.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

હું પણ કાનુડો બનું!

એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!
તારા ગયાને હવે વીત્યા છે જમાના,
તો હું પણ કાનુડો બનું!


મોરપીચ્છનો સુંદર હતો શણગાર,
ડોકમાં મોતીઓની માળા;
દેહ તારો કાળો તોયે કેવી એ મોહિની,
તને મોહતી વ્રજની બાળા!
તારા ગુણના સઘળા આપી જા ખજાના,
તો હું પણ કાનુડો બનું!

કદી બન્યો પ્રેમી તો કદી વિનાશક,
દૂર કર્યો દુષ્ટોનો ત્રાસ;
જમાનાની ગાડી ચાલી અવળા પાટે,
એમાં કેમ મળી શકે પ્રાસ!
તારા હથિયારો બધાં આપી જા છાનામાનાં,
તો હું પણ કાનુડો બનું!
એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

એઈ, કા'નુડા!

એઈ, કા'નુડા!
શ્રાવણ મહિનો આવ્યો,
ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.
પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો?
કારણ,
અહીં નિત્ય નવા કા'નુડા જન્મે છે,
એમાં તને ઓળખશે કોણ?
એ બધા છે તુજથી ચડિયાતા,
તું તો ગોપીઓને રાસ રમાડતો,
આજે તો ગોપીઓને રાત રમાડે છે;
વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,
ભોળવાય છે આજની ગોપીઓ
પૈસા અને ફેશનની કાંચળીથી...

- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 19 ઑગસ્ટ, 2010

ચૂપ થા બાબા!


હીંચકાવી હાથે પડ્યાં છોલાં, ચૂપ થા બાબા!
ખાલી ચડી, હાથ થયા પોલા, ચૂપ થા બાબા!

રહેવા દીધા નથી ન્હાવાના પણ તેં નેઠા,
માથામાં થઈ ગયા છે ટોલા, ચૂપ થા બાબા!

રાતે પણ ઊંઘ કરવા દેતો નથી પૂરી,
દિવસે કામમાં આવે ઝોલાં, ચૂપ થા બાબા!

મનાવી મનાવીને થઈ ગયાં અધમૂઆ,
તોયે તારાં થતાં નથી અબોલાં, ચૂપ થા બાબા!

સૌ કહે 'સાગર' હવે આવ્યો તું લાગમાં,
તારાં કેટલાં રાખવા રખોલાં, ચૂપ થા બાબા!

- 'સાગર' રામોલિયા

સોમવાર, 16 ઑગસ્ટ, 2010

જલ્સા થાય

બનો બેદરકાર તો જલ્સા થાય,
મળે જો સરકાર તો જલ્સા થાય.

નથી આશા એક પણ લાગે હાથ,
મળી આવે ચાર તો જલ્સા થાય.

હતી રોમેરોમ આળસ ગૂંથેલ,
ટળે સઘળો ભાર તો જલ્સા થાય.

જઈ સામે મેળવું ક્યાં છે હામ?
મળે બારોબાર તો જલ્સા થાય.

હલાવે 'સાગર' બધે ગપ્પેગપ્પ,
બને એ હથિયાર તો જલ્સા થાય.

-'સાગર' રામોલિયા

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

લગ્નજીવન

મોંઘવારીએ બચકું ભર્યું

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ,
કેટલાં ટીપાં લોહી રહ્યું, જીવવાની છે આશ?
બે-ચાર મોબાઈલ છે ખિસ્સામાં,
ચાર-પાંચનો આવશે વારો?
ટુ-વ્હીલરથી હવે આવે કંટાળો,
ફોર-વ્હીલરનો ક્યાં છે આરો?
દેશી ભોજનમાં તો જાણે આવવા લાગી વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
બે-ચાર રૂમનું મકાન?
અરે, એતો ઝૂંપડું કહેવાય,
રાજા-મહારાજા પાણી ભરે,
મુજ સમ કોણ ગણાય?
એ.સી. વિના તો ભાઈ હવે લેવાય કેમ શ્વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
જમીન-મહેલ બન્યો નકામો,
દરિયાને લઉં હું બાંધી,
હવા-મહેલનું પણ કામ નથી,
હાલતા આવી જાય આંધી,
ત્યારે જ નિરાંત થશે, સર કરું અવકાશ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
- 'સાગર' રામોલિયા

જામ્યો વર્ષાનો માહોલ


વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વીજળીનો નથી તોલ, જામ્યો વર્ષાનો માહોલ.
કાળાં કાળાં વાદળ,
એની લીલા છે અનેરી;
વીજ વાતો કરવા,
જાણે લેતી એને ઘેરી,
મોતી વરસે અણમોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ.
આમ છોડે, તેમ છોડે,
વાદળ જળ છૂટું મૂકે;
નાનાં-મોટાં ફોરાં પડે,
ઝાડ કેરાં પાન ઝૂકે,
માનવ મન મૂકી ડોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ.
- 'સાગર' રામોલિયા

સતત


બીજાનું સારું જોઈ એ બફાય સતત,
પડતાં જોઈને એ મલકાય સતત.

