.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

સોમવાર, 10 ઑક્ટોબર, 2011

રોમેન્ટીક લઘુકાવ્ય માલામાલ

તું મળી
ને હું માલામાલ થઈ ગયો,
કારણ,
તને જોઈને લોકો
કહેતાં હતાં,
''કેવો સુંદર માલ જાય છે....!''

- 'સાગર' રામોલિયા

મળી ગૈ

((ફીલિંગ્સ સામયિક ૧૫/૯/૧૧માં છપાયેલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

ભાગતી આફત આ દિશામાં વળી ગૈ,
સાચવેલી મૂડી બધી પીગળી ગૈ.

માનતો કે આધાર મારો થવાની,
રાખું હું ટેકો તે પહેલા ઢળી ગૈ.

ઠેકતો રસ્તા આફતોથી ડરીને,
આડ-રસ્તેથી આજ સામે મળી ગૈ.

મોજ-મસ્તી માટે છુપાતો રહેતો,
નાચતા બીજી સંગ આજે કળી ગૈ.

આગ બીજી 'સાગર' ન તેને દઝાડે,
આજ ઈર્ષાની આગમાં તે બળી ગૈ.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011

મૃત્યુ (અછાંદશ)

આમ તો
હવાને કોઈ
રોકી શકતું નથી,
પણ
સમય
પૂરો થાય ત્યારે
હવા
ખુદ રોકાય જાય છે,
તેનું
નામ
આપી દીધું
મૃત્યુ.....

-'સાગર' રામોલિયા

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

પતંગ ઊડે-પડે


પહેલા ખુદને પતંગની જેમ ઉડાડે,
ને પછી દોર કાપીને ચત્તોપાટ પછાડે.

ઈર્ષાની આગમાં નિરંતર રહે બળતો,
નજીકમાં જાય તેને ભયંકર દઝાડે.

ખાવી છે કેરી ને આંબે ચડવું પણ નથી,
ક્રોધે ભરાય ને પછી મૂળને જ ઉખાડે.

વાંદરાની જેમ છલાંગો મારતો ફરે,
ઊંઘતાને સળી કરી અચાનક જગાડે.

બીજાંને ભગાડવા છે હોશિયાર 'સાગર',
પણ બલા તેને પૂંછડી પકડી ભગાડે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2011

ભોગવતાં ફળ

કદીક કામ લાગી જાય બાપનું ફળ,
ને કદીક પછાડી જાય પાપનું ફળ.

ઉડાઉગીરી કરી લાભ ક્દી' ન થાય,
સંકટે કામ લાગી જાય માપનું ફળ.

કોઈના આત્માને ન દુભાવવો કદીયે,
શાંતિથી ન રહેવા દેતું શાપનું ફળ.

નામ ખાટી ગયેલાનાં કામ ઝટ થાય,
કદીક વટ પાડી જતું છાપનું ફળ.

સૂર્ય અગનજ્વાળાથી બાળતો પાણીને,
આવે વરસાદ, ફળે જો તાપનું ફળ.

'સાગર'સારા બનવાનો મળે છે દંડ,
ભોગવતાં રહેતાં કાપાકાપનું ફળ.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

આ નગરમાં

આ અટવાયું નગર આ નગરમાં,
દમીયેલ બધાં ઘર આ નગરમાં.

ચતુર ને ચંચળ છે અહીંના લોકો,
મુંડે અસ્તરા વગર આ નગરમાં.

કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે,
કંસ છે બંદૂકધર આ નગરમાં.

ઊભરાતું કીડીયારું રેંકડીઓમાં,
મોંઘેરા છે સ્વાદવર આ નગરમાં

'સાગર' કરી છે બલાએ બાપામારી,
મારો ખોવાયો છે વર આ નગરમાં.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 28 ઑગસ્ટ, 2011

ખબર નથી


પરિણામ શું? અખતરાને ખબર નથી,
દાઢી છોલાશે એ અસ્તરાને ખબર નથી.

માનવ બનીને પણ રહેતા બેધ્યાન,
કોનો દિ' બગાડશે, કચરાને ખબર નથી.

વંટોળિયાએ આવી તેને ઉડાડ્યું ઊંચે,
કોની માથે પડશે, પતરાને ખબર નથી.

ઘાસ લીલું જોઈને મૂકી દોટ ઝડપથી,
જીવશે કે મરશે, બકરાને ખબર નથી.

બલા ડંખ મારવા લાગી ગઈ 'સાગર',
ક્યાં જઈ દબાશે, મગતરાને ખબર નથી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

હે, કાનુડા! કાલે જન્માષ્ટમી


હે, કાનુડા! કાલે જન્માષ્ટમી,
તારો જન્મદિવસ!
તને ખબર છે?????

ખબર તો હોય જ ને!!!!!
દિવસોથી બરાડા પડાય છે....

