.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com
લેબલ GEET સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GEET સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 23 મે, 2022

ચિંતા

 ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા,

બસ, આનંદથી જીવવા, પાડવા એના હેવા.


એતો કદી અહીં હોય, તો કદી હોય ત્યાં,

મનને મૂંઝારો ચડે, એ હોય જ્યાં;

તેથી ડરી જાય દિલના જેવા-તેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


નબળા મનવાળા પાસે સદા એનો વાસ,

એટલે ત્યાં પેસારો કરવા રહે તૈયાર ખાસ;

કદી ન ખસે, જ્યાં થાય એની સેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


એટલે તો કહું છું, મૂકો એને તડકે,

નજીક ન આવે કે ન કદી અડકે,

આનંદથી ઝૂમો, મોજથી રહેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 22 જુલાઈ, 2021

વરસાદને કયાં ખબર છે?

 *વરસાદને કયાં ખબર છે!*


કોણ કેટલું ભીંજાય છે? વરસાદને કયાં ખબર છે!

મનમાં શું-શું થાય છે? વરસાદને કયાં ખબર છે!


એને તો બસ વરસવું, બીજું કામ પણ શું?

બાર-બાર નામ ધરે, એવુંય ગાંડપણ શું?

કોણ કયાં અટવાય છે? વરસાદને કયાં ખબર છે!

ને કયાં જઈ ભટકાય છે? વરસાદને કયાં ખબર છે!


આવવું-આવવું થાય, તોયે કયાં આવે છે?

ને જાવું-જાવું થાય, ત્યારે પણ હંફાવે છે.

માનવ કેવો મૂંઝાય છે? વરસાદને કયાં ખબર છે!

ને કયાં લપસી જાય છે? વરસાદને કયાં ખબર છે!


- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019

છેતાળીસનો થયો

છેતાળીસનો થયો
**************

પડતાં-આખડતાં આટલે પહોંચી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

વાંધા-વચકાં થયાં હશે
ને કદી મુખ મલક્યાં હશે,
ગલી-ગલીના નાકે ત્યારે,
દોસ્તીનાં તીર વછૂટયાં હશે;
આમ કરતાં સમય સરકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

ક્યારેક વળી તડાફડીમાં
સમય પણ અટવાયો હશે,
છતાંયે એમાંથી ત્યારે
કોઈક તો માર્ગ કઢાયો હશે;
આમ સમય તો સાવધાન વર્તી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

કોઈએ નફરત કરી હશે,
તો કોઈએ ચાહ્યો પણ હશે,
આ 'સાગર' કોઈ હૈયે તો
આનંદ બની લહેરાયો પણ હશે;
જિંદગીનું આ સુખ જાણી મલકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

'સાગર' રામોલિયા
તા. ૧/૨/૨૦૧૯

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

શહેરને થયું છે શું? (ગીત)

કહોને! શહેરને થયું છે શું?
ચડી છે ઠંડી? કે લાગી છે લૂ?
કહોને! શહેરને થયું છે શું?

કદી'ક ડૂસકે-ડૂસકે રડે છે,
કદી'ક વળી હિબકે ચડે છે;
કદી'ક લાશરૂપે જોઉં છું,
કહોને! શહેરને થયું છે શું?

ચાલ બધે દમીયલ દેખાય,
ઘરોઘરમાં ઝાંખપ પથરાય;
કયાંક બળવાની આવે છે બૂ,
કહોને! શહેરને થયું છે શું?

ક્યો વૈદ્ય જાણી શકે એની નાડી,
શીદ અવળી ચડી આ શહેરની ગાડી!
હે, ઈશ્વર! થોડી સમજ આપ તું,
કહોને! શહેરને થયું છે શું?

'સાગર' રામોલિયા

રવિવાર, 29 જાન્યુઆરી, 2017

પ્રેમનું એક ગીત

પ્રેમનું એક ગીત

આમ તો આપણે રોજ સામા મળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
આમ તો આપણે...

કદી’ મળીએ પાંપણના પલકારે,
કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન કરીએ,
આમ તો આપણે...

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
આમ તો આપણે...

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
આમ તો આપણે...

- ‘સાગર’ રામોલિયા

મંગળવાર, 31 મે, 2016

મીરાં અને હું (ગીત)

મીરાં અને હું (ગીત)
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
        મીરાં કાનની પ્રેમદીવાની,
                હું દીવાનો અક્ષરનો;
        બંનેનો તો એક જ ભાવ,
                આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

        કાનનાં ગુણ ગાવામાં મીરાં,
                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
        હું પણ બનું કલ્પનામાં મસ્ત,
                અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

સાગર રામોલિયા

બુધવાર, 13 નવેમ્બર, 2013

પ્રેમગીત


આમ તો આપણે રોજ સામા માળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
                   આમ તો આપણે...

