈ ન હોય. અમે એવું યાદ પણ ન રાખીએ. આ દુકાન કોની છે?''
          પછી તો એ ખીલ્યો, ‘‘આ દુકાન મારી જ છે. હું ૯ ધોરણ સુધી જ ભણ્યો. પણ તમે જે વાર્તાઓ કહેતા, તેમાંથી મને ઘણી યાદ છે. તમે ધીરૂભાઈ અંબાણીની વાતમાં કીધું હતું ને કે, તેઓ પહેલા તો ભંગારની ફેરી કરતા, પણ આગળ વધવાનું સપનું જોયું અને મહેનત કરી આગળ વઘ્યા અને ખૂબ ધનવાન બની ગયા. મેં પણ તમારી આવી વાતો યાદ કરીને આગળ વધવાનું નક્કી કર્યું. મેં થોડું કાપડ લઈને ખભે ગાંસડી ટીંગાડી ફેરી કરી વેપાર કર્યો. ધીમે-ધીમે પૈસા ભેગા કર્યા અને આ દુકાન બનાવી. હા, સાહેબ! ખૂબ સારો વેપાર થઈ જાય છે. ''
          મેં કહ્યું, ‘‘સરસ. તારી આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. તારી મહેનતને હું બિરદાવું છુ.''
          તરત જ એ બોલ્યો, ‘‘ના, સાહેબ! મારી મહેનત નહિ, તમારી કૃપાથી આગળ વઘ્યો  છું. તમારા શબ્દોએ, તમારા શિક્ષણે મને આ બળ આપ્યું છે.''
          પછી તે ઊભો થયો અને પાંચેક જોડીનું સારું-સારું કાપડ લઈને મને આપવા લાગ્યો  અને બોલ્યો, ‘‘ત્યારે હું કંઈ આપી શકયો નહોતો, પણ આજે મારા તરફથી તમને આ ગુરુદક્ષિણા.''
          મેં કહ્યું, ‘‘ના, ભાઈ! એમ મારે ન લેવાય. વળી હું તો એક જ જોડીનું કાપડ લેવા આવ્યો છું. એ પણ આમ તો નહિ જ લઉં.''
          તેણે પોતાના સમ આપીને પણ એક જોડીનું કાપડ તો આપ્યુંં જ. ત્યારે મેં તેને કહ્યું, ‘‘ પણ મારા માટે તો સૌથી મોટી ગુરુદક્ષિણા તેં મારું શિક્ષણ યાદ રાખ્યું એ છે. મારું હૃદય ખૂબ આનંદિત થયું છે.''

