.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com
લેબલ gazal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gazal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

વરસનું સરવૈયું

 વર્ષનું સરવૈયું (ગઝલ)


(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)


ખુશી સાથે ગમો લાવ્યું, ગજબનું આ વરસ આવ્યું. જરા નિષ્ફળ જરા ફાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


કદી' જાલિમ બની આવ્યું, પરેશાની ધરી દીધી,

કદી' જીવનને સોહાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


ઘણાં એમાં ડરી ભાગ્યાં, ઘણાં ઘરમાં જઈ બેઠાં,

ઘણાંએ એને અજમાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


સુધાર્યા શીખવી પાઠો, ને કો'ને મૂંઝવી દીધા,

મગજ કોઈનું દંડાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


કદી' 'સાગર' બધાં કષ્ટોય ભૂલી વીરલાઓએ,

વરસને ખૂબ દીપાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


- 'સાગર' રામોલિયા

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

એવું નથી

 

એવું નથી (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
 
ઊંઘવા લાગી ગયો એવું નથી,
લાગલો જાગી ગયો એવું નથી.
 
સાદથી ઊંચા ભલેને બોલતો,
ભેદ કો' તાગી ગયો એવું નથી.
 
મુખના રંગેથી ન ખોટું માનતા,
કો' કશું માગી ગયો એવું નથી.
 
સૂર સાતે આજ રોમેરોમ છે,
ખોટું હું વાગી ગયો એવું નથી.
 
પૂછતું 'સાગર' ગમે તે લોક આ,
કયાંય હું ભાગી ગયો એવું નથી.
 
- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 30 જુલાઈ, 2020

આભે

દ્વિખંડી ગઝલ
આભે
(ગાલગા લગાગાગા, ગાલગા લગાગાગા)

ચાંદની ખરી આભે, મોજ ઊતરી આભે,
સંધ્યા આછરી આભે, શોભા તો કરી આભે.

વાદળી ભલી નાચે, વાયરો ભલો વાતો,
ફૂલને ધરી આભે, ખુશબૂ સંચરી આભે.

ઊંચે ઊડતું પંખી, ને કળા કરે પંખી,
ટહુકા પણ સરી આભે, વેરે વૈખરી આભે.

તારલી ઘણી કૂદે, સૂર્યને કહે આજે,
હું તો સુંદરી આભે, લાગતી પરી આભે.

આભ શોભતું એવું, ગાય હેતથી 'સાગર',
આંખડી ઠરી આભે, મોજથી વરી આભે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 26 જુલાઈ, 2020

જીવી લો તાનમાં

જીવી લો તાનમાં (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

એટલું મુજને મળે વરદાનમાં,
જીવવાનું ના રહે અપમાનમાં.

એટલી કરજે દયા ભગવાન તું,
હો' ખુશી સૌના મુખે મુસ્કાનમાં.

જોડવું કે તોડવું જાણું નહીં,
હો' સફળતા સઘળાં અનુસંધાનમાં.

દુઃખ તો ભાગી જાય સૌ પળવારમાં,
સૂર એવો આપજે મુજ ગાનમાં.

સૌ કહે છે કાલની કોને ખબર?
એટલે જીવી લો 'સાગર' તાનમાં.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 18 એપ્રિલ, 2020

તૂટે છે

(ગાx8)

દીવાલોનાં દિલ તૂટે છે,
માણસમાં માણસ ખૂટે છે.

દીવાલોની પીડા જોઈ,
ઊંચી છત માથાં કૂટે છે.

જોઈ આવી અફડાતફડી,
તળિયે પરસેવો છૂટે છે.

નાકે છોડી સઘળી લજ્જા,
કાપ્યું તેવું તે ફૂટે છે.

'સાગર'ના મનમાં છે ચિંતા,
કોને કો' આજે લૂટે છે.

- 'સાગર' રામોલિયા

સોમવાર, 9 ડિસેમ્બર, 2019

તેને ફોન કરી જો

ચ્હેરા જ્યાં મલકાયા, તેને ફોન કરી જો!
લોકો જ્યાં અંજાયા, તેને ફોન કરી જો!

પાપોને ધોવાની જાણી લેવા રીતો,
ગંગામાં હો ન્હાયા, તેને ફોન કરી જો!

સામી છાતીએ દોડ્યા હંમેશાં જંગે,
ના ક્યાંયે સંતાયા, તેને ફોન કરી જો!

જેઓ આવ્યા છે આગળ રાખીને હિંમત,
ને જગમાં વખણાયા, તેને ફોન કરી જો!

'સાગર'ની વાતો ગાંડીઘેલી ચાહે હો,
તોય ઘણા દોરાયા, તેને ફોન કરી જો!

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 15 ઑક્ટોબર, 2019

જાવાનું

અટાણે કે કટાણે ગોઠવાઈ જાવાનું,
પરાણે કે બરાણે ઠાવકાઈ જાવાનું.

હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ,
અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું.

સુગંધી લેખની ફેલાય જાય આ મારી,
છપાણે કે મપાણે બસ છવાઈ જાવાનું.