જો તું જન્મ લેવાનો હો,
તો તારા આત્માના
અનેક ટુકડા કરી,
અનેક રૂપ ધરજે!

કારણ કે,
અહીં
અનેક કંસ છે,
બધાને એક સાથે
મારવા પડશે.....

કોઈ બાકી રહ્યો તો...?
ફરી એકમાંથી અનેક...

- 'સાગર' રામોલિયા

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

રાખડી


સ્નેહનો મીઠો ટહુકાર રાખડી,
ભગિની-પ્રેમનો ધબકાર રાખડી.

બહેનના હેતે મઢ્યો સુતરતંતુ,
ભાઈના હાથનો શણગાર રાખડી.

બહેનના વ્હાલનો સમુદ્ર તેમાં,
ભાઈના ઉત્સાહનો ભંડાર રાખડી.

અનોખા પ્રેમની વાગતી વાંસળી,
બંધનની ઊંડાઈનો સાર રાખડી.

'સાગર' છે તેમાં ગજબની તાકાત,
નથી કોઈ સામાન્ય તાર રાખડી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

ભલું પૂછવું


કદી સસલું સિંહને ખાય તો ભલું પૂછવું,
ને માલિક પટાવાળો થાય તો ભલું પૂછવું.

સલામ ભરે સામે તો 'સાહેબ, સાહેબ' કરી,
પાછળથી માછલાં ધોવાય તો ભલું પૂછવું.

ગરજે ગધેડાને બાપ તો પહેલાથી કીધો,
ગધેડીને 'મા' કહી પૂજાય તો ભલું પૂછવું.

માંસ-મટનની સૌને ખુશબૂ વહેતી લાગે,
ને અત્તર છાંટેલા ગંધાય તો ભલું પૂછવું.

બલા આવી બબડતી, તું કર ન મોટી મોટી,
વોંકળા 'સાગર' થૈ લહેરાય તો ભલું પૂછવું.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 30 જુલાઈ, 2011

યુવાની


(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

ચાપલાવેડા વગાડે છે યુવાની,
લાજ-લજ્જાને ભગાડે છે યુવાની.

મન મસાણે જાય, ચસ્કે જીભ ચોટે,
પ્યાસ બીજામાં જગાડે છે યુવાની.

બાટલીના સંગમાં એવો ઘુમાવે,
ઉકરડો અંગે લગાડે છે યુવાની.

ભટકે છે શેખચલ્લી-શો બનીને,
ગાદલાં તોડી જગાડે છે યુવાની.

ત્યાં અટકચાળે જ ચંપલ ખાય 'સાગર',
થોબડો ખુદનો બગાડે છે યુવાની.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 24 જુલાઈ, 2011

ગુંદરની જેમ...


રહે દૂર ગુંદરની જેમ ન ચોટ,
દૂર રહીશ તો જશે તને ન ખોટ.

બનતો નહિ પાડો, ખાવાની રીતે ખા,
બાપનું ગણીને બધું અન્ન ન બોટ.

રહીશ ડગલે ડગલે છેતરાતો,
સંસારે તારા જેવો ગણાશે ન ભોટ.

ઝાંઝવા પાછળ મૃગ ભાગે એ ખરું,
તું ઝાંઝવું બનીને મૂકીશ ન દોટ.

બલા છે 'સાગર' ખરી રાજકારણી,
પણ ભિખારી બનીને માગે ન વોટ.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 17 જુલાઈ, 2011

વિટંબણા


કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે.

રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે.

ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરરાજી રાખેલ છે.

હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે.

'સાગર' અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે?

'સાગર' રામોલિયા

રવિવાર, 10 જુલાઈ, 2011

ઝંખના (મુકતકો)


(૧)
પવનની જેમ ફરફરે ઝંખના,
વરસાદીબુંદે ઝરમરે ઝંખના.
'સાગર' તને મળીને શીખ્યો એટલું,
વિરહમાં દિલે ઘર કરે ઝંખના.
(૨)
ઝંખનામાં તરફડું, યાદ કરું તને,
હાલતાં-ચાલતાં પડું, યાદ કરું તને.
'સાગર' આટલેથી કેમ કરી અટકે?
ઝંખનાના નીરે રડું, યાદ કરું તને.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 3 જુલાઈ, 2011

એક આદમી


વિધિના વિધાને બેઠો એક આદમી,
પછી પડી જાય હેઠો એક આદમી.

એમના માટે તો નહોતી કોઈ બારી,
તોયે ક્યાંથી આવી પેઠો એક આદમી.

ચાલે નીતિ પ્રમાણે કુદરતચક્ર,
રાખતો કદી ન નેઠો એક આદમી.

ચખાય જાય જુલમી દુનિયામાં તો,
પાપથી થૈ જાય એઠો એક આદમી.

રોકવા છતાંયે 'સાગર' ન રોકાયો,
પનારે પડેલો વેઠો એક આદમી.

- 'સાગર' રામોલિયા