.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

ગુરુવાર, 29 જુલાઈ, 2010

માણસ


વાયદે વાયદે બદલતો માણસ,
ને જૂઠનો રંગ ચડાવતો માણસ.


પહેર્યું ચોકડું કૂતરાના દાંતનું,
ફાયદે ફાયદે કરડતો માણસ.


સાપની જેમ તે લીસોટા ન છોડતો,
કાયદે કાયદે ફસાવતો માણસ.


બને ગુલાંટ મારવામાં ચેમ્પીયન,
ખરા ટાણે તેથી ફટકતો માણસ.


'સાગર' ખરાં-ખોટાંનું રાખે ન ભાન,
બલાની ચુંગાળમાં દોડતો માણસ.


- 'સાગર' રામોલિયા

શનિવાર, 24 જુલાઈ, 2010

માણસ


આફતોનું મોટું બારું માણસ,
કરતો તારું તે મારું માણસ.

અહીંનું તહીં કરવા મશગૂલ,
હથિયાર છે બેધારું માણસ.

ઢાંકી ન શકે એબ પોતાનીયે,
પાડતો ખુલ્લું ભોપારું માણસ.

દોટ મૂકે લાંબી, મીંચીને આંખો,
પછી કે'વાય બિચારું માણસ.

'સાગર' મુખ બગાડ્યું બલાએ,
ગુનામાં જીવે ગોઝારું માણસ.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 20 જુલાઈ, 2010

કૌભાંડ દેશના વાસી


કૌભાંડ દેશના વાસી, અમે કૌભાંડ દેશના વાસી,
જોઈએ દાસ ને દાસી, અમે કૌભાંડ દેશના વાસી.

ભૂખે મરતાં ભલે મરે, નેતા અમે લાડકવાયા,
રોજ પકવાન ખાશી, અમે કૌભાંડ દેશના વાસી.

દૂધ પાઈને દુનિયાએ અમને કરી દીધા ઘેલા,
દારૂ રોજ સૌને પાશી, અમે કૌભાંડ દેશના વાસી.

સત્ય અમને કોઠે ન પડે, કદી ફસાઈ જઈએ,
ઊભી પૂંછડીએ નાશી, અમે કૌભાંડ દેશના વાસી.

'સાગર' બલા હોંશથી કહે, અહીં તો ખૂબ ફાયદો,
પ્રસિદ્ધિ મળશે ખાશી, અમે કૌભાંડ દેશના વાસી.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 17 જુલાઈ, 2010

થઈ જશે


તુંડ તુંડ વધી અહીં વસ્તી થઈ જશે,
ને શિખામણો જબરદસ્તી થઈ જશે.


પ્રેમપત્રો વધારે લખવા નથી સારા,

વધુ ભેગા થયે તેની પસ્તી થઈ જશે.


વાણીનો ઉપયોગ કરવો જાળવીને,

વધુ વપરાશે ખૂબ સસ્તી થઈ જશે.


મનની મહોલાત રાખવી સંભાળીને,
કોઈની અડબોથે દુરસ્તી થઈ જશે.


'સાગર' પડશે પગ કદી કુંડાળામાં,

બલાઓની ચારેબાજુ હસ્તી થઈ જશે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 11 જુલાઈ, 2010

મળી જાય


ગુંડા તો ચારેકોર મળી જાય,
કેરી માગો તો બોર મળી જાય.

પડે જો કૂતરા સાથે પનારો,
મફત રૂડો શોર મળી જાય.

ખુશ થય કપાયેલા પતંગે,
પછી કહે જો દોર મળી જાય.

નશાની દુનિયામાં મૂકો પગ,
વગર પીધે તોર મળી જાય.

મન કહે 'સાગર' ન હરખાતો,
બલા કોઈ કઠોર મળી જાય.

- 'સાગર' રામોલિયા

તાગડધિન્ના


આ દેશ તો છે આઝાદ, કરી તાગડધિન્ના,
કરી દીધો બરબાદ, કરી તાગડધિન્ના.

ખુદ-ખુદના વખાણમાંથી આવે ન ઊંચા,
એમાં કોને દેવી દાદ, કરી તાગડધિન્ના.

કાલે મળશું કહીને છટકી જાય ઝટ,
પછી કોણ રાખે યાદ, કરી તાગડધિન્ના.

‘ધર્મ બધા સમાન’નાં ભાષણ કરે મોટાં,
પછી જગાવે જેહાદ, કરી તાગડધિન્ના.

‘સાગર’ ભાગી-ભાગીને પહોંચવું કેટલે?
બલા બોલે ઊંચા સાદ, કરી તાગડધિન્ના.

‘સાગર’ રામોલિયા

ડુપ્લીકેટ


માનવની જિંદગી થવા લાગી ડુપ્લીકેટ,
પરદુઃખ જોઈ વેદના જાગી ડુપ્લીકેટ.

