.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 17 ડિસેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૬


આવો મારી હાટડીએ
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૬)
          એક દિવસ હું બજારમાં ખરીદી કરવા નીકળ્‍યો. બજારમાં દુકાનોને જોતો આગળ વધતો જતો હતો. કયારેક ઘ્‍યાન ચૂકી જવાય તો કોઈ અથડાઈ પણ જાય. પણ બધા સારા મળ્‍યા. એટલે આંધળો છો કે શું?' એવું કોઈ ન બોલ્‍યું. તેથી બીજો પણ એક વિચાર આવ્‍યો, કે આ બજારમાં આવનાર માણસો વિવેકી જ હશે. ઘણી દુકાનો જોઈ, પણ મારે જે વસ્‍તુ લેવી હતી તે કયાંય જોવા ન મળી. આમતેમ જોતો આગળ વઘ્‍યો. ત્‍યાં કોઈ મારી સાથે અથડાયું હોય એવું લાગ્‍યું. બંનેએ એકબીજા સામે જોયું. તેને હું ઓળખી ગયો. તે મારો પૂર્વ વિદ્યાર્થી મયૂર નાનજીભાઈ પરસાણી હતો.
          તે બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! આમ ભટકાતા-ભટકાતા શું લેવા નીકળ્‍યા છો?''
          મેં કહ્યું, ‘‘મારે ફલાણી વસ્‍તુ લેવી છે.''
          તે કહે, ‘‘આવો મારી હાટડીએ! ત્‍યાં મળી જશે.''
          મને આશ્ચર્ય થયું કે, આને હાટડી શબ્‍દ કયાંથી આવડી ગયો! ભણવા સાથે તો તેને બાપદાદાનું વેર હતું. હા, તોફાન સાથે દોસ્‍તી હતી. એક દિવસ તો તેના તોફાનને લીધે મેં બરાબરની થપ્‍પડ મારી અને કહેલું કે, ‘‘શાળામાં ભણવા આવશ તો ભણવામાં ઘ્‍યાન દેને! આવી રીતે જિંદગીને વેડફી ન નાખ. ભણીશ તો ધંધો પણ સારો કરી શકીશ.''
          આવા વિચારમાં તેની સાથે થોડે સુધી ચાલ્‍યો ત્‍યાં એક દુકાન આવી.
          દુકાન સામે હાથ ચીંધીને મને કહે, ‘‘આ મારી નાનકડી હાટડી.''
          હું દુકાનમાં ગયો. દુકાન ઘરવપરાશની ચીજો અને પ્‍લાસ્‍ટિકની ચીજોની હતી. દુકાનની રોનક જોઈને મારી આંખો પહોળી જ રહી ગઈ. મેં કહેલ ચીજ તે તરત શોધી લાવ્‍યો. બાકીના ગ્રાહકોને બીજા માણસો વસ્‍તુઓ શોધીને આપતા હતા. તેમાંયે ઘડીકમાં વારો આવતો નહિ હોય. એટલે મારા પહેલા આવેલા ગ્રાહકો મારી સામે કતરાઈને જોવા લાગ્‍યા.
          મયૂરે મને એક ખુરશીમાં બેસાડયો. પછી મારા સામે ઊભો રહીને બોલ્‍યો, ‘‘નાસ્‍તામાં શું લેશો સાહેબ?''
          મેં કહ્યું, ‘‘મને નાસ્‍તામાં કંઈ નહિ ચાલે. પણ મને એ તો કહે કે, આવો ચમત્‍કાર કેવી રીતે થયો?''
          તે કહે, ‘‘તમારી થપ્‍પડથી.''
          આ સાંભળી બીજા ગ્રાહકો પણ અમારા સામે જોવા લાગ્‍યા.
          ફરી તે બોલ્‍યો, ‘‘તે દિવસે તમે મને થપ્‍પડ મારી જે વાત કહી હતી તે મારા મગજને હચમચાવી ગઈ હતી. પછી હાઈસ્‍કૂલમાં ગયો ત્‍યારે ઘ્‍યાન આપીને વાંચતા-લખતાં શીખ્‍યો અને હિસાબ કરવાનું શીખી ગયો. દસમા ધોરણ પછી ભણ્‍યો નહિ અને એક નાનકડી દુકાન ખોલી. અત્‍યારે આવી ચાર દુકાનો છે.''
          હું બોલ્‍યો, ‘‘વાહ, મયૂર! તેં તો ખૂબ સારી પ્રગતિ કરી લીધી. તું તો આગળ વઘ્‍યો, પણ તારી દુકાનમાં કામ કરનારાને પણ રોજીરોટી ઊભી કરી દીધી. જ્યાં તારું પોતાનું કોઈ ઠેકાણું નહોતું, તેની જગ્‍યાએ તેં આ સામ્રાજ્ય ઊભું કરી દીધું. શાબાશ, મયૂર શાબાશ!''
          તે જ્ઞાનની વાત કરે છે, ‘‘જેમ નારદજીની ટકોરે વાલિયા લુંટારાને વાલ્‍મિકી ઋષિ બનાવી દીધા, તેમ તમારી ટકોરે મને અહીં સુધી પહોંચવાનું બળ આપ્‍યું છે. તે દિવસે તમે થપ્‍પડ મારીને મારી આંખ ખોલી ન હોત, તો આજે હું કયાંક મજૂરી કરતો હોત. તમારો ખૂબ-ખૂબ આભાર, સાહેબ!''
          આ સાંભળીને મને થયું, કયાંક અજાણતામાં પણ મોટું જ્ઞાન અપાય જતું હોય છે. જેને શીખવવું હોય, તે કોઈપણ રીતે શીખવે છે. શીખવવા માટે સ્‍થળ-કાળ જોવાની જરૂર ન હોય.
                                   - ‘સાગર' રામોલિયા