કદી મળીએ પાંપણના પલકારે,
કદી સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન  કરીએ,
                   આમ તો આપણે...

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
                   આમ તો આપણે...

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
                   આમ તો આપણે...


- સાગર રામોલિયા

રવિવાર, 6 ઑક્ટોબર, 2013

ફૂલોની રસમ (ગીત)


(રાગ : બહુત પ્યાર કરતે હૈ... સાજન)
http://www.youtube.com/watch?v=jJGRqlvRuOo
જગમાં ફૂલોની છે અનોખી રસમ, (૨)
હસે ને હસાવે, હસે ને હસાવે,
                દૂર કરે ગમ, જગમાં...
ફૂલોની દુનિયા છે ભારે બહુરંગી, (૨)
એવાં મળી જાય, જાણે સુખ-દુ:ખના સંગી,
વાયુને મહેકાવે, વાયુને મહેકાવે,
                છોડે એ ફોરમ, જગમાં...
ફૂલોની ફૂલવાડીનો અનોખો પરિવાર, (૨)
આનંદમાં લહેરાતાં, દુ:ખ ન લગાર,
મસ્તીમાં રચાવે, મસ્તીમાં રચાવે,
                નાચે છમછમ, જગમાં...
મધમાખી-કીટકોની મજાની બજાર, (૨)
હસી-ખુશી ફેલાવતાં પ્રેમ એ અપાર,
કામણ ફેલાવે, કામણ ફેલાવે,
                ચમકે ચમ-ચમ, જગમાં...
ફૂલોની દુનિયામાં કરો જો નજર, (૨)
તેમાં ડૂબો તો થાય નશાની અસર,
રંગોથી સજાવે, રંગોથી સજાવે,
                દુનિયા હરદમ, જગમાં...

-         'સાગર' રામોલિયા

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

મને હીરો હોવાનો વહેમ છે (ગીત)

મને હીરો હોવાનો વહેમ છે (ગીત)
(રાગ : પૈસા પૈસા કરતી હૈ)

કોઈ ન પૂછે કેમ છે!
મને હીરો હોવાનો વહેમ છે.
કંઈ નવીન  નથી જરાયે,
બધુંય જેમનું તેમ છે.
બાગમાં જૈ ફોટા પડાવું,
પાગલ બનીને ફરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

ઝાડના ટેકે ડોલતો,
આંખથી રસ્તો તોલતો,
ધ્યાન ખેંચવા સૌનું હું,
આડું-અવળું બોલતો,
વહેમ મારો પોષવા માટે
મનમાં વહેમ ભરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

જળધોધની નીચે જઈને
છબછબિયાં હું કરતો રે,
નટ-નટીને નાચતાં જોઈને,
મનમા6 બળીને મરતો રે,
ખોટાં-મોટાં સપનાં જોઈને,
ઊંચે આભમાં વિહરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

બાગ-જંગલ, નદી-તળાવ,
કંઈ બાકી રાખ્યું ના,

હીરો હોવાનું એક લક્ષણ,
ભલે મુજમાં નાખ્યું ના,
હીરો હોવાની સાબિતીઓ,
હું સૌની સામે ધરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

સાગર રામોલિયા

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

મીરાં અને હું (ગીત)


મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
        મીરાં કાનની પ્રેમદીવાની,
                હું દીવાનો અક્ષરનો;
        બંનેનો તો એક જ ભાવ,
                આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

        કાનનાં ગુણ ગાવામાં મીરાં,
                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
        હું પણ બનું કલ્પનામાં મસ્ત,
                અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

- ‘સાગર રામોલિયા

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

વૃક્ષોને ન કાપો (ગીત)

(રાગ : યહ દેશ હૈ વીર જવાનો કા)

હે..... હે..... હે હે હે
આ વૃક્ષો પૃથ્વીની શોભા છે,
કુદરતની રૂડી આભા છે,
આ વૃક્ષોને લોકો...
આ વૃક્ષોને લોકો ન કાપો,
પાણી, ખાતર, રક્ષણ આપો.

હે..... હે..... હે હે હે
એ મસ્ત બનીને ઝૂમે છે,
હવાને કેવાં ચૂમે છે,
એ વાદળને નજીક...
એ વાદળને નજીક ખેંચે છે,
ખુશી દુનિયામાં વહેંચે છે.

