દોરડાં
તો ચંગુભાઈનાં!
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14)
|
આપણે સંસારમાં
રહેનારા. ખબર નહિ,
કયારે કઈ વસ્તુ લેવા
નીકળવું પડે. આપણને સ્વપ્નેય ખ્યાલ
ન હોય એવી વસ્તુ લેવા નીકળવું પડે. એ વસ્તુ એવી પણ હોઈ શકે,
કે જેનો ઉપયોગ આપણે કયારેય
કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય.
|
મારે પણ આવું જ બન્યું.
ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્યો કે, એક
જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી
આવતું. તેમણે મને જે જગ્યા કહી,
એ જગ્યા તો મારી શાળાના રસ્તે જ આવતી હતી. પણ મેં કયારેય
ચંગુભાઈનાં દોરડાં જોયાં નહોતાં. કારણ કે, એ મારા માટે જરૂરિયાતની ચીજ નહોતી. આપણે જે ચીજની જરૂર હોય,
તેનું ઘ્યાન આપણે રાખતા
હોઈએ. કયારેક તેના માટે પણ કોઈને પૂછવું પડતું હોય. તો આ તો મારા માટે અજાણ્યું હતું.
|
કહેલી જગ્યાએ હું
પહોંચ્યો. ત્યાં દોરડાં લેવાવાળા ઘણા હતા. એટલે મને થયું ચંગુભાઈ પ્રખ્યાત તો લાગે છે! ચંગુભાઈ તરફ
મારું ઘ્યાન ગયું. લઘરવઘર મેલાં કપડાં. ઉપર
બંડી ને નીચે ધોતિયું. માથે બાંઘ્યું હતું મેલું ફાળિયું. થોડીવાર પછી ચંગુભાઈની નજર મારા ઉપર પડી. ઊભા
થઈને મારી પાસે આવે છે.
|
તે કહે, ‘‘આવો,
આવો રામોલિયાસાહેબ! ધન્ય
ઘડી ધન્ય ભાગ્ય. તમારા પગલે મારી આ ઝૂંપડી પાવન
થઈ ગઈ. આજે તો તમે અહીં પધાર્યા?''
|
મને થયું, આ લઘરવઘરને બોલતા તો સારું આવડે છે. મને ઓળખે પણ છે. કદાચ આ ચંગુભાઈ એટલે મારા પાસે ભણતો હતો તે
ચંગુ રામા સોલંકી હોવો જોઈએ. તેને પાતળા દોરામાંથી જાડી
દોરીઓ બનાવવાની ટેવ તો નાનપણમાં પણ હતી. ખરું કહું તો, આ એક વિદ્યાર્થી એવો નીકળ્યો
હતો, કે વારંવાર કરાવવા છતાં ‘ક'ને ઓળખવામાં પણ ભૂલ કરતો. એના ઉપર શામ, દામ કે દંડની કોઈ નીતિ કામ આવી નહોતી. કોઈ વળી બોલશે, કે વિદ્યાર્થીમાં વળી દામની
વાત કયાં આવી! તો તેના ઉપર વાપરવા માટે દામ આપવાની નીતિ પણ અપનાવી હતી. છતાં જરાયે ફરક ન પડયો. આજે એ જ ચંગુને
ચંગુભાઈ તરીકે જોયો. લોકો તેની ‘વાહ વાહ'
કરતા હતા. મારા તો
આશ્ચર્યનો પાર નહોતો.
|
તે બોલ્યો, ‘‘સાહેબ,
હું ચંગુ રામા સોલંકી.''
|
મેં કહ્યું, ‘‘હા,
ભાઈ હા! એ તો મેં અનુમાન
મારી લીધું હતું. તારી તો કાંઈ ‘વાહ વાહ'
થાય છે ને!''
|
તે કહે, ‘‘આ રસ્તો તમે તો દેખાડયો હતો. તમે તો કહ્યું હતું કે, ભણવામાં તો તારો ગજ વાગતો નથી. તો પછી દોરડાં તો સારાં
બનાવજે!''
|
હું મજાકમાં બોલ્યો, ‘‘એટલે જ તું ભણ્યો નહિ અને દોરડાં બનાવવામાં લાગી ગયો?''
|
તે કહે, ‘‘શું સાહેબ,
તમેય! મારે તો ભણવું જ
હતું. પણ આ ઉપલા માળમાં એ યાદ રાખવાની જગ્યા
હોય તો યાદ રહેને!''
|
મેં પૂછયું, ‘‘તો પછી આ દોરડાં બનાવવાનું કેમ યાદ રહ્યું?''
