.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18


એમ કાંઈ થોડું ચાલે!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18)
          ઘરનાં બારીબારણાંમાં થોડું સમારકામ કરાવવાનું હતું. તે માટે એક સુથારને બોલાવેલ. તેણે કહ્યું, ‘‘સ્‍ટોપર અને મિજાગરા બદલવા પડશે.'' મેં તે માટે તૈયારી બતાવી. એટલે તેણે મને એક કારખાનાનું સરનામું આપીને કહ્યું, ‘‘દુકાન કરતાં અહીં સસ્‍તું મળશે.'' દરેક માણસ સસ્‍તા માટે દોડતો હોય છે. હું પણ એ સાંભળીને હરખાયો. ત્‍યાં જવા માટે નીકળી પડયો.
          કારખાનાવાળા વિસ્‍તારનો બહુ અનુભવ નહિ. એટલે શોધવામાં થોડી તકલીફ પડી. પણ પહોંચી તો ગયો જ. કારખાનું ઘણું મોટું હતું. ઘણા માણસો કામ કરતા હતા. આગળ તેનું કાર્યાલય હતું. વાતાનુકૂલિતયંત્ર વડે કાર્યાલય ઠંડકવાળું હતું. અંદર જતાં જ એક પહેલવાન જેવા યુવકે મોં મલકાવીને આવકારો આપ્‍યો. મેં તેને સ્‍ટોપર અને મિજાગરા બતાવવા કહ્યું. તેણે મને દેખાડયાં. તેમાંથી મેં પસંદ કર્યાં. પછી બિલ બનાવવા કહ્યું. એટલે...
          તે કહે, ‘‘બિલ કાંઈ બનવાનું નથી.''
          મેં કહ્યું, ‘‘બિલ તો જોઈએને!''
          તે બોલ્‍યો, ‘‘પૈસા લેવાના હોય તો બિલ બનેને?''
          મેં કહ્યું, ‘‘મારે મફતમાં કંઈ નથી જોતું.''
          તે થોડી ઉતાવળથી બોલ્‍યો, ‘‘એમ કાંઈ થોડું ચાલે! મેં કીધુંને, પૈસા નથી લેવાના!''
          હું તેની સામે જોતો રહ્યો. મનમાં થયું, આ મને ઓળખતો હોવો જોઈએ. પણ હું એને ઓળખતો નહોતો.
          ફરી તે બોલ્‍યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હજી મને ન ઓળખ્‍યો? હું તમારો વિદ્યાર્થી નરેન્‍દ્રસિંહ હરેન્‍દ્રસિંહ ચૌહાણ.''
          મારા મનની બત્તી ઝબકી. અરે, હા! આ નરેન્‍દ્રને ભણવાનું બહુ ઓછું ગમતું. રમતમાં વધારે ઘ્‍યાન આપતો. તેમાંયે ક્રિકેટ રમવાનું થાય એટલે તો જાણે તૂટી જ પડે. સાથે-સાથે કારીગરી પણ જાણે. એક દિવસ રમતાં-રમતાં તે પડયો અને હાથ ભાંગ્‍યો. એટલે તેના માતાપિતાએ તેને રમવાની મનાઈ કરી. હવે તેનું ઘ્‍યાન કારીગરી તરફ વધારે રહેતું. એટલે એક દિવસ મેં તેને થોડો ટકોર્યો, ‘‘નરેન્‍દ્ર! મને એવું લાગે છે કે, મોટો થઈને તું ઈજનેર બની શકીશ. પણ તેના માટે તારે ભણવામાં ઘ્‍યાન આપવું પડશે. તને કાંઈ ન સમજાતું હોય તો મારા ઘરે આવીને પણ પૂછવાની છૂટ.'' અને પછી તો તે ખરેખર શીખવામાં ઘ્‍યાન આપવા લાગ્‍યો. મારા ઘરે પણ આવતો. પછી તે હાઈસ્‍કૂલમાં ગયો. એટલે ઘરે આવવાનું બંધ થયું. તે પછી આજે હું તેને જોઈ રહ્યો હતો.
          મેં તેને પૂછયું, ‘‘તારી આટલી સફળતાનું રહસ્‍ય શું છે?''
          તે કહે, ‘‘તમારા શબ્‍દો.''
          મેં ફરી પૂછયું, ‘‘તો તો તું ઈજનેર બન્‍યો જ હોઈશ!''
          તે કહે, ‘‘દસ ધોરણ જ ભણ્‍યો છું. ઈજનેરની ડિગ્રી તો નથી, પણ ઈજનેરી સારી રીતે જાણું છું. મારા પપ્‍પાને નાનું કારખાનું હતું. હું તમારા શબ્‍દોને યાદ કરતો ગયો અને તેમાં ઘ્‍યાન દેતો ગયો. ખૂબ શીખી લીધું. આજે ગમે તેવી અઘરી વસ્‍તુ બનાવવાની હોય, હું બનાવી શકું છું. નાના કારખાનામાંથી આ મોટું કારખાનું બનાવ્‍યું. અત્‍યારે આ કારખાનામાં 87 કારીગરો કામ કરે છે. મારે તો ખાલી ચીંધવાનું હોય છે.''
          હું બોલ્‍યો, ‘‘વાહ! તેં ખૂબ સારી પ્રગતિ કરી છે. તને મળીને ખૂબ આનંદ થયો. પણ હવે કહી દે, કેટલા રૂપિયા આપું?''
          તે કહે, ‘‘હું તમારા ઘરે પણ કેટલીવાર શીખવા આવતો! તમે કયારેય પૈસા લીધા હતા? તો આજે ગુરુદક્ષિણામાં આટલું આપવાનો પણ મારો હક્ક નથી!''
          આટલું બોલતા તો તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તે મારા પગ પકડીને ઊભો રહી ગયો અને મારો હાથ વહાલથી તેના ઉપર ફરતો રહ્યો.
                                                       - ‘સાગર' રામોલિયા

ટિપ્પણીઓ નથી: