.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

શનિવાર, 9 નવેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13

એ જ હતું એક લક્ષ્ય
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13)
          એક વખત શહેરના ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ હતો. ગાવું-વગાડવું આપણું કામ નહિ, પણ કોઈ સારું ગાતું હોય તો સાંભળવું તો જરૂર ગમે. હું પણ ગયો એ કાર્યક્રમ જોવા-સાંભળવા. ટાઉનહોલમાં મેદની હકડેઠઠ હતી. ઘણું જોયું, પણ બેસવાની કયાંય જગ્‍યા ન મળે. હું આમતેમ જોતો હતો, ત્‍યાં કાર્યક્રમના આયોજકની નજર મને જોઈ ગઈ. મને એ ઓળખે. એટલે આગળની હરોળમાં જ્યાં ખાસ જગ્‍યા રાખેલી હતી ત્‍યાં મને બેસાડી દીધો.
          કાર્યક્રમ શરૂ થયો. સરસ-સરસ ગીતો ગવાતાં હતાં. ખૂબ મજા આવતી હતી. સાત-આઠ ગીત પછી જાહેર થયું કે, ‘‘હવે પછીનું ગીત રજૂ કરવા આવે છે તમારા જ શહેરની અને કાર્યક્રમમાં રંગત લાવી દેનારી ગાયિકા સપના રાઠોડ.'' મનમાં થયું, ‘યહ નામ કુછ સુના સુના-સા લગતા હૈ.' વળી થયું, જે હોય તે, આપણે તો ગીતોની મોજ લેવાની છે.
          સપનાએ ગાવાનું શરૂ કર્યું. સરસ અવાજ હતો અને સરસ ગાતી હતી. ગાવાની સાથે લટકાં- ઝટકાં પણ કરી લેતી હતી. સૌ જાણે તેને સાંભળવામાં મશગૂલ બની ગયા હતા. હું પણ એક ઘ્‍યાનથી સાંભળતો હતો. તેવામાં તેની નજર મારા ઉપર પડી. ગીતની વચ્‍ચે સંગીતનો લય આવ્‍યો. ત્‍યારે તે લટકાં-ઝટકાં કરતી સ્‍ટેજથી નીચે ઊતરી. મારી સામે આવી ઊભી રહી. મને થયું આ અહીં કેમ આવી હશે! ત્‍યાં તો તે મને પગે લાગી અને ધીમેથી બોલી, ‘‘આ ગીત પછી મારે તમને મળવું છે. આ બાજુ આવજો.'' તે મને પગે લાગી હતી, એટલે કોઈ અમંગળ વિચારોએ ન સતાવ્‍યો. થોડીવાર પછી તાળીઓના ગડગડાટ સાથે તેનું ગીત પૂરું થયું. સ્‍ટેજની બાજુમાં થોડી જગ્‍યા હતી અને ત્‍યાં બહાર નીકળવાનો દરવાજો હતો. ત્‍યાં તે આવી. એટલે હું ગયો.
          તે બોલી, ‘‘રામોલિયાસાહેબ, મને ઓળખી?''
          હું બોલ્‍યો, ‘‘અહીં તારો પરિચય તો અપાયો હતો. એટલે એ રીતે ઓળખું છું.''