રવિવાર, 15 ડિસેમ્બર, 2019

Sardar

આજે 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ. ત્યારે નિહાળો તેઓના મૃત્યુનો પ્રસંગ નીચેની લિંક ક્લીક કરીને...
https://youtu.be/5t68DPJcejM

સોમવાર, 9 ડિસેમ્બર, 2019

તેને ફોન કરી જો

ચ્હેરા જ્યાં મલકાયા, તેને ફોન કરી જો!
લોકો જ્યાં અંજાયા, તેને ફોન કરી જો!

પાપોને ધોવાની જાણી લેવા રીતો,
ગંગામાં હો ન્હાયા, તેને ફોન કરી જો!

સામી છાતીએ દોડ્યા હંમેશાં જંગે,
ના ક્યાંયે સંતાયા, તેને ફોન કરી જો!

જેઓ આવ્યા છે આગળ રાખીને હિંમત,
ને જગમાં વખણાયા, તેને ફોન કરી જો!

'સાગર'ની વાતો ગાંડીઘેલી ચાહે હો,
તોય ઘણા દોરાયા, તેને ફોન કરી જો!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 24 નવેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫


તું સિવિલ એન્‍જીનિયર.....?
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫)
          એક વખત અમારા સંબંધીને મકાનનો પ્‍લાન બનાવવાનો હતો. એના માટે એન્‍જીનિયર પાસે જવાનું હતું. આ બાબતમાં એય અજાણ્‍યા અને હુંય અજાણ્‍યો. અન્‍યને પૂછીને એક ઓફિસમાં પહોંચ્‍યા. ઓફિસની ઝાકમઝોળ સરસ હતી. રિસેપ્‍શનમાં બેઠેલ યુવતીએ મીઠો આવકાર આપ્‍યો. અમે અમારી વાત કરી. એટલે તેણે કહ્યું, ‘‘સાહેબ હમણા આવશે. બેસો.'' અમે સાહેબની વાટ જોઈને બેઠા.
          થોડીવાર થઈ. એક યુવાન ઓફિસમાં પ્રવેશે છે. તેનું ઘ્‍યાન મારા ઉપર પડયું અને થોભી ગયો. ત્‍યાંના કર્મચારીઓ ઊભા થઈ ગયા. એટલે મેં અંદાજ માર્યો કે, આ એના સાહેબ હોવા જોઈએ. મારી પાસે આવીને મને પગે લાગે છે. હવે હું એની સામે જોતો રહી ગયો. ત્‍યાંના કર્મચારીઓ તો એકીટશે જોતા રહી ગયા. તે યુવાને પોતાની ઓફિસમાં આવવા કહ્યું. અમે તેની સાથે ગયા. તેણે પોતાની ખુરશી ઉપર મને બેસાડયો. તે સામે બેઠો. હજી વધારે વાત થઈ નહોતી.
          બહાર નામ તો વાંચ્‍યું હતું. તેનું નામ અજય જમનાદાસ ઘેલાણી. તેના વર્તન ઉપરથી હવે મને યાદ આવ્‍યું. તે મારા પાસે ભણતો. ભણવામાં ઠીક-ઠીક હતો. પણ ચિત્રકામ નબળું હતું. કયાંક કોઈ આકૃતિ દોરવાની હોય તો તેમાં શું દોર્યું છે તે ખબર ન પડે. એટલે ઘણી વખત ખીજાવું પણ પડતું. તેના લીધે વાંચવા-લખવામાં થોડું ઘ્‍યાન વઘ્‍યું, પણ ચિત્ર તો નબળું જ રહ્યું. સારું ચિત્ર દોરવા માટે મેં તેને ઘણી સલાહ અને માર્ગદર્શન આપેલ. પણ ત્‍યારે તો કોઈ અસર થઈ નહોતી.