                                       - ‘સાગર' રામોલિયા

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3

ડૉકટર હું, કે તમે?
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3)
          શિક્ષક માટે એક વાત એ બનતી હોય છે કે તેની પાસે ભણેલ વિદ્યાર્થી અચાનક મળી જાય છે. હું શિક્ષક છું. આવા ઘણા અનુભવો મને થયા છે. કયારેક તો આવો અનુભવ આશ્ચર્યમાં મૂકી દે છે.
          એક દિવસની વાત છે. મને પેટમાં થોડી તકલીફ થવા લાગી. ત્યારે હું જામનગરથી બહાર હતો. એટલે બીજાને પૂછીને દવાખાના વિશે માહિતી મેળવી અને ત્યાં  ગયો. ત્યાં  જઈ વાત કરી. એટલે એક પથારી ઉપર સુવડાવી નર્સ અને બ્રધર ચેકઅપ કરવા લાગ્યાં.
          આવી તકલીફ પહેલા પણ મને થયેલી. ત્યારે જે દવા અને ઈંજેકશનથી સારું થયું હતું તે હું જાણતો હતો. એટલે થોડી શિક્ષકગીરી વાપરવા ગયો, મારું જ્ઞાન થોડું પ્રદર્શિત કરવા ગયો. એટલે હું કહેવા લાગ્યો્, ‘‘મને ફલાણું ઈંજેકશન અને ફલાણી દવા આપી દો. તેનાથી મને સારું થઈ જશે. તમારે વધારે મહેનત નહિ કરવી પડે.'' હું જ્યારે મારું જ્ઞાન વેરી રહ્યો હતો ત્યારે પાછળથી એક અવાજ સંભળાયો, ‘‘ડૉકટર હું, કે તમે?'' મેં એ બાજુ જોયું અને બોલ્યો, ‘‘ડૉકટર તો તમે જ લાગો છો!''
          એ આગળ આવે છે, મારા પગને પકડીને ઊભો રહે છે અને કહે છે, ‘‘તમે નહિ કહેવાનું, ‘તું' કહો!''
          હું બોલ્યો, ‘‘તું?''
          તે કહે, ‘‘હા, તમારી બોલીમાં કહું તો મારું ડાચું જુવો અને ઓળખો!''
          મેં કહ્યું, ‘‘ના, ભાઈ! ઓળખાણ નથી પડતી. બહાર તો ‘ડૉ. પી. પી. પોપટ' લખ્યું  છે. પણ કંઈ યાદ નથી આવતું.''
          તે કહે, ‘‘અરે! હું તમારો વિદ્યાર્થી પરેશ પ્રિતમભાઈ પોપટ.''
          મને યાદ આવ્યું‘. હું બોલ્યો, ‘‘એક વખત મારા ગુસ્સાાથી જેના પેન્ટમાં ‘પીપી' થઈ ગયું હતું એ તું ‘પી.પી.'? ભણવું તો તારા માટે દુશ્મન જેવું હતું!''
          તે કહે, ‘‘હા!''
          હું ઊભો થઈ ગયો અને બોલ્યો, ‘‘તો તો મારે અહીં દવા લેવી જ નથી. તારા જેવા ઠોઠડા ડૉકટર બની જાય એ શું મારી સારવાર કરશે? ડિગ્રી સાચી છે કે પછી છાપાંમાં આવે છે એવી?''
          તે થોડા ઊંચા અવાજે બોલ્યો, ‘‘છાનામાના સૂતા રહો! આ પણ તમારું જ શિક્ષણ છે. તમારા લીધે જ હું ડૉકટર બન્યો‍ છું.''
          હું આશ્ચર્યથી બોલ્યો, ‘‘મારું શિક્ષણ? મારા લીધે ડૉકટર?''
          તે બોલવા લાગ્યો, ‘‘તમને યાદ છે? કોઈને કાંઈ થાય તો પાટ્ટાપીંડી હું જ કરતો. એક દિવસ તમે જ બોલ્યાો હતા, ‘એલા, પરિયા! તારે તો ડૉકટર બનવાની જરૂર છે. ભણવામાં પણ ઘ્યાન દે!' ત્યારે તો મને ન સમજાયું.  પણ જ્યારે દસમા ધોરણમાં આવ્યો., ત્યારે તમારા શબ્દો  મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં નક્કી કર્યું. ગમે તેટલી મહેનત કરવી પડે, પણ રામોલિયાસાહેબના શબ્દો‍ને કલંક નહિ લાગવા દઉં. એ શબ્દોને માત્ર કટાક્ષ જ નહિ રહેવા દઉં. બસ, પછી તો મંડાય જ પડયો. એનું પરિણામ આજે તમારી સામે છે. આજે હું ઠોઠડો વિદ્યાર્થી નહિ, અહીંનો પ્રખ્યાત ડૉકટર છું.'' આમ કહીને તે હાથેથી મારા પગ પકડી, મસ્તક મારા પગ ઉપર રાખીને ઊભો રહ્યો.
          હું અહોભાવથી તેની સામે જોઈ રહ્યો. મેં કહ્યું, ‘‘અમારા શબ્દોને આટલું માન આપીને અમારું માન વધારનાર તારા જેવા વિદ્યાર્થી તો અમારી જિંદગીનું ઘરેણું છે. તેં તો મારી શોભા વધારી છે. તારી વાત સાંભળીને જ મારું દર્દ તો ગાયબ થઈ ગયું. સુખી રહે અને સૌને સુખી કર!''
- ‘સાગર' રામોલિયા

સોમવાર, 12 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-2

સાહેબ! હું ભીખ માગતી નથી
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-ર)

          એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા :
          ‘‘હાલો...! બટેટાં ર0ના કિલો, ટમેટાં 30ના કિલો, ચોળી પ0ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને ખરીદી કરી. પણ એ હરખ વધુ વખત ન ટકયો.
          હવે હું ઘેર જવા માટે નીકળ્‍યો. ત્‍યાં એક જગ્‍યાએ વધારે ભીડ જોવા મળી. સાથે-સાથે અવાજ પણ સંભળાતો હતો : ‘‘બટેટાં બારના કિલો, ટમેટાં ત્રેવીસના કિલો, ચોળી ચોત્રીસની કિલો!'' હું ચમકયો. મેં ભાવ ઘટાડીને લીધેલી વસ્‍તુ અહીં તો એ કરતા પણ સસ્‍તી? કઈ રીતે? પેલા લોકો તો કહેતા હતા કે, હવે આનાથી ઓછામાં પોસાય એમ જ નથી, તો અહીં આમ કેમ? હવે શાક લેવાનું તો નહોતું! છતાં ખાતરી કરવાનું મન થયું. શિક્ષક ખરોને! કદાચ વાસી હશે એવું વિચાર્યું. જઈને જોયું. પણ એકદમ તાજાં શાકભાજી! છતાં ભાવ ઓછો! શું બીજા છેતરવાનું કામ જ કરે છે!
          હું ભીડમાં ઊભો રહ્યો, બોલ્યો : ‘‘બેન! તમે આ શાકભાજી આટલાં સસ્‍તાં કેમ વેંચી શકો છો? માર્કેટમાં તો કયાંય આટલો ઓછો ભાવ નથી.''
          તેણે ઊંચું જોયું. પછી કહે, ‘‘મારે મારા ત્રણ અપંગ છોકરાને નભાવવા છે, સાહેબ!''
          હું ચમકયો. ત્રણ છોકરા, ને ત્રણેય અપંગ! કુદરત આટલી ક્રૂર! મારાથી પૂછાય ગયું, ‘‘ત્રણેય અપંગ? આ શું કહો છો, બેન!''
          તે કહે, ‘‘મને બેન કે તમે ન કહો, સાહેબ!''
          મેં કહ્યું, ‘‘અજાણ્‍યાને તું ન કહેવાય.''
          તે કહે, ‘‘હું અજાણી નથી.''
          મેં કહ્યું, ‘‘કઈ રીતે?''
          શાક લેવાવાળાને એકબાજુ રાખીને મંડી ગઈ બોલવા, ‘‘અરે, રામોલિયાસાહેબ! તમે તો મારા ગુરુજી છો! હું તમારી પાસે ભણતી. મારું નામ લીલી સવજીભાઈ રાઠોડ. તમે તો સાહેબ છો! અમારા જેવા તમને યાદ કયાંથી હોય?  હા, સાહેબ! હું સાત ધોરણ ભણી. થોડાં વરસમાં મારું લગ્ન થયું. બેલડાના બે દીકરા થયા. પણ બેય અપંગ. મારા ધણીને આ ખબર પડી. એ થોડો પાણીપોચો! એટલે આ આઘાતમાં એનેય પક્ષઘાતનો હુમલો આવી ગયો. એમાંથી એ બચી તો ગયો, પણ અપંગ થઈ ગયો. સાવ છોકરા જેવો. એટલે એ સહિત હું ત્રણ છોકરા ગણું છું.''
          આટલું બોલ્‍યા પછી જરા અટકી. મારાથી નિઃસાસો નખાય ગયો. દિલ જાણે દુઃખતું હતું. હવે હું કંઈ કહું એ પહેલા તો એ ફરી બોલવા લાગી, ‘‘હા, સાહેબ!  તમે ભણાવતાં-ભણાવતાં અલકમલકની વાતો કરતા. મને ભણવામાં તો રસ નહોતો, પણ તમારી વાતોમાં મજા આવતી. એક વખત તમે કહેલને કે, ‘ભીખ સૌથી ભૂંડી છે અને જે પ્રામાણિકતાથી કમાણી કરે છે, તેને ભગવાન પણ મદદ કરે છે.' જુવો સાહેબ! હું ઓછો ભાવ રાખું છું, તો પણ તેમાંથી નફો મળે છે. ખોટી રીતે કોઈને છેતરતી નથી. એટલે જાણે ભગવાન મદદ કરે છે અને મારું ઘર ચાલ્‍યા કરે છે. મારા ત્રણ અપંગને આગળ ધરીને ભીખ નથી માગતી, સાહેબ!''
          હું બોલ્‍યો, ‘‘તેં જે બોધ પછી લીધો, એવો બોધ જો ભણતા હોય ત્‍યારે જ સમજમાં આવી જતો હોય, અને વિદ્યાર્થીઓ તે મુજબ મહેનત કરતા હોય,  તો કોઈ ઠોઠ રહે જ નહિ! અમારા પ્રત્‍યેની તારી નિષ્ઠાને હું વંદન કરું છું, લીલી!''
              - ‘સાગર' રામોલિયા