          તે કહે, ‘‘સાહેબ, બીજું કંઈ યાદ નથી આવતું? મારું નામ સપના મનીષભાઈ રાઠોડ છે. સાક્ષરતા અભિયાનને યાદ કરો!''
          હવે મગજ બરાબર ગાવા લાગ્‍યું. આ સપના ત્‍યારે ચોથા ધોરણમાં ભણતી હતી. તે સમયે સાક્ષરતા અભિયાન ચાલતું હતું. લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાની નજીકના વિસ્‍તારોમાં જઈને કાર્યક્રમો કરવાના હતા. બાળકો પાસે આ કાર્યક્રમો તૈયાર કરાવવાની જવાબદારી મેં લીધી હતી. હું કાર્યક્રમ માટે બાળકોની પસંદગી કરતો હતો. ત્‍યારે સપના ત્‍યાં આવી અને બોલી, ‘‘મારે પણ પ્રોગ્રામમાં રહેવું છે.'' મેં પૂછયું, ‘‘તને શું આવડે છે?'' તે કહે, ‘‘ગીત ગાઉં?'' અને ગાવા લાગી. સાંભળીને મેં કહ્યું, ‘‘તારો અવાજ તો સરસ છે. મોટી થઈને સારી ગાયિકા બની શકીશ. પણ દીકરી! અત્‍યારે તો ભણવામાં ઘ્‍યાન આપવાનું.'' પછી તો કાર્યક્રમ થયો. સપનાએ ખૂબ સારું ગાયું. મ્યુનિસિપલ કમિશનર તરફથી તેને ઈનામ પણ અપાયું. અને હા, પછી ભણવા બાબત તેની કોઈ ફરિયાદ રહેતી નહોતી. શાળામાં કોઈ કાર્યક્રમ હોય તો તે ભાગ લેતી જ.
          મેં તેને કહ્યું, ‘‘તેં તો ખૂબ સારી પ્રગતિ કરી. લોકો તને સાંભળવા આતુર હતા.''
          તે બોલી, ‘‘તમે જ તો આ રસ્‍તો દેખાડયો હતો. પછી તો ગાયિકા બનવું એ જ એક લક્ષ્ય હતું. હાઈસ્‍કૂલમાં હતી ત્‍યારથી જ એક સંગીતશાળામાં પણ શીખવા જવા લાગી. લય-તાલ બધું વ્‍યવસ્‍થિત શીખ્‍યું. જેમ સંગીતમાં ધૂનનું મહત્‍વ હોય, તેમ મારા મનમાં પણ ધૂન હતી કે સારી ગાયિકા બનવું જ છે. અને બની પણ શકી. આજે મને ખૂબ સંતોષ છે. તમારો પણ ખૂબ આભાર કે મને આ રસ્‍તો દેખાડયો. લોકોને આનંદ કરાવવામાં મને પણ આનંદ આવે છે.''
          મને થયું, જે એક ધૂન પકડીને બેસી જાય, તેને સફળ થતાં કોઈ રોકી શકતું નથી. બસ મનમાં લયબદ્ધ ધૂન વહેતી રહેવી જોઈએ કે મારે આ કરવું છે. મેં સપનાને શુભેચ્‍છા આપી અને પછી સપના તેમજ અન્‍ય ગાયકોના ગીતો મનને નચાવીને માણ્‍યાં.
                                   - ‘સાગર' રામોલિયા