          તે બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! મને ઓળખ્‍યો?''
          મેં જવાબ આપ્‍યો, ‘‘હા, તને જોઈને તો ન ઓળખી શકયો, પણ તારું નામ જોઈને તારું ફિલ્‍મ નજર સામેથી પસાર થઈ ગયું. પણ તું સિવિલ એન્‍જીનિયર છો એ જાણીને તો આશ્ચર્ય થાય છે.''
          તે કહે, ‘‘એમાં આશ્ચર્ય શેનું?''
          મેં કહ્યું, ‘‘આમાં તો પ્‍લાન બનાવવામાં ચિત્રાંકન વધારે આવે. તું ભણતો ત્‍યારે તને ચિત્રકામ તો ફાવતું નહિ! છતાંયે તું સિવિલ એન્‍જીનિયર...? પ્‍લાન દોરતા આવડે છે કે આડાઅવળું કરીને ડિગ્રી મેળવી લીધી છે?''
          તે કહે, ‘‘સાહેબ! ડિગ્રી સાચી જ છે. તમારા પાસેથી નીકળ્‍યા પછી મને થયું કે સાહેબ મારી પાછળ મહેનત કરતા અને મને શિખામણ આપતા હતા તે સાચું હતું. ચિત્રકામ કયાંક તો કામ લાગશે જ. એટલે હું તે શીખવા લાગ્‍યો. ધીમે-ધીમે ફાવી ગયું. ધો. 10માં સારું પરિણામ આવતાં એન્‍જીનિયર બનવાનું નક્કી કર્યું. તેમાંયે શીખેલા ચિત્રકામનો ઉપયોગ યાદ આવ્‍યો. એટલે સિવિલ એન્‍જીનિયર બનવાનું જ નક્કી કર્યું. અને એક વાત કહું, સાહેબ! આજે હું સારા પ્‍લાન બનાવી શકું છું અને કામ ખૂટતું પણ નથી.''
          મેં કહ્યું, ‘‘સરસ, ભાઈ સરસ! તેં મારી શિખામણની લાજ રાખી ખરી! મારી શિખામણ વ્‍યર્થ ન ગઈ. આ વાત જાણીને મને ખૂબ આનંદ થયો.''
          તે કહે છે, ‘‘પણ સાહેબ! આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા? તમારે મારું શું કામ પડયું?''
          મેં કહ્યું, ‘‘મારે નહિ, પણ મારા આ સંબંધીને નવું મકાન ચણવું છે. તેનો પ્‍લાન બનાવવાનો છે. તું બનાવીશને?''
          તે કહે, ‘‘સાહેબ! મારા માટે તો આ આનંદ અને ગૌરવની વાત છે કે મારા ગુરુજી મારે ત્યાં આવ્યા છે. એવો પ્‍લાન બનાવી દઈશ કે સૌ ખુશ થઈ જશે અને હું પાસ પણ કરાવી દઈશ.''
          અને ખરેખર, આ અજયે સરસ પ્‍લાન બનાવી દીધો. જે જાણે ચિત્રકામનો દુશ્‍મન હતો, તે આજે આવા સરસ પ્‍લાન બનાવી શકે છે. મનમાં કોઈ બાબત શીખવાની ધૂન લાગે તો ન આવડતી બાબત પણ આવડી જ જાય છે. જેનું ઉદાહરણ મારા માટે આ અજયરૂપે સાક્ષાત થયું હતું.
                                        - ‘સાગર' રામોલિયા