હે..... હે..... હે હે હે
પક્ષીને ઝૂલાવે ઝૂલાથી,
સુગંધ ફેલાવે ફૂલોથી,
એ આપે છે ઠંડક...
એ આપે છે ઠંડક દુનિયાને,
આનંદ મળે છે રુદિયાને.

હે..... હે..... હે હે હે
કુદરતનો મિજાજ છે એ,
સંગીતનો રૂડો સાઝ છે એ,
એ રોજ નવાં...
એ રોજ નવાં ગીતો ગાય છે,
સૂરીલી સરગમ છેડાય છે.
હે..... હે..... હે હે હે
દુનિયાનાં રક્ષણહાર છે એ,
જીવોનાં તારણહાર છે એ,
એ વૃક્ષોને કદીયે...
એ વૃક્ષોને કદીયે ન કપાય,
દેવોની જેમ પૂજા કરાય.
-          સાગર રામોલિયા
http://www.youtube.com/watch?v=iPcpKRyZ8_o&feature=plcp

રવિવાર, 3 જૂન, 2012

જાવું છે


મારે જાવું છે કુંજગલીમાં કોયલ સાથે ગાવા,
મારે જાવું છે ફૂલઘાટમાં ભમરા સાથે ન્હાવા.
કોયલ બોલે કૂ કૂ કરે,
મીઠા ટહુકે કુંજ ભરે.
હારે, મારે જાવું દેવના દર્શને નિરખી જોવા,
પ્રભુજીને વિનવીને મારે આજે દુ:ખડાં ખોવા.
આરતી થાય, નગારાં વાગે,
દર્શનથી તો દુ:ખડાં ભાગે.
હારે, મારે જાવું છે મોરલા પાસે નાચ નાચવા,
કે અષાઢી મેઘને જોઈ ચડતું ઘેન યાચવા.
મોરલા નાચે થન થન,
કે સાથે નાચે મારું મન.
હારે, મારે જાવું ગાઢ વન વાંદરા સાથે લડવા,
કે ઊંચાં ઊંચાં વૃક્ષો પર છલાંગ મારી ચડવા.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 4 માર્ચ, 2012

અંતઃકરણને જો!

ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!
શક્ય એટલું બધું તાણ્યું, અંતઃકરણને જો!

માંહ્યે ભેદ ખૂબ ભર્યા,
એનો લાગશે ભાર;
ઉલેચી નાખ સઘળું એ,
એમાં જીવન-સાર,
તો ખરું જીવન માણ્યું, અંતઃકરણને જો!
ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!

તિમિરનું પડળ ચડ્યું,
ઝાંખું ઝાંખું દેખાશે;
આત્માને અજવાળી દે તું,
દિવ્ય પ્રકાશ રેલાશે,
અંતઃકરણ પિછાણ્યું! અંતઃકરણને જો!
ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

કુદરતનો નજારો (ગીત)

(રાગ ઃ તેરે ચેહરે મેં વો જાદુ હૈ)
http://www.youtube.com/watch?v=B8Xz84UaxEk

હે, કુદરત તારો નજારો...

હે, કુદરત તારો નજારો,
મારા મનને લલચાવે,
એને જોઈ એ નાચે-કૂદે,
આંખોને ઠંડક અપાવે. (૨)
હે, કુદરત...

તારાં સુંદર ફૂલ ખીલે,
ખીલીને કેવાં એ ઝૂલે,
ઝૂલે એ પવન-હિંડોળે,
એતો પ્રેમની સુગંધ ફેલાવે...

કોઈની નજર ત્યાં પડે,
એને મીઠો નશો ચડે,
સૃષ્ટિ જોવાને આંખ લડે,
તું મનડાને કેવું નચાવે...
દૂર જવાનાં ન ઉપડે કદમ,
તું એવાં તો લાડ લડાવે. (૨)
હે, કુદરત...

સુંદર પંખી ઊડે આભે,
આભમાં આનંદથી ડોલે,
ડોલીને ધરતી પર આવે,
મળીને મીઠું સંગીત સંભળાવે...

કેવું વહેતું આ પાણી,
દુઃખને લઈ જતું તાણી,
મનડું કરતું ઉજાણી,
આંખોને કેવા ખેલ કરાવે...
અમૂલ્ય તારો ખજાનો છે,
એને પામવા મન તડપાવે.(૨)
હે, કુદરત...

વૃક્ષો પવનથી ઝૂલે,
ઝૂલીને ચડે હિલ્લોળે,
હિલ્લોળે દુનિયા પણ ડોલે,
એતો મસ્તીમાં ચૂર બનાવે...