|
તે બોલ્યો, ‘‘ઈ તો બધી ઉપરવાળાની ઈચ્છા. ઈ એક જ ફાવતું હતું અને વધારે ફાવી ગયું. એટલે જેવાં દોરડાં બનાવું, એવાં જ વેંચાય જાય. બાકી તો દુવા તમારા જેવાની. આપણો ધંધો ધમધોકાર ચાલે છે.''
|
મને કહેવત યાદ આવી ગઈ, ‘ઈશ્વર એક હાથે છીનવે છે, તો
બીજા હાથે આપેય છે.' આ ચંગુનું ભણવાનું પાસું જાણે છીનવાય ગયું હતું, તો દોરડાં બનાવવાનું પાસું બળવાન બની ગયું હતું. દૂર રહેતા લોકોના મુખે પણ
ચંગુભાઈનું નામ સંભળાય. આનાથી મોટી પ્રગતિ કઈ હોઈ
શકે? આવું શિક્ષણ આપવામાં તો શિક્ષક પણ પાછો પડે.
|
- ‘સાગર'
રામોલિયા
|
.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/
http://sagarramolia.wordpress.com/
મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...
http://www.sardarvallabh.blogspot.com/
મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...
www.vidhva.blogspot.comમંગળવાર, 12 નવેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14
શનિવાર, 9 નવેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13
|
એ
જ હતું એક લક્ષ્ય
|
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13)
|
|
એક વખત શહેરના
ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ હતો. ગાવું-વગાડવું આપણું કામ નહિ,
પણ કોઈ સારું ગાતું હોય તો
સાંભળવું તો જરૂર ગમે. હું પણ ગયો એ કાર્યક્રમ
જોવા-સાંભળવા. ટાઉનહોલમાં મેદની હકડેઠઠ હતી. ઘણું જોયું, પણ બેસવાની કયાંય જગ્યા ન મળે. હું
આમતેમ જોતો હતો,
ત્યાં કાર્યક્રમના
આયોજકની નજર મને જોઈ ગઈ. મને એ ઓળખે. એટલે
આગળની હરોળમાં જ્યાં ખાસ જગ્યા રાખેલી હતી ત્યાં મને બેસાડી દીધો.
|
|
કાર્યક્રમ શરૂ થયો.
સરસ-સરસ ગીતો ગવાતાં હતાં. ખૂબ મજા આવતી હતી. સાત-આઠ ગીત પછી જાહેર થયું કે, ‘‘હવે પછીનું ગીત રજૂ કરવા આવે છે તમારા જ શહેરની અને કાર્યક્રમમાં રંગત લાવી દેનારી ગાયિકા
સપના રાઠોડ.'' મનમાં થયું, ‘યહ
નામ કુછ સુના સુના-સા લગતા હૈ.' વળી થયું,
જે હોય તે, આપણે તો ગીતોની મોજ લેવાની છે.
|
|
સપનાએ ગાવાનું શરૂ
કર્યું. સરસ અવાજ હતો અને સરસ ગાતી હતી. ગાવાની સાથે લટકાં- ઝટકાં પણ કરી લેતી હતી. સૌ જાણે તેને
સાંભળવામાં મશગૂલ બની ગયા હતા. હું પણ એક ઘ્યાનથી
સાંભળતો હતો. તેવામાં તેની નજર મારા ઉપર પડી. ગીતની વચ્ચે સંગીતનો લય આવ્યો. ત્યારે તે લટકાં-ઝટકાં કરતી સ્ટેજથી
નીચે ઊતરી. મારી સામે આવી ઊભી રહી. મને થયું આ
અહીં કેમ આવી હશે! ત્યાં તો તે મને પગે લાગી અને ધીમેથી બોલી,
‘‘આ ગીત પછી મારે તમને મળવું
છે. આ બાજુ આવજો.''
તે મને પગે લાગી હતી,
એટલે કોઈ અમંગળ વિચારોએ ન
સતાવ્યો. થોડીવાર પછી તાળીઓના ગડગડાટ સાથે તેનું ગીત પૂરું થયું. સ્ટેજની બાજુમાં થોડી જગ્યા હતી અને ત્યાં
બહાર નીકળવાનો દરવાજો હતો. ત્યાં તે
આવી. એટલે હું ગયો.
|
|
તે બોલી, ‘‘રામોલિયાસાહેબ,
મને ઓળખી?''
|
|
હું બોલ્યો, ‘‘અહીં તારો પરિચય તો અપાયો હતો. એટલે એ રીતે ઓળખું છું.''
|
|
તે કહે, ‘‘સાહેબ,
બીજું કંઈ યાદ નથી આવતું? મારું નામ સપના મનીષભાઈ રાઠોડ છે. સાક્ષરતા અભિયાનને યાદ કરો!''
|
|
હવે મગજ બરાબર ગાવા
લાગ્યું. આ સપના ત્યારે ચોથા ધોરણમાં ભણતી હતી. તે સમયે સાક્ષરતા અભિયાન ચાલતું હતું. લોકોમાં
જાગૃતિ લાવવા માટે શાળાની નજીકના વિસ્તારોમાં જઈને
કાર્યક્રમો કરવાના હતા. બાળકો પાસે આ કાર્યક્રમો તૈયાર કરાવવાની જવાબદારી મેં લીધી હતી. હું કાર્યક્રમ માટે
બાળકોની પસંદગી કરતો હતો. ત્યારે સપના ત્યાં આવી
અને બોલી, ‘‘મારે પણ પ્રોગ્રામમાં રહેવું છે.'' મેં પૂછયું, ‘‘તને શું આવડે છે?''