મંગળવાર, 12 નવેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14


દોરડાં તો ચંગુભાઈનાં!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14)
          આપણે સંસારમાં રહેનારા. ખબર નહિ, કયારે કઈ વસ્‍તુ લેવા નીકળવું પડે. આપણને સ્‍વપ્‍નેય ખ્‍યાલ ન હોય એવી વસ્‍તુ લેવા નીકળવું પડે. એ વસ્‍તુ એવી પણ હોઈ શકે, કે જેનો ઉપયોગ આપણે કયારેય કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય.
          મારે પણ આવું જ બન્‍યું. ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્‍યો કે, એક જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી આવતું. તેમણે મને જે જગ્‍યા કહી, જગ્‍યા તો મારી શાળાના રસ્‍તે જ આવતી હતી. પણ મેં કયારેય ચંગુભાઈનાં દોરડાં જોયાં નહોતાં. કારણ કે, એ મારા માટે જરૂરિયાતની ચીજ નહોતી. આપણે જે ચીજની જરૂર હોય, તેનું ઘ્‍યાન આપણે રાખતા હોઈએ. કયારેક તેના માટે પણ કોઈને પૂછવું પડતું હોય. તો આ તો મારા માટે અજાણ્‍યું હતું.
          કહેલી જગ્‍યાએ હું પહોંચ્‍યો. ત્‍યાં દોરડાં લેવાવાળા ઘણા હતા. એટલે મને થયું ચંગુભાઈ પ્રખ્‍યાત તો લાગે છે! ચંગુભાઈ તરફ મારું ઘ્‍યાન ગયું. લઘરવઘર મેલાં કપડાં. ઉપર બંડી ને નીચે ધોતિયું. માથે બાંઘ્‍યું હતું મેલું ફાળિયું. થોડીવાર પછી ચંગુભાઈની નજર મારા ઉપર પડી. ઊભા થઈને મારી પાસે આવે છે.
          તે કહે, ‘‘આવો, આવો રામોલિયાસાહેબ! ધન્‍ય ઘડી ધન્‍ય ભાગ્‍ય. તમારા પગલે મારી આ ઝૂંપડી પાવન થઈ ગઈ. આજે તો તમે અહીં પધાર્યા?''
          મને થયું, આ લઘરવઘરને બોલતા તો સારું આવડે છે. મને ઓળખે પણ છે. કદાચ આ ચંગુભાઈ એટલે મારા પાસે ભણતો હતો તે ચંગુ રામા સોલંકી હોવો જોઈએ. તેને પાતળા દોરામાંથી જાડી દોરીઓ બનાવવાની ટેવ તો નાનપણમાં પણ હતી. ખરું કહું તો, એક વિદ્યાર્થી એવો નીકળ્‍યો હતો, કે વારંવાર કરાવવા છતાં 'ને ઓળખવામાં પણ ભૂલ કરતો. એના ઉપર શામ, દામ કે દંડની કોઈ નીતિ કામ આવી નહોતી. કોઈ વળી બોલશે, કે વિદ્યાર્થીમાં વળી દામની વાત કયાં આવી! તો તેના ઉપર વાપરવા માટે દામ આપવાની નીતિ પણ અપનાવી હતી. છતાં જરાયે ફરક ન પડયો. આજે એ જ ચંગુને ચંગુભાઈ તરીકે જોયો. લોકો તેની વાહ વાહ' કરતા હતા. મારા તો આશ્ચર્યનો પાર નહોતો.
          તે બોલ્‍યો, ‘‘સાહેબ, હું ચંગુ રામા સોલંકી.''
          મેં કહ્યું, ‘‘હા, ભાઈ હા! એ તો મેં અનુમાન મારી લીધું હતું. તારી તો કાંઈ વાહ વાહ' થાય છે ને!''
          તે કહે, ‘‘આ રસ્‍તો તમે તો દેખાડયો હતો. તમે તો કહ્યું હતું કે, ભણવામાં તો તારો ગજ વાગતો નથી. તો પછી દોરડાં તો સારાં બનાવજે!''
          હું મજાકમાં બોલ્‍યો, ‘‘એટલે જ તું ભણ્‍યો નહિ અને દોરડાં બનાવવામાં લાગી ગયો?''
          તે કહે, ‘‘શું સાહેબ, તમેય! મારે તો ભણવું જ હતું. પણ આ ઉપલા માળમાં એ યાદ રાખવાની જગ્‍યા હોય તો યાદ રહેને!''
          મેં પૂછયું, ‘‘તો પછી આ દોરડાં બનાવવાનું કેમ યાદ રહ્યું?''
          તે બોલ્‍યો, ‘‘ઈ તો બધી ઉપરવાળાની ઈચ્‍છા. ઈ એક જ ફાવતું હતું અને વધારે ફાવી ગયું. એટલે જેવાં દોરડાં બનાવું, એવાં જ વેંચાય જાય. બાકી તો દુવા તમારા જેવાની. આપણો ધંધો ધમધોકાર ચાલે છે.''
          મને કહેવત યાદ આવી ગઈ, ‘ઈશ્વર એક હાથે છીનવે છે, તો બીજા હાથે આપેય છે.' આ ચંગુનું ભણવાનું પાસું જાણે છીનવાય ગયું હતું, તો દોરડાં બનાવવાનું પાસું બળવાન બની ગયું હતું. દૂર રહેતા લોકોના મુખે પણ ચંગુભાઈનું નામ સંભળાય. આનાથી મોટી પ્રગતિ કઈ હોઈ શકે? આવું શિક્ષણ આપવામાં તો શિક્ષક પણ પાછો પડે.
                                        - ‘સાગર' રામોલિયા