.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 12 નવેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14


દોરડાં તો ચંગુભાઈનાં!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14)
          આપણે સંસારમાં રહેનારા. ખબર નહિ, કયારે કઈ વસ્‍તુ લેવા નીકળવું પડે. આપણને સ્‍વપ્‍નેય ખ્‍યાલ ન હોય એવી વસ્‍તુ લેવા નીકળવું પડે. એ વસ્‍તુ એવી પણ હોઈ શકે, કે જેનો ઉપયોગ આપણે કયારેય કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય.
          મારે પણ આવું જ બન્‍યું. ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્‍યો કે, એક જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી આવતું. તેમણે મને જે જગ્‍યા કહી, જગ્‍યા તો મારી શાળાના રસ્‍તે જ આવતી હતી. પણ મેં કયારેય ચંગુભાઈનાં દોરડાં જોયાં નહોતાં. કારણ કે, એ મારા માટે જરૂરિયાતની ચીજ નહોતી. આપણે જે ચીજની જરૂર હોય, તેનું ઘ્‍યાન આપણે રાખતા હોઈએ. કયારેક તેના માટે પણ કોઈને પૂછવું પડતું હોય. તો આ તો મારા માટે અજાણ્‍યું હતું.
          કહેલી જગ્‍યાએ હું પહોંચ્‍યો. ત્‍યાં દોરડાં લેવાવાળા ઘણા હતા. એટલે મને થયું ચંગુભાઈ પ્રખ્‍યાત તો લાગે છે! ચંગુભાઈ તરફ મારું ઘ્‍યાન ગયું. લઘરવઘર મેલાં કપડાં. ઉપર બંડી ને નીચે ધોતિયું. માથે બાંઘ્‍યું હતું મેલું ફાળિયું. થોડીવાર પછી ચંગુભાઈની નજર મારા ઉપર પડી. ઊભા થઈને મારી પાસે આવે છે.
          તે કહે, ‘‘આવો, આવો રામોલિયાસાહેબ! ધન્‍ય ઘડી ધન્‍ય ભાગ્‍ય. તમારા પગલે મારી આ ઝૂંપડી પાવન થઈ ગઈ. આજે તો તમે અહીં પધાર્યા?''
          મને થયું, આ લઘરવઘરને બોલતા તો સારું આવડે છે. મને ઓળખે પણ છે. કદાચ આ ચંગુભાઈ એટલે મારા પાસે ભણતો હતો તે ચંગુ રામા સોલંકી હોવો જોઈએ. તેને પાતળા દોરામાંથી જાડી દોરીઓ બનાવવાની ટેવ તો નાનપણમાં પણ હતી. ખરું કહું તો, એક વિદ્યાર્થી એવો નીકળ્‍યો હતો, કે વારંવાર કરાવવા છતાં 'ને ઓળખવામાં પણ ભૂલ કરતો. એના ઉપર શામ, દામ કે દંડની કોઈ નીતિ કામ આવી નહોતી. કોઈ વળી બોલશે, કે વિદ્યાર્થીમાં વળી દામની વાત કયાં આવી! તો તેના ઉપર વાપરવા માટે દામ આપવાની નીતિ પણ અપનાવી હતી. છતાં જરાયે ફરક ન પડયો. આજે એ જ ચંગુને ચંગુભાઈ તરીકે જોયો. લોકો તેની વાહ વાહ' કરતા હતા. મારા તો આશ્ચર્યનો પાર નહોતો.
          તે બોલ્‍યો, ‘‘સાહેબ, હું ચંગુ રામા સોલંકી.''
          મેં કહ્યું, ‘‘હા, ભાઈ હા! એ તો મેં અનુમાન મારી લીધું હતું. તારી તો કાંઈ વાહ વાહ' થાય છે ને!''
          તે કહે, ‘‘આ રસ્‍તો તમે તો દેખાડયો હતો. તમે તો કહ્યું હતું કે, ભણવામાં તો તારો ગજ વાગતો નથી. તો પછી દોરડાં તો સારાં બનાવજે!''
          હું મજાકમાં બોલ્‍યો, ‘‘એટલે જ તું ભણ્‍યો નહિ અને દોરડાં બનાવવામાં લાગી ગયો?''
          તે કહે, ‘‘શું સાહેબ, તમેય! મારે તો ભણવું જ હતું. પણ આ ઉપલા માળમાં એ યાદ રાખવાની જગ્‍યા હોય તો યાદ રહેને!''
          મેં પૂછયું, ‘‘તો પછી આ દોરડાં બનાવવાનું કેમ યાદ રહ્યું?''
          તે બોલ્‍યો, ‘‘ઈ તો બધી ઉપરવાળાની ઈચ્‍છા. ઈ એક જ ફાવતું હતું અને વધારે ફાવી ગયું. એટલે જેવાં દોરડાં બનાવું, એવાં જ વેંચાય જાય. બાકી તો દુવા તમારા જેવાની. આપણો ધંધો ધમધોકાર ચાલે છે.''
          મને કહેવત યાદ આવી ગઈ, ‘ઈશ્વર એક હાથે છીનવે છે, તો બીજા હાથે આપેય છે.' આ ચંગુનું ભણવાનું પાસું જાણે છીનવાય ગયું હતું, તો દોરડાં બનાવવાનું પાસું બળવાન બની ગયું હતું. દૂર રહેતા લોકોના મુખે પણ ચંગુભાઈનું નામ સંભળાય. આનાથી મોટી પ્રગતિ કઈ હોઈ શકે? આવું શિક્ષણ આપવામાં તો શિક્ષક પણ પાછો પડે.
                                        - ‘સાગર' રામોલિયા

ટિપ્પણીઓ નથી: