.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 29 જુલાઈ, 2012

ટીંગાય છે (ગઝલ)


આ આમ શાને માંયલો મૂંઝાય છે,

ધરપત અહીં સૌ, રોજ આપી જાય છે.



એ ઝાડને કોઈ કદી કાપી જશે,

જે આજ મોટા હેતથી રોપાય છે.



દીવાલને પણ ભાર મારો લાગશે,

મારી છબી તેના ઉપર ટીંગાય છે.



પાણી પહેલા પાળ બાંધી રાખવી,

આયોજનો આવા બધે ગંધાય છે.



આત્માતણો ‘સાગર’ હવે દીવો કરો,

આ બંધ આંખે ક્યાં જરા દેખાય છે?



- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 22 જુલાઈ, 2012

સપનાં (ગઝલ)


લાગણીનો સાર સંસાર છે સપનાં,
દેવની દીધેલ પતવાર છે સપનાં.

મૃગજળ જોઈ રણે જીવડો ટકતો,
જીવવાનો એમ આધાર છે સપનાં.

શોકમાં આવી હરખ તે ભરી દેતાં,
જિંદગીનો એ ચમત્કાર છે સપનાં.

રાજવી ખુદ છે ત્રણે લોકનો મોટો,
રોજ મળતો રાજદરબાર છે સપનાં.

થાય સાગર રોજ મન સાથ અથડામણ,
કવિકલમનો ઉચ્ચ રણકાર છે સપનાં.

- સાગર રામોલિયા

રવિવાર, 15 જુલાઈ, 2012

આવ્યો છું (હઝલ)

માનતા નહિ કોઈ ધમાલ લઈ આવ્યો છું,
ને માનો તો બગડેલો ફાલ લઈ આવ્યો છું.

ચૂમી તો જુઓ, દાંત ખાટા થઈ જશે,
પરસેવે રેબઝેબ ગાલ લઈ આવ્યો છું.

ત્રેવડ નથી કોઈ મારો વાળ વાંકો કરે!
જુઓ કેવી લીસી લીસી ટાલ લઈ આવ્યો છું!

બાજુમાં તો ચાલી જુઓ, નીચે જઈ પડશો,
આમ-તેમ ફંગોળાતી ચાલ લઈ આવ્યો છું.

‘સાગર’ ગમે તેવું કહો, અસર નહિ થાય,
બંને કાનમાં હું હડતાલ લઈ આવ્યો છું.

- ‘સાગર’ રામોલિયા

શનિવાર, 7 જુલાઈ, 2012

વરસાદ આવે (મોનોઈમેજ કાવ્ય)














(1)
કદીક
દુર્વાસાના શાપની જેમ
કદીક
ઘરડા-માંદા બળદની જેમ
આવે વરસાદ.
(2)
કબરમાં સૂતેલ
મડદામાં પણ
જગાવવી હોય તરસ,
એ રીતે 
આવે કદીક.
(3)
બાષ્પીભવનમાં
બાકી રહેલી
ખારાશને લીધે
સમુદ્ર જ્યારે
ઉલ્ટી કરવા લાગે,
ત્યારે માંડ આવે.
(4)
વૃક્ષો
નગ્ન બની
શરમ છોડે ત્યારે
આ બેશરમી આવે.
(5)
પોતાને
કર્ણ માનતો એ
જીવ મરે ત્યારે
દાન દેવા આવે.
(6)
વાદળમાં સંતાઈ
રમે સંતાકૂકડી,
પકડનાર થાકે
બેભાન બને ત્યારે
આવે લુચ્ચો વરસાદ.
(7)
ઘનઘોર
બન્યું હોય આભ,
તોયે ટીપે ટીપે આવે,
જાણે
મગર આંસુ પાડે.....


- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 1 જુલાઈ, 2012

મૃગજળ (મોનોઈમેજ કાવ્ય)

(1)
વણભેદાયેલો
અભિમન્યુનો
સાતમો કોઠો
એટલે મૃગજળ.
(2)
મૃગજળ
બની ગયેલ વિદ્યા
એકલવ્યે મેળવી
ને
કર્યો ભંગ
કુદરતી નિયમનો.
(3)
મૃગજળ
એટલે
કાળની થપાટોમાં
અસ્ત પામેલ
જળનું અસ્તિત્વ.
(4)
ખુલ્લી આંખનું
બનીને સ્વપ્ન
મનોભૂમિ પર છવાતું
ને આંખ બંધ થતાં
હતું – ન હતું...
(5)
મૃગજળમાં જીવવું
વિલીન થવું,
વણલખ્યો
સંસારી નિયમ.

- ‘સાગર’ રામોલિયા