દાઢી છોલાણી આજે દાઢી કરવા બેસતાં,
પછી ખબર પડી બ્લેડ વાગી ડુપ્લીકેટ.

થયો બેભાન તોયે બની શકી ન હઝલ,
ભાનમાં આવ્યો ત્યાં કલ્પના ભાગી ડુપ્લીકેટ.

મેળાની મજા પણ પહેલા જેવી ક્યાં રહી?
થયા છે જુવાનિયા વરણાગી ડુપ્લીકેટ.

કેમ બતાવી શકું ‘સાગર’ લાગણી સાચી,
બધે જ બલાની કતાર લાગી ડુપ્લીકેટ..

-‘સાગર’ રામોલિયા

બલાને......


આમ તો મારે કોઈ રકજક નથી બલા,
હાથીની છો બેન એ કોઈ શક નથી બલા.

તું કરે છે હેરાન મને, હું કરું મનને,
તારા-મારામાં જરાય ફરક નથી બલા.

બોલતાં તું તકલીફ ન લે શ્વાસ લેવાની,
તોયે તું કહે તારી બકબક નથી બલા.

ગરોડી-વંદાને જોઈને તું મૂકતી દોટ,
મને જોઈ વધતી ધકધક નથી બલા???

‘સાગર’ પાવડર-ક્રિમના થર છે માર્યા,
છતાં ગુલાબી મુખડે ચમક નથી બલા.


- ‘સાગર’ રામોલિયા

ઈશ્વર ખોવાયો


છાપામાં છે જાહેરાત ઈશ્વર ખોવાયો,
ઘરે-દરે થાય વાત ઈશ્વર ખોવાયો.

બિલાડી મ્યાઉં કરતી શોધે છે દરમાં,
કૂતરાં પામ્યાં આઘાત ઈશ્વર ખોવાયો.

સૌથી વધુ વ્યાકુળ થઈ છે પેલી કીડી,
ઉપવાસ કર્યા સાત ઈશ્વર ખોવાયો.

કરોળિયે પણ ખૂંદી નાખ્યાં જાળેજાળાં,
પોલીસે માંડી પંચાત ઈશ્વર ખોવાયો.

‘સાગર’ બલાએ જોયો તેને ચીંથરેહાલ,
ભિખારીએ મારી લાત ઈશ્વર ખોવાયો.

- ‘સાગર’ રામોલિયા

ભાંગરો ન વાટ!


મરચાં, લસણ વાટ, ભાંગરો ન વાટ!
ભલે પડ ચતોપાટ, ભાંગરો ન વાટ!

રહેલ હોય મીઠાના ગાંગડા તારામાં,
વાટ વિના ગભરાટ, ભાંગરો ન વાટ!

ઉપયોગ ન થાય તો બંધ રાખ બુદ્ધિ,
ભલે લાગી જાય કાટ, ભાંગરો ન વાટ!

રોનાર પાછળ ન હો’ તો કર ન ચિંતા,
ખુદ રડ હૈયાફાટ, ભાંગરો ન વાટ!

ભવાં ચડાવી ‘સાગર’ બલા બોલી, ‘રાખ’,
તું પડીશ ઊંધા ખાટ, ભાંગરો ન વાટ!

- ‘સાગર’ રામોલિયા

માણસ


કાગડાની જેમ જાગશે માણસ,
કુંભકર્ણ જેવું ઊંઘશે માણસ.

દોરની શી જરૂર, પૂંછડું બાંધો,
પતંગની જેમ ઉડશે માણસ.

કાચા રંગ જેવો સ્વભાવ છે એનો,
દરેક જગ્યાએ ચોટશે માણસ.

વગર પાંખે ઉડવા મથે ઊંચે,
ગોદડાં ઓઢીને રડશે માણસ.

બલા બોલી ‘સાગર’ ખાડો ખોદાશે,
આંધળો બનીને પડશે માણસ.


- ‘સાગર’ રામોલિયા

કચરાના ભાવે


માનવ જિંદગી જોવાય કચરાના ભાવે,
સારા ગુણ પણ ગુણાય કચરાના ભાવે.

રોબોટની શક્તિ ઉપર શ્રધ્ધા વધારે છે,
માનવનું મન ગણાય કચરાના ભાવે.

ચૂંટાયેલા સભ્યનો ભાવ છે લાખો-કરોડો,
ને ગરીબ પ્રજા વેંચાય કચરાના ભાવે.

‘ભાઈ’ઓની માગણી રાખે સર આંખો પર,
મજૂરોનું લોહી ચૂસાય કચરાના ભાવે.

બલા બબડી ‘સાગર’ ધ્યાન રાખી લખવું,
નહિ તો રચના વંચાય કચરાના ભાવે.