સોમવાર, 28 ઑક્ટોબર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12

નવા વર્ષે તારું કરી નાખું
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12)
          નવા વર્ષનો પહેલો દિવસ. સવારના સમયમાં બહાર જવાની તૈયારી ચાલતી હતી. તેવા સમયે કોઈનો મધુર સ્‍વર સંભળાયો. મને થોડું કુતૂહલ થયું. હું ઘરના દરવાજે ઊભો રહ્યો. શેરીમાં જોયું. ત્‍યાં એક ઘર પાસે કોઈ યુવાન સાધુ ઊભો હતો. તે ઘરના માજી તેને કંઈક આપી રહ્યાં હતાં. ઓચિંતા તે સાધુની નજર માજીના હાથ ઉપર પડી.
          તે બોલવાનું શરૂ કરે છે, ‘‘માડી! તારા હાથની રેખાઓ તો બળવાન છે. શનિની વક્રદૃષ્‍ટિ દૂર થઈ ગઈ છે. ગુરુ બળવાન બન્‍યો છે. હવેનું તારું ભવિષ્‍ય સુખસાહ્યબીમાં વિતવાનું છે. તારી ઉંમર ખૂબ લાંબી છે. આજે નવા વર્ષની શરૂઆત થાય છે. ત્‍યારે તારા બધા ગ્રહો બળવાન બને છે. (હવે તે થોડું ન સમજાય એવી રીતે બોલ્‍યો) એટલે આજે તારું કરી નાખું. તું સદા સુખી રહીશ.''
          એ સાંભળીને મને ઝબકારો થયો. એટલે મેં નીરખીને તે તરફ જોયું. તે સાધુ માજીએ પહેરેલી સોનાની વીંટી સેરવતો હતો. માજીનું ઘ્‍યાન તો સાધુના મુખ ઉપર જ હતું, પણ સાધુનું ઘ્‍યાન માજીની વીંટી ઉપર હતું.
          ફરી મને બીજો ઝબકારો થયો. થયું કે આને તો હું ઓળખું છું. અરે, આનું નામ તો મનોજ પરબતભાઈ સયાણી. તે કોઈ બાવા કે બ્રાહ્મણ જ્ઞાતિનો નહોતો. બીજાને છેતરવા સાધુ બન્‍યો હોય એવું લાગ્‍યું. તે મારી પાસે ભણતો. ત્‍યારે પણ તે ચોરીમાં પાવરધો. મંદિરમાં જાય તો પણ પૈસા લઈને આવે. કોઈ હાથ મિલાવે તો સામેવાળાનું કાંઈક તો જાય જ. મને જ્યારે આ બાબતની ખબર પડી ત્‍યારે મેં એને ખૂબ સમજાવ્‍યો હતો. ત્‍યારે તેણે હવે ચોરી નહિ કરું' એવું કબૂલ્‍યું પણ હતું. તે પછી થોડા દિવસ શાળાએ આવ્‍યો હતો અને પછી શાળાએ આવતો બંધ થઈ ગયો હતો.
          મેં બૂમ પાડી, ‘‘મનોજ!''
          તેણે મારા સામે જોયું. તે પણ મને ઓળખી ગયો હોય એવું લાગ્‍યું. તે ત્‍યાંથી ચાલતો થઈ ગયો.
          મેં ફરી કહ્યું, ‘‘મનોજ! ભાગવાની કોશિશ ન કરતો. ભાગ્‍યો તો પોલીસને ફોન કરું છું.''
          તે પાછો વળ્‍યો. મારી પાસે આવીને બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! હજી મને નથી ભૂલ્‍યા?''
          મેં કહ્યું, ‘‘પહેલા માજીને તેમની વીંટી આપી દે!''
          આ સાંભળીને માજીએ હાથમાં જોયું તો વીંટી ન હતી. વીંટી પાછી મળવાથી તેઓ ખૂબ રાજી થયાં. હવે તો પડોશીઓ પણ લૂંટારા સાધુને મારવા આવી પહોંચ્‍યા હતા. પણ મેં તેમને રોકયા. મનોજને મારા બાજુમાં બેસાડયો.
          તે બોલ્‍યો, ‘‘સાહેબ! અહીં પણ મને ભણાવવા બેસશો?''
          મેં કહ્યું, ‘‘હા, મારે તને ભણાવવો છે. ત્‍યારે જે બાકી રહી ગયું હતું ને? તે પૂરું કરવું છે. જેમ હું તને ન ભૂલ્‍યો, તેમ તું પણ ચોરી કરવાનું ન ભૂલ્‍યોને? તું શા માટે ચોરી કરે છે? લોકોએ મહેનત કરીને, થોડું બચાવીને, માંડ કોઈ ચીજ લીધી હોય. તે તારા જેવા ચોર ચોરી જાય, તો તેને કેટલું દુઃખ લાગતું હશે? આવો વિચાર તેં કયારેય કર્યો? ચોરી કરવાનું બંધ કરીને મહેનતનો રોટલો ખા મારા ભાઈ!''
          તે કહે, ‘‘પણ મને કોઈ કામે રાખતું નથી.''
          હું બોલ્‍યો, ‘‘મારા કોઈ ઓળખીતાને ત્‍યાં હું કામ અપાવી દઉં તો?''
          આ સાંભળી તે ઊભો થયો. સાધુનાં વસ્‍ત્રો ઉતારવા લાગ્‍યો, તો નીચેથી પેન્‍ટ ને ટીશર્ટ દેખાયાં. પછી મને પગે લાગ્‍યો. તેની આંખોનાં આંસુ મારા પગ પર પડયાં.
          થોડીવાર પછી તે બોલ્‍યો, ‘‘સાહેબ! તે દિવસે મેં ચોરી નહિ કરું' એવી ખોટી કબૂલાત કરી હતી, પણ આજે તમારા - કે જે મારા જેવા અનેકના ગુરુ બનીને અનેકના રાહબર બન્‍યા છો - સમ ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે, કયારેય ચોરી નહિ કરું. મહેનત-મજૂરી કરીને કમાઈશ. કંઈ નહિ મળે તો ભૂખ્‍યો સૂઈ જઈશ, પણ ચોરી તો નહિ જ કરું.'' અને તે ફરી મારા પગ પકડીને રડવા લાગ્‍યો.
          મને થયું, આજે મેં આપેલું શિક્ષણ સાર્થક થયું.
- ‘સાગર' રામોલિયા