સમય કયારેક એવો આવી જાય જીવનમાં,
નમાણે ને નમાણે ના છુપાઈ જાવાનું.

ભરી ઉત્સાહ મનમાં ગીત ગાવને 'સાગર',
વખાણે, ના વખાણે! માણસાઈ જાવાનું.

'સાગર' રામોલિયા

રવિવાર, 25 ઑગસ્ટ, 2019

આવરણમાં

છુપાયું હશે કોઈ ત્યાં આવરણમાં,
હવા છે સુગંધી અહીં એક રણમાં.

હશે કોઈ ખેંચાણ સામે અલૌકિક,
છુપો વેગ આવ્યો છે તેથી ચરણમાં.

હશે ફૂલ ન્હાયું અહીં રુક્ષ ધોધે,
વહે રોજ પમરાટ તેથી ઝરણમાં.

ખુમારી નશામાં મળે પ્રેમની જો,
વહી જાય રાતો પછી જાગરણમાં.

બની જાય તેની પળો ધન્ય સઘળી,
નદી જાય હોંશેથી 'સાગર'-શરણમાં.

-'સાગર' રામોલિયા

સોમવાર, 27 મે, 2019

સજા

આપતો નહિ પ્રભુ! સુખે કોઈના બળવાની સજા,
પાપના કોઈ વળાંકે વાંક વળવાની સજા.

દુનિયા લાગી હોય વાંધા કાઢવા મારા ભલે,
આપજે ત્યારે તું અપમાનોને ગળવાની સજા.

તૂટતા ચાહે મુસીબતના પહાડો સામટા,
માગતો તોયે ન કોઈને હું છળવાની સજા.

જિંદગી તો છે કસોટીઓ કરે પણ એ ખરી,
શીદ ચાહું કાયરોની જેમ ઢળવાની સજા!

જિંદગીભર મૌન રે'વાનું ભલે 'સાગર' મળે,
દેતો નહિ અળખામણાને ક્યાંય મળવાની સજા.

- 'સાગર' રામોલિયા

સોમવાર, 18 ફેબ્રુઆરી, 2019

મને

મને (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

આમ થોડો એમ ઝાઝો રોજ કાં કાપો મને!
આશા તો છે એટલી, થોડોક - પણ છાપો મને.

રાત છે ઠંડી ઘણી ને ઠૂઠવે સંસાર છે,
ને થયો હું તાપણું, આવી અહીં તાપો મને.

એટલી વીતી શી વય? સંબોધનો બદલાય છે,
કોઈ ભાઈ કોઈ કાકો કોઈ કે' બાપો મને.

હોય 'સાગર'ને શું? મસ્તીમાં રહે એ રાચતો,
વામણો માનવ હું, મોટાઈમાં ન માપો મને.

ના ગઝલ આપી શકું, 'સાગર' ગુનો મારો નથી,
કો' દુભાયું મન હશે, મળ્યા હશે શ્રાપો મને.

'સાગર' રામોલિયા

સોમવાર, 14 જાન્યુઆરી, 2019

હશે

હશે (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

રોજ આવી કોઈ ડોકાયું હશે,
તેથી મુખ બારીનું શરમાયું હશે.

રંગ રાતો આભમાં રેલાયો છે,
નાર કો'નું કંકુ ઢોળાયું હશે.

ભાર હળવો બારણાનો હો થયો,
જ્યારે તાળું તેનું ખોલાયું હશે.

બાગનાં ફૂલો ભરી બેઠાં સભા,
ચ્હેરો જોતાં ટોળું ખેંચાયું હશે.

આમ 'સાગર' ગોથાં ખાતો આવતો,
ત્યાં પરીનું પીંછું જોવાયું હશે.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

ઈશ્વરકૃપા

ઈશ્વરકૃપા (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આ ગઝલ મનમાં વસે, મોટી દયા તારી નથી?
એ વિનાની વાત સૂઝે, એ દશા મારી નથી.

પ્રેમની જ્યાં વાત આવે, ખીલતી સોળેકળા,
તેના લીધે જિંદગી બનતી કદી' ખારી નથી.

તારા સંગે પામતી લાવણ્યતા જો આ ગઝલ,
આ જગતને જોવા સુંદર બીજી તો બારી નથી.

ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી',
એ જરૂરી હોય, માની એમ તે ઠારી નથી.

આ ગઝલ રૂઆબથી 'સાગર' વસે છે સૌ દિલે,
ને બની જાતી અડીખમ, ક્યાંય તે હારી નથી.

'સાગર' રામોલિયા

ગુરુવાર, 19 જુલાઈ, 2018

આભે સવારી

આભે સવારી (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,
આખું જગ ડોલાવવા તેને  ધખારી હોય છે.

સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,
કયાં કદીયે જાતને કો'એ ટપારી હોય છે?

આમ તો એકાંતવાસી, કયાં કદી' કો'ને મળે!
થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.

ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,
સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.