તે કહે, ‘‘ગીત ગાઉં?''
અને ગાવા લાગી. સાંભળીને મેં કહ્યું, ‘‘તારો
અવાજ તો સરસ છે. મોટી થઈને સારી ગાયિકા બની શકીશ. પણ દીકરી! અત્યારે તો ભણવામાં ઘ્યાન આપવાનું.'' પછી તો કાર્યક્રમ થયો. સપનાએ ખૂબ સારું ગાયું. મ્યુનિસિપલ કમિશનર તરફથી તેને ઈનામ પણ
અપાયું. અને હા,
પછી ભણવા બાબત તેની કોઈ ફરિયાદ રહેતી નહોતી. શાળામાં કોઈ કાર્યક્રમ
હોય તો તે ભાગ લેતી જ.
|
|
મેં તેને કહ્યું, ‘‘તેં તો ખૂબ સારી પ્રગતિ કરી. લોકો તને સાંભળવા આતુર હતા.''
|
|
તે બોલી, ‘‘તમે જ તો આ રસ્તો દેખાડયો હતો. પછી તો ગાયિકા બનવું એ જ એક લક્ષ્ય હતું. હાઈસ્કૂલમાં હતી ત્યારથી
જ એક સંગીતશાળામાં પણ શીખવા જવા લાગી. લય-તાલ બધું વ્યવસ્થિત
શીખ્યું. જેમ સંગીતમાં ધૂનનું મહત્વ હોય,
તેમ મારા મનમાં પણ ધૂન હતી કે સારી ગાયિકા બનવું જ છે. અને
બની પણ શકી. આજે મને ખૂબ સંતોષ છે. તમારો પણ ખૂબ
આભાર કે મને આ રસ્તો દેખાડયો. લોકોને આનંદ કરાવવામાં મને પણ આનંદ આવે છે.''
|
|
મને થયું, જે એક ધૂન પકડીને બેસી જાય, તેને
સફળ થતાં કોઈ રોકી શકતું નથી. બસ મનમાં
લયબદ્ધ ધૂન વહેતી રહેવી જોઈએ કે મારે આ કરવું છે. મેં સપનાને શુભેચ્છા આપી અને પછી સપના તેમજ અન્ય ગાયકોના
ગીતો મનને નચાવીને માણ્યાં.
|
|
- ‘સાગર' રામોલિયા
|
સોમવાર, 28 ઑક્ટોબર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12
|
નવા
વર્ષે તારું કરી નાખું
|
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12)
|
|
નવા વર્ષનો પહેલો દિવસ. સવારના
સમયમાં બહાર જવાની તૈયારી ચાલતી હતી. તેવા સમયે કોઈનો મધુર
સ્વર સંભળાયો. મને થોડું કુતૂહલ થયું. હું ઘરના દરવાજે ઊભો રહ્યો. શેરીમાં જોયું. ત્યાં એક ઘર પાસે કોઈ
યુવાન સાધુ ઊભો હતો. તે ઘરના માજી તેને કંઈક આપી રહ્યાં
હતાં. ઓચિંતા તે સાધુની નજર માજીના હાથ ઉપર પડી.
|
|
તે બોલવાનું શરૂ કરે છે, ‘‘માડી! તારા હાથની રેખાઓ તો બળવાન છે. શનિની વક્રદૃષ્ટિ દૂર થઈ ગઈ છે. ગુરુ બળવાન
બન્યો છે. હવેનું તારું ભવિષ્ય સુખસાહ્યબીમાં વિતવાનું
છે. તારી ઉંમર ખૂબ લાંબી છે. આજે નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે તારા બધા ગ્રહો બળવાન બને છે. (હવે તે થોડું
ન સમજાય એવી રીતે બોલ્યો) એટલે આજે તારું
કરી નાખું. તું સદા સુખી રહીશ.''
|
|
એ સાંભળીને મને ઝબકારો થયો. એટલે મેં
નીરખીને તે તરફ જોયું. તે સાધુ માજીએ પહેરેલી સોનાની
વીંટી સેરવતો હતો. માજીનું ઘ્યાન તો સાધુના મુખ ઉપર જ હતું,
પણ સાધુનું ઘ્યાન માજીની
વીંટી ઉપર હતું.