સવાર સુગંધને ઝીલે,
સંધ્યાના રંગો ત્યાં ખીલે,
સૂર છેડ્યા કોઈ રંગીલે,
એતો સ્વપ્નના જગમાં રચાવે...
તને જોઈને મન કરે નમન,
હાથોને સલામ ભરાવે.(૨)
હે, કુદરત...

પશુઓ લીલું ઘાસ ચરે,
ચરીને દુવાઓ કરે,
કરે એ નિરાળા કંઠે,
તારી દુનિયા તડપ જગાવે...

તું વસે છે ચારેકોર,
તારો ક્યાંય ન ઓરછોર,
કદી' બનીશ ન કઠોર,
તારી લીલાનો પાર ન આવે...
આંખો કદીયે થાકે નહિ,
બધું જોવાને તલ્લીન બનાવે.(૨)
હે, કુદરત...

-'સાગર' રામોલિયા

શુક્રવાર, 14 જાન્યુઆરી, 2011

પતંગો ઊડે સખીની વાતમાં


સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી...
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી...
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી...
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી...

- 'સાગર' રામોલિયા

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

હું પણ કાનુડો બનું!

એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!
તારા ગયાને હવે વીત્યા છે જમાના,
તો હું પણ કાનુડો બનું!


મોરપીચ્છનો સુંદર હતો શણગાર,
ડોકમાં મોતીઓની માળા;
દેહ તારો કાળો તોયે કેવી એ મોહિની,
તને મોહતી વ્રજની બાળા!
તારા ગુણના સઘળા આપી જા ખજાના,
તો હું પણ કાનુડો બનું!

કદી બન્યો પ્રેમી તો કદી વિનાશક,
દૂર કર્યો દુષ્ટોનો ત્રાસ;
જમાનાની ગાડી ચાલી અવળા પાટે,
એમાં કેમ મળી શકે પ્રાસ!
તારા હથિયારો બધાં આપી જા છાનામાનાં,
તો હું પણ કાનુડો બનું!
એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

મોંઘવારીએ બચકું ભર્યું

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ,
કેટલાં ટીપાં લોહી રહ્યું, જીવવાની છે આશ?
બે-ચાર મોબાઈલ છે ખિસ્સામાં,
ચાર-પાંચનો આવશે વારો?
ટુ-વ્હીલરથી હવે આવે કંટાળો,
ફોર-વ્હીલરનો ક્યાં છે આરો?
દેશી ભોજનમાં તો જાણે આવવા લાગી વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
બે-ચાર રૂમનું મકાન?
અરે, એતો ઝૂંપડું કહેવાય,
રાજા-મહારાજા પાણી ભરે,
મુજ સમ કોણ ગણાય?
એ.સી. વિના તો ભાઈ હવે લેવાય કેમ શ્વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
જમીન-મહેલ બન્યો નકામો,
દરિયાને લઉં હું બાંધી,
હવા-મહેલનું પણ કામ નથી,
હાલતા આવી જાય આંધી,
ત્યારે જ નિરાંત થશે, સર કરું અવકાશ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
- 'સાગર' રામોલિયા

જામ્યો વર્ષાનો માહોલ


વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વીજળીનો નથી તોલ, જામ્યો વર્ષાનો માહોલ.
કાળાં કાળાં વાદળ,
એની લીલા છે અનેરી;
વીજ વાતો કરવા,
જાણે લેતી એને ઘેરી,
મોતી વરસે અણમોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ.
આમ છોડે, તેમ છોડે,
વાદળ જળ છૂટું મૂકે;
નાનાં-મોટાં ફોરાં પડે,
ઝાડ કેરાં પાન ઝૂકે,
માનવ મન મૂકી ડોલ, જામ્યો વર્ષાનો માહોલ,
વાદળે વગાડ્યા ઢોલ, જામ્યો વર્ષાનો માહોલ.
- 'સાગર' રામોલિયા

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

દાદાગીરી મૂક!

અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
કોઈની પીડા નજરે ન આવી, દાદાગીરી મૂક!
દાદાગીરીમાં મગજ ગયું,
ગયું સઘળું ભાન;
તારી સમીપતા સૌને ડંખે,
રહ્યું નહિ જરા માન,
સુધરી જા મુખ મલકાવી, દાદાગીરી મૂક!
અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
દાદાગીરી સંબંધ બગાડે,
બગાડે સઘળાં કામ;
ટાણું આવશે મુસીબતોનું,
કામ નહિ આવે દામ,
પ્રેમથી લે જીવન સજાવી, દાદાગીરી મૂક!
અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક!
- 'સાગર' રામોલિયા