ઈશારો થતાં તો આંખો મીંચીને દોડે,
આડા-અવળા રોજ ભટકાય સતત.

વસવસો એનો રાખીને શું કરવું?
પંચાતી ટોળીમાં યાદ કરાય સતત.

એની હાજરીમાં બોલતાં રાખવું ધ્યાન,
બીજે જઈ ચમચો બની જાય સતત.

'સાગર' ક્યાંય જવામાં રાખે નહિ બાકી,
બલાઓ વચ્ચે એ ફંગોળાય સતત.

- 'સાગર' રામોલિયા

પેટમાં


સ્વાદની સરકાર ખરડા કરે પેટમાં,
કાપી સુખનાં ઝાડ વગડા કરે પેટમાં.

સમોસું કહે હું વા'લું, પાણીપૂરી કહે હું,
આમ નિત નવા ઝઘડા કરે પેટમાં.

સજાવતા મહેફિલ મરચાં ને ભજિયાં,
નાચી-કૂદીને ખૂબ રાસડા કરે પેટમાં.

ગાંઠિયા-જલેબી છે પાળેલા સાપ સમાન,
ભેગા મળીને બધાં રાફડા કરે પેટમાં.

બલા આવી 'સાગર' હાથમાં લઈને ધોકો,
કેમ તું આ બધાંને તગડા કરે પેટમાં?

- 'સાગર' રામોલિયા

તોયે છોકરો સારો

કાયમ છે બિચારો, તોયે છોકરો સારો,
આવે ન ક્યાંય આરો, તોયે છોકરો સારો.

ખોવાય પાવલી તો પણ આવી બન્યું,
કરી મૂકે દેકારો, તોયે છોકરો સારો.

નજીક આવે તો નાક કરવું પડે બંધ,
પૂરેપૂરો ગંધારો, તોયે છોકરો સારો.

નાકની નદીને પડવા દેતો ન નીચે,
જીભ મારે લબકારો, તોયે છોકરો સારો.

'સાગર' તોયે બલાઓની લાગી કતાર,
કર્યા રાખે લવારો, તોયે છોકરો સારો.

- 'સાગર' રામોલિયા

નેતા


ભારત દેશનો નેતા હું,
બંગલા-નેસનો નેતા હું.

તેલ બચત મારા થકી,
વગર કેશનો નેતા હું.

હાથી-ઘોડાની રેસ તો શું?
કૌભાંડ રેસનો નેતા હું.

પડશો પાડવા ધારો તો,
વાગતી ઠેસનો નેતા હું.

'સાગર' ત્યાં બલા તાડૂકી,
હારેલ ચેસનો નેતા હું.

- 'સાગર' રામોલિયા

સંસારમાં

બીજાના વિચારો સહે આ સંસારમાં,
સૂચનોની નદી વહે આ સંસારમાં.

છલકતી જોઈને સમૃદ્ધિ બીજાની,
બીજાનું હ્રદય દહે આ સંસારમાં.

થયું ઊર્ધ્વીકરણ સંબંધોનું હવે,
ગુંડાઓને 'ભાઈ' કહે આ સંસારમાં.

નકલીનો યુગ, મનનો શો ભરોસો,
પછી કોણ કોને ચહે આ સંસારમાં.

'સાગર' પગ જોઈને મૂકવો પડે,
બલારૂપી કાંટા રહે આ સંસારમાં.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

દાદાગીરી મૂક!

અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
કોઈની પીડા નજરે ન આવી, દાદાગીરી મૂક!
દાદાગીરીમાં મગજ ગયું,
ગયું સઘળું ભાન;
તારી સમીપતા સૌને ડંખે,
રહ્યું નહિ જરા માન,
સુધરી જા મુખ મલકાવી, દાદાગીરી મૂક!
અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
દાદાગીરી સંબંધ બગાડે,
બગાડે સઘળાં કામ;
ટાણું આવશે મુસીબતોનું,
કામ નહિ આવે દામ,
પ્રેમથી લે જીવન સજાવી, દાદાગીરી મૂક!
અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
- 'સાગર' રામોલિયા