શનિવાર, 26 ઑક્ટોબર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11


પણ ત્‍યારે મને નહોતું સમજાયું
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11)
          હું માંદો પડયો. ડેન્‍ગ્‍યૂ અને ટાઈફોઈડ થઈ ગયેલ. એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા જતો. ત્‍યાં મને બાટલા ચડાવવામાં આવતા. થોડા દિવસ આવું ચાલ્‍યું. રોજ દવાખાને બાટલા ચડાવવામાં આવતા.
          એક દિવસની વાત છે. મને બાટલા ચડાવવાનું ચાલુ હતું. હું આંખો બંધ કરીને સૂતો હતો. માત્ર સૂતો હતો, ઊંઘતો નહોતો. થોડીવાર થઈ ત્‍યાં મારા પગે કંઈક સળવળ્‍યું હોય એવું લાગ્‍યું. મને તો એમ કે બિમારીને લીધે તંદ્રાવસ્‍થામાં આવું લાગતું હશે. એટલે થોડીવાર તો આંખો બંધ જ રાખી. પણ ધીમે-ધીમે એવું લાગ્‍યું કે મારા પગ કોઈ દબાવી રહ્યું છે. મેં આંખો ખોલી. તો એક બ્રધર' મારા પગ દબાવતો હતો. મને તો આશ્ચર્ય થયું. કદાચ દવાખાનામાં આવું દૃશ્‍ય પહેલીવાર જોઈ રહ્યો હતો. કારણ કે, કોઈ દવાખાનાનો કર્મચારી દર્દીના પગ દબાવતો હોય એવું આ પહેલા કયાંય જોયું નહોતું.
          મેં કહ્યું, ‘‘ભાઈ, આ શું?''
          તે કહે, ‘‘કેમ રામોલિયાસાહેબ? ગુરુના પગ શિષ્‍ય ન દબાવી શકે?''
          મેં પ્રશ્નાર્થભાવે પૂછયું, ‘‘ગુરુ? શિષ્‍ય?''
          તે કહે, ‘‘હા, હું તમારો શિષ્‍ય. થોડો અળખામણો હોઈ શકું. તમારી વાત મેં માની નહોતીને! મારું નામ : મનોજ મનહરલાલ મુરારી.''
          હું બોલ્‍યો, ‘‘એક શિક્ષકને કોઈ પ્રત્‍યે અળખામણા જેવું હોતું નથી. તો અહીં કેમ એવી વાત આવી?''
          તેણે શરૂઆત કરી, ‘‘હું તમારી પાસે ભણતો. પણ શાળાએ આવવું મને ગમતું નહિ. એટલે કયારેક આવતો, ને કયારેક ન આવતો. પણ જ્યારે આવતો, ત્‍યારે જે ભણાવ્‍યું હોય એ મને યાદ રહી જતું. મારી આ બાબત તમારા ઘ્‍યાનમાં આવી ગઈ.''
          તેને અટકાવીને હું બોલ્‍યો, ‘‘અને એક દિવસ તને બોલાવીને મેં કહ્યું હતું, ભાઈ મનોજ! તારી યાદશકિત તો સારી છે. રોજ શાળાએ આવ અને ભણવામાં ઘ્‍યાન આપ. તારું ભવિષ્‍ય ઊજળું દેખાય છે. તું મહેનત કર તો ડૉકટર બની શકીશ.''