માન 'સાગર' તેમને દો એટલું ઓછું પડે,
માણસો આવાની તો આભે સવારી હોય છે.

'સાગર' રામોલિયા

મંગળવાર, 22 મે, 2018

પછી ફોન કરજો! (ગઝલ)

લગાગા લગાગા લગાગા લગાગા

મને સંઘરું છું, પછી ફોન કરજો!
બધે તો' ફરું છું, પછી ફોન કરજો!

બજારે ખરીદું, નથી તોય ચિંતા,
મને વાપરું છું, પછી ફોન કરજો!

ન સમજાવ એવો રહું નહિ જરાયે,
મને આછરું છું, પછી ફોન કરજો!

નથી દાંત ઉંદર સમા, તોય આ શું?
સમય કાતરું છું, પછી ફોન કરજો!

કદી' તો મળે રાહ 'સાગર' નવો કો',
મને ચાતરું છું, પછી ફોન કરજો!

'સાગર' રામોલિયા

સોમવાર, 7 મે, 2018

દે!

(લગાગા લગાગા લગા લગા)

પ્રભો! થોડી તો ચાગલાઈ દે!
રહું મસ્ત એવી મલાઈ દે!

સદા હાથ લંબાવતો રહું,
ન જો હાથ આખો, કલાઈ દે!

રહે જે થકી ખુશ બધા અહીં,
જરાકેય એ ચાપલાઈ દે!

ભલું જો થતું હોય કો' તણું,
જરા જેટલી અંચલાઈ દે!

તું જો ઈચ્છે 'સાગર' ન થાય આ,
રહું ઠાવકો એ ભલાઈ દે!

-'સાગર' રામોલિયા

नहीं है

(गालगागा गागालगा गालगागा)

आज कोई संदेश आता नहीं है,
गीत कोई, कोई सुनाता नहीं है।

राम जाने क्या आज होता रहा है,
मैं जिसे बोलूँ, वह बुलाता नहीं है।

मैं खुशी अपनी बाँटना चाहता जब,
सामने कोई मुस्कुराता नहीं है।

क्या बजाता मैं, ताल कोई नहीं है,
सूर भी तो कोई सजाता नहीं है।

शुक्रिया 'सागर' मैं तहेदिल से मानूँ,
ना हसाये तो भी रुलाता नहीं है।

- 'सागर' रामोलिया

સવાર થયું

(ગાગાગાગા લગાલ લગા)

લો, હું જાગ્યો, સવાર થયું,
જાગી ભાગ્યો, સવાર થયું.

મારી આ આવડતના બળે,
મુજને તાગ્યો, સવાર થયું.

મારી જોયા ટકોરા મને,
નક્કર વાગ્યો, સવાર થયું.

કોઈ મનમાં વસી જ ગયો,
વા'લો લાગ્યો, સવાર થયું.

'સાગર' તુજને સવાર ફળે,
કો'એ માગ્યો, સવાર થયું.

- 'સાગર' રામોલિયા

સોમવાર, 23 એપ્રિલ, 2018

કલા સામે

(ગાલગાગા લગાલ ગાગાગા)

નાચતાં - કૂદતાં કલા સામે,
લોક ઝૂકેલ છે નશા સામે.


થાય ઈશારો નાચવા લાગે,
સિંહ સરકસનો ચાબખા સામે.


મોરલી શી વગાડતો વાદી,
ડોલતો નાગ એ અદા સામે.


ને અડીખમ રહેવા ઝંખે છે,
આ જગત ધ્રુવ-તારલા સામે.


જાજી ડંફાસ મારતો 'સાગર'
રોજ નમતો ફરે બલા સામે.


'સાગર' રામોલિયા

ગગા સામે

(ગાલગાગા લગાલ ગાગાગા)

બાપ લાચાર છે ગગા સામે,
બૈરી લાચાર પતિ ઢગા સામે.


સાવચેતી ભલે ભરી મનમાં,
કોણ જાજું ટકે દગા સામે!


ભાગતો તે પહોંચશે ક્યાં જૈ,
મેલી લાગેલ આ જગા સામે!


ઝીંક કેવી ઝીલાય જીવનમાં,
બનતા મન સાવ ડગમગા સામે.


આજ 'સાગર' વિચારવા લાગ્યો,
ઝટ બનેલા નવા સગા સામે.


'સાગર' રામોલિયા

મંગળવાર, 3 ફેબ્રુઆરી, 2015

બાળક

આમ તો હોય છે રાજા બાળક,
સદા રહે તરોતાજા બાળક.
મળે તક થોડી પણ ક્યાંયે,
ખોલે જ્ઞાન-દરવાજા બાળક.
કોઈનું ન ચાલે એની સામે,
એવા કરે તકાજા બાળક.
મીઠેરી એક મુસ્કાન આપીને,
ચહેરા કરી દે સાજા બાળક.
‘સાગર’ એનો જુઓ તો દબદબો!
ચાહકો બનાવી લે જાજા બાળક.
– ‘સાગર’ રામોલિયા