.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

ગુરુવાર, 30 ડિસેમ્બર, 2010

વિચારનું મંથન


મસ્તિષ્કમાંથી બહાર, નીકળવા મથે વિચાર,
નવો સજવા શૃંગાર, નીકળવા મથે વિચાર.

કાળ કોટડીમાં પૂરાયેલો ગયો હતો મૂંઝાય,
બની જવા છટાદાર, નીકળવા મથે વિચાર.

મગજરૂપી ગોખલામાં લાગી એને સંકડાશ,
જુદો પામવા આકાર, નીકળવા મથે વિચાર.

દુનિયા આગળ દોડે, તો કેમ રાખવી ધીરજ,
થઈ જવા હારોહાર, નીકળવા મથે વિચાર.

'સાગર' દુનિયાદારીના ભાનમાં રહેવા કાજ,
ઉમંગ લઈ અપાર, નીકળવા મથે વિચાર.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 25 ડિસેમ્બર, 2010

ઝંખના (મુક્તકો)

(૧)
ઝંખના ઝળહળે ને તું અંધકારમાં,
ઝંખી તને સાંજે તો તું મળે સવારમાં
'સાગર' ઝંખી ઝંખી થઈ ગયો બેહાલ,
ફરતી મૂર્તિ બન્યો જાણે તારા પ્યારમાં.
(૨)
યાદ તારી આવી ને ટળવળી ઝંખના,
મનની દીવાલોમાં ખળભળી ઝંખના.
'સાગર'ને શ્વાસ લેવાની ફુરસદ ક્યાં?
રુંવે રુંવે આજ તો સળવળી ઝંખના.
- 'સાગર' રામોલિયા

મંગળવાર, 21 ડિસેમ્બર, 2010

કોણ શું કરે?

કાળની થપાટો સામે મિનારા શું કરે?
સૂર્ય વરસાવે આગ, સિતારા શું કરે?

સૃષ્ટિના સર્જકનો અદ્‌ભુત ચમત્કાર,
કુદરતની કલા સામે ચિતારા શું કરે?

નશો તો દારૂનો કંઈ ન કહેવાય,
નજરના કેફ સામે પિનારા શું કરે?

આગ બધી એક છે, બાળે જુદી રીતે,
અંતરની આગ સામે તિખારા શું કરે?

મઝધારને પૂછો તો વાત મળે જુદી,
'સાગર' મારતો મોજાં, કિનારા શું કરે?

- 'સાગર' રામોલિયા

રવિવાર, 12 ડિસેમ્બર, 2010

કલ્પનાની શોધ


એક કવિની બુદ્ધિ ધોવાણી છે,
કે શરાફે ગીરવે મૂકાણી છે.

આપો જાહેરાત અખબારમાં,
આ કવિની કલ્પના ખોવાણી છે.

ઊડે મન જેમ ઊડે કાગડા,
તોયે ન જણાયું ક્યાં સંતાણી છે.

પહોંચી વાત બધે વાયુવેગે,
ઘેર ઘેર ઝડતી લેવાણી છે.

કંટાળીને 'સાગર' સૌ કહે છે,
મૂર્ખ, એતો તારામાં સમાણી છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

ગગાને કોણ સમજાવે!


ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે!
નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે!

હા, જી હા! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,
એને જલ્સા કેમ કરાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,
અપચા પેટે કેમ પચાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,
શરદીના કોઠે કેમ ફાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,
પાતળું તન કેમ શોભાવે? ગગાને કોણ સમજાવે!

લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,
એમાં કેટલું પેટ્રોલ પુરાવે? ગગાને કોણ સમજાવે!

સ્વીસ બેંકમાં ખાતું રાખે, મફત વિદેશી સેર કરે,
આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે? ગગાને કોણ સમજાવે!

શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,
ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી-મોંઘી મિલ્કતો, 'સાગર' મોંઘાં છે રહેઠાણ,
ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે!

- 'સાગર' રામોલિયા