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1


મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1
(માથા વગરની ઢીંગલીઓ)
           વાતાવરણ શાંત હતું. ખુશનુમા  હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્‍યો.
શેરીમાંથી મુખ્‍ય રસ્‍તે પહોંચ્‍યો. ત્‍યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્‍યો હતો, તે અહીં તો જાણે
બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્‍યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...!''
           મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને
બોલાવતો હતો. હું ત્‍યાં ગયો.
           તે બોલ્‍યો, ‘‘સાહેબ, મને ઓળખ્‍યો?''
           મેં માથું ના'માં ધુણાવ્‍યું.
           તો તે બોલ્‍યો, ‘‘હું ધના વના સોલંકી. તમારી પાસે ભણતો. તમે જેનેઠોઠડો' કહીને બોલાવતા!''
           મને ઝાંખું-ઝાંખું યાદ આવી ગયું. મેં તેની બાજુમાં ઊભેલા બુઝુર્ગ તરફ જોયું. તેઓ તો અવાચક જ બની ગયા
હતા. ઘડીક મારા તરફ જુવે, તો ઘડીક પેલા છોકરા તરફ. મેં દુકાનમાં નજર નાખી, હવે અવાચક બનવાનો વારો મારો હતો.
દુકાનમાં અનેક જાતની ઢીંગલીઓ હતી, પણ કોઈની માથે માથું નહોતું. મેં હાથના ઈશારાથી પેલા બુઝુર્ગને પૂછયું.
           તેઓ બોલ્‍યા, ‘‘આ મારો દીકરો ધનો. ઢીંગલીઓ ખૂબ સારી બનાવે. પણ માથું માથે રાખવા જ ન દે. કોઈ ઢીંગલી
લેવા આવે, તો માથે માથું રાખીને દેખાડે.''
           મેં પૂછયું, ‘‘કેમ?''
           હવે ધનો બોલ્‍યો, ‘‘સાહેબ, એક વખત હું ને મારી બેન રસ્‍તે ચાલતાં હતાં. ત્‍યાં એક બાઈક'વાળો  મારી બેનને
ઠોકરથી ઉડાડતો ગયો. તે ઊડીને પડી ગાડીના પાટા ઉપર. ત્‍યાં જ ગાડી આવી. મારી બેનનું માથું કપાય ગયું સાહેબ!
મારી ઢીંગલીનું માથું કપાય ગયું સાહેબ!''
           તેને અટકાવી બુઝુર્ગ બોલ્‍યા, ‘‘તે દિવસથી ધનો સૂનમૂન રહેવા લાગ્‍યો. કોઈ સાથે બોલે નહિ. શાળાએ જાય નહિ.
બસ, બેઠો જ  રહે! થોડા દિવસ પછી બબડવા લાગ્‍યો, મારામાં શકિત છે, મારામાં કલા છે. અને ઢીંગલીઓ બનાવવા લાગ્‍યો.
સરસ અને સુંદર ઢીંગલીઓ. પણ બધી આ રીતે. છતાંયે ખૂબ કમાણી થાય છે.''
           ફરી ધનો બોલ્‍યો, ‘‘સાહેબ, તમે જ કહેતાને? ‘દરેક માણસમાં ખૂબ શકિત કે આવડત હોય છે. તેને બહાર લાવતા
આવડવું જોઈએ.'
           હા, તમે એ પણ કહેતા, ‘તું ભણવામાં નબળો છો, પણ તારામાં કલાની સૂઝ છે. તું આગળ વધજે. સાહેબ, હું જે
બબડતો હતો, એ તમે કહેલી જ વાત હતી. જે આજે તમને જોયા પછી મને યાદ આવ્‍યું.''
           તે મારા પગે પડી ગયો.
           મારા મનમાં ઝબકારો થયો, ‘‘કોઈએ કહેલા પ્રોત્‍સાહનના બે શબ્‍દો કોઈની જિંદગીને સજાવી જાય છે.''
                                          ‘સાગર’ રામોલિયા
                                                            ***