          તે કહે, ‘‘હા, સાહેબ! પણ ત્‍યારે મને નહોતું સમજાયું. એટલે હું બેદરકાર જ રહ્યો. શાળાએ આવવાની અનિયમિતતા દૂર ન થઈ. માઘ્‍યમિક શાળામાં ગયો ત્‍યારે પણ એવું જ હતું. પરંતુ ધોરણ બારનું પરિણામ આવ્‍યું ત્‍યારે મને તમારી યાદ આવી ગઈ. પરિણામ ખૂબ સારું તો નહિ, પણ સારું તો આવ્‍યું જ. ડૉકટર બનવા જઈ શકું એટલું સારું નહોતું. પણ મારા મનમાં ઝબકારો થયો, ડૉકટર નહિ, તો ડૉકટરના સહાયક બની જવું. જેથી તમારી અડધી વાત તો સાચી પડે! એટલે જ મેં બ્રધર બનવાનું નક્કી કર્યું અને બની પણ ગયો. મન દઈને અહીં આવેલ દર્દીઓનું ઘ્‍યાન રાખું છું. કામથી દૂર ભાગવાનું કયારેય મન નથી થતું. એટલે અન્‍ય ડૉકટરોને અપાય છે, તેટલો જ પગાર મને પણ આપે છે. તમે પ્રાર્થનાસભામાં કહેલી અનેક વાતો મને યાદ આવે છે. વાર્તા કહીને પણ તમે સાચો રસ્‍તો દેખાડતા. અને એ રસ્‍તે ચાલીને અનેક આગળ વધી ગયેલ છે. કદાચ તમે એ જાણતા પણ નહિ હો!''
          હવે હું બોલ્‍યો, ‘‘ખરેખર, મનોજ! આજે તારી વાત સાંભળીને મારી અડધી બિમારી તો અત્‍યારે જ દૂર થઈ ગઈ. તારી જેમ ઘણા વિદ્યાર્થીઓ કયાંક ને કયાંક મળી જતા હોય છે. ભણવામાં નબળા હોય એવા ઘણા વિદ્યાર્થીઓ આજે સમાજમાં સારું એવું સ્‍થાન પ્રાપ્‍ત કરી શકયા છે. તે તેઓની મહેનતનું પરિણામ છે. તને પણ મોડું-મોડું તો મોડું-મોડું, સમજાયું તો ખરું! મને ખૂબ આનંદ થયો છે. મારા પગ દબાવવાની જરૂર નથી. તું તારી ફરજમાં ઘ્‍યાન આપ. કયારેક સમય મળે, તો મળવા આવજે. પેટ ભરીને વાતો કરી લેશું. જિંદગીમાં સુખી રહે અને બીજાને સુખી કર. મારી આ ઈચ્‍છાને યાદ રાખજે અને આનંદમાં સમય વિતાવજે.''
                                                                 - ‘સાગર' રામોલિયા

મંગળવાર, 15 ઑક્ટોબર, 2019

જાવાનું

અટાણે કે કટાણે ગોઠવાઈ જાવાનું,
પરાણે કે બરાણે ઠાવકાઈ જાવાનું.

હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ,
અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું.

સુગંધી લેખની ફેલાય જાય આ મારી,
છપાણે કે મપાણે બસ છવાઈ જાવાનું.

સમય કયારેક એવો આવી જાય જીવનમાં,
નમાણે ને નમાણે ના છુપાઈ જાવાનું.

ભરી ઉત્સાહ મનમાં ગીત ગાવને 'સાગર',
વખાણે, ના વખાણે! માણસાઈ જાવાનું.

'સાગર' રામોલિયા