- ‘સાગર’ રામોલિયા

બલાનો સાજન


તું ધગતો ધણી, હું તારી બાયડી સાજન,
જનમોના પાપે હું તને આથડી સાજન.

તારી કે મારી કોઈ ખબર નથી લેતું,
તૂટ્યું જોડું તું, હું પનોતી ચાખડી સાજન.

તારા-મારા અવાજે લોકો કાને હાથ દેતાં,
તું કૂડો કાગડો, હું કાળી કાગડી સાજન.

મળશે નહિ તારા-મારા સંબંધનો જોટો,
તું ઊનો ઢેબરો, હું ઊની તાવડી સાજન.

બલા કહે ‘સાગર’ મોઢાં સડેલાં આપણાં,
તોયે બંનેને જોવા થાય પડાપડી સાજન.

- ‘સાગર’ રામોલિયા

બધે નડે


કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.
- ‘સાગર’ રામોલિયા

બુધવાર, 7 જુલાઈ, 2010

બલા બોલી બેફામ


હવે જામી ગયો જંગ, બલા બોલી બેફામ,
કાગડીને રાખી સંગ, બલા બોલી બેફામ.


ભાડે લીધો અવાજ કૂતરાં-મીંદડાં તણો,
પૂંછડી રાખીને તંગ, બલા બોલી બેફામ.


દુનિયાનો સમુદ્ર જાણે તેનામાં સમાયો,
મોઢેથી કાઢી તરંગ, બલા બોલી બેફામ.


મહા તપસ્વીઓને પણ રહ્યું નહિ ભાન,
કરતી તપનો ભંગ, બલા બોલી બેફામ.


‘સાગર’ ગળી ગઈ હો’ જાણે આખી બંદૂક,
નિશાન તાકી અઠંગ, બલા બોલી બેફામ.


– ‘સાગર’ રામોલિયા

રાજા


ભાજીપાલો ખૂબ ખાતા રાજા,
ઝટ કળશિયે જાતા રાજા.

જાણ્યું-ન જાણ્યું ને ગુસ્સો આભે,
થઈ જાતા ખૂબ રાતા રાજા.

વાતાનુકૂલમાં પડ્યા રહી,
ગરમ પાણીથી ના’તા રાજા.

નિર્દોષ હોય તો આપે ફાંસી,
દાદાઓનાં ગીત ગાતા રાજા.

‘સાગર’ બલાનું મન ભમ્યું,
છેલ્લે ઊંધે ખાટ થાતા રાજા.

– ‘સાગર’ રામોલિયા

ચમચો ન થા


થાજે તું બધું પણ ચમચો ન થા,
હવામહેલ ચણ ચમચો ન થા.

કામ મળે ન બીજું કર ન ચિંતા,
ભલે કૂતરાં ગણ ચમચો ન થા.

તું નરબંકો તું વીર બહાદુર,
ભલે ઉંદર હણ ચમચો ન થા.

કાંદા ખાઇ ભલે આંખે રાખ આંસુ,
મનમાં રાખ રણ ચમચો ન થા.

‘સાગર’ બાફ્યું ઉતાવળે બલાએ,
એ, છક્કા જેવા જણ ચમચો ન થા.

-’સાગર’ રામોલિયા

ચમચો

નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો,
કૌભાંડના ખીલવે ગુલ ચમચો.
મીઠી વાણીથી પ્રજાને ભોળવતો,
જાણે મીઠુંડું બુલબુલ ચમચો.
શરીરે આવે ઘાટી એમાં શું માલ?
ખોરાક ખાય છે ’અમૂલ’ ચમચો.
વગર પૈસે કોઈ કામ કરી દે,
કરે ન એવી ભૂલ ચમચો.
‘સાગર’ બલાની કરો ચમચાગીરી,
ફાયદો કરાવે અતુલ ચમચો.
(અમૂલ-દૂધ, ઘી, માખણ વગેરે,
અતુલ-તુલના વગર)

- ’સાગર’ રામોલિયા

શુક્રવાર, 2 જુલાઈ, 2010

રોતલ ચહેરા

નથી ખબર આ કયા જનમના ફેરા છે,
હાસ્યની નગરીમાં રોતલ ચહેરા છે.
કલ્પનાના રસ્તે કેમ વધું હું આગળ,
જોઉં છું આગળ તો કવિઓના ઘેરા છે.
આખા નગરમાં કાંસકાનાં કારખાનાં,
રહેનાર તેમાં બધાં જ ટાલકેરાં છે.
શેર શરૂ થયા પે’લા સાંભળ્યું ‘વાહ, વાહ’,
માની લીધું ત્યારે બધાં જ અદકેરાં છે.
‘સાગર’ બલાએ સજાવી છે મહેફિલ,
પરંતુ તેમાં બેઠેલાં બધાં બહેરાં છે.

- ‘સાગર’ રામોલિયા