|
|
ફરી મને બીજો ઝબકારો થયો. થયું કે
આને તો હું ઓળખું છું. અરે,
આનું નામ તો મનોજ પરબતભાઈ સયાણી. તે કોઈ બાવા કે બ્રાહ્મણ
જ્ઞાતિનો નહોતો. બીજાને છેતરવા સાધુ બન્યો હોય
એવું લાગ્યું. તે મારી પાસે ભણતો. ત્યારે પણ તે ચોરીમાં પાવરધો. મંદિરમાં જાય તો પણ પૈસા લઈને આવે. કોઈ
હાથ મિલાવે તો સામેવાળાનું કાંઈક તો જાય
જ. મને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે મેં એને ખૂબ સમજાવ્યો હતો. ત્યારે તેણે ‘હવે ચોરી નહિ કરું'
એવું કબૂલ્યું પણ હતું.
તે પછી થોડા દિવસ શાળાએ આવ્યો હતો અને પછી
શાળાએ આવતો બંધ થઈ ગયો હતો.
|
|
મેં બૂમ પાડી, ‘‘મનોજ!''
|
|
તેણે મારા સામે જોયું. તે પણ મને
ઓળખી ગયો હોય એવું લાગ્યું. તે ત્યાંથી ચાલતો થઈ ગયો.
|
|
મેં ફરી કહ્યું, ‘‘મનોજ! ભાગવાની કોશિશ ન કરતો. ભાગ્યો તો પોલીસને ફોન કરું છું.''
|
|
તે પાછો વળ્યો. મારી પાસે આવીને
બોલ્યો, ‘‘રામોલિયાસાહેબ! હજી મને નથી ભૂલ્યા?''
|
|
મેં કહ્યું, ‘‘પહેલા માજીને તેમની વીંટી આપી દે!''
|
|
આ સાંભળીને માજીએ હાથમાં જોયું તો
વીંટી ન હતી. વીંટી પાછી મળવાથી તેઓ ખૂબ રાજી થયાં. હવે તો
પડોશીઓ પણ લૂંટારા સાધુને મારવા આવી પહોંચ્યા હતા. પણ મેં તેમને રોકયા. મનોજને મારા બાજુમાં બેસાડયો.
|
|
તે બોલ્યો, ‘‘સાહેબ! અહીં પણ મને ભણાવવા બેસશો?''
|
|
મેં કહ્યું, ‘‘હા,
મારે તને ભણાવવો છે. ત્યારે
જે બાકી રહી ગયું હતું ને? તે પૂરું કરવું છે. જેમ હું તને ન ભૂલ્યો, તેમ તું પણ ચોરી કરવાનું ન ભૂલ્યોને?
તું શા માટે ચોરી કરે છે? લોકોએ મહેનત કરીને,
થોડું બચાવીને, માંડ કોઈ ચીજ લીધી હોય. તે તારા
જેવા ચોર ચોરી જાય,
તો તેને કેટલું દુઃખ
લાગતું હશે? આવો વિચાર તેં કયારેય કર્યો? ચોરી કરવાનું બંધ કરીને મહેનતનો રોટલો ખા મારા ભાઈ!''
|
|
તે કહે, ‘‘પણ મને કોઈ કામે રાખતું નથી.''
|
|
હું બોલ્યો, ‘‘મારા કોઈ ઓળખીતાને ત્યાં હું કામ અપાવી દઉં તો?''
|
|
આ સાંભળી તે ઊભો થયો. સાધુનાં વસ્ત્રો
ઉતારવા લાગ્યો,
તો નીચેથી પેન્ટ ને ટીશર્ટ દેખાયાં. પછી મને પગે લાગ્યો.
તેની આંખોનાં આંસુ મારા પગ પર પડયાં.
|
|
થોડીવાર પછી તે બોલ્યો, ‘‘સાહેબ! તે દિવસે મેં ‘ચોરી
નહિ કરું' એવી ખોટી કબૂલાત કરી હતી, પણ આજે તમારા - કે જે મારા જેવા અનેકના ગુરુ બનીને અનેકના રાહબર બન્યા છો - સમ ખાઈને પ્રતિજ્ઞા
કરું છું કે, કયારેય ચોરી નહિ કરું. મહેનત-મજૂરી કરીને કમાઈશ. કંઈ નહિ મળે તો ભૂખ્યો
સૂઈ જઈશ, પણ ચોરી તો નહિ જ કરું.''
અને તે ફરી મારા પગ પકડીને
રડવા લાગ્યો.
|
|
મને થયું, આજે મેં આપેલું શિક્ષણ સાર્થક થયું.
|
|
-
‘સાગર' રામોલિયા
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)