.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

સોમવાર, 12 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-2

સાહેબ! હું ભીખ માગતી નથી
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-ર)

          એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા :
          ‘‘હાલો...! બટેટાં ર0ના કિલો, ટમેટાં 30ના કિલો, ચોળી પ0ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને ખરીદી કરી. પણ એ હરખ વધુ વખત ન ટકયો.
          હવે હું ઘેર જવા માટે નીકળ્‍યો. ત્‍યાં એક જગ્‍યાએ વધારે ભીડ જોવા મળી. સાથે-સાથે અવાજ પણ સંભળાતો હતો : ‘‘બટેટાં બારના કિલો, ટમેટાં ત્રેવીસના કિલો, ચોળી ચોત્રીસની કિલો!'' હું ચમકયો. મેં ભાવ ઘટાડીને લીધેલી વસ્‍તુ અહીં તો એ કરતા પણ સસ્‍તી? કઈ રીતે? પેલા લોકો તો કહેતા હતા કે, હવે આનાથી ઓછામાં પોસાય એમ જ નથી, તો અહીં આમ કેમ? હવે શાક લેવાનું તો નહોતું! છતાં ખાતરી કરવાનું મન થયું. શિક્ષક ખરોને! કદાચ વાસી હશે એવું વિચાર્યું. જઈને જોયું. પણ એકદમ તાજાં શાકભાજી! છતાં ભાવ ઓછો! શું બીજા છેતરવાનું કામ જ કરે છે!
          હું ભીડમાં ઊભો રહ્યો, બોલ્યો : ‘‘બેન! તમે આ શાકભાજી આટલાં સસ્‍તાં કેમ વેંચી શકો છો? માર્કેટમાં તો કયાંય આટલો ઓછો ભાવ નથી.''
          તેણે ઊંચું જોયું. પછી કહે, ‘‘મારે મારા ત્રણ અપંગ છોકરાને નભાવવા છે, સાહેબ!''
          હું ચમકયો. ત્રણ છોકરા, ને ત્રણેય અપંગ! કુદરત આટલી ક્રૂર! મારાથી પૂછાય ગયું, ‘‘ત્રણેય અપંગ? આ શું કહો છો, બેન!''
          તે કહે, ‘‘મને બેન કે તમે ન કહો, સાહેબ!''
          મેં કહ્યું, ‘‘અજાણ્‍યાને તું ન કહેવાય.''
          તે કહે, ‘‘હું અજાણી નથી.''
          મેં કહ્યું, ‘‘કઈ રીતે?''
          શાક લેવાવાળાને એકબાજુ રાખીને મંડી ગઈ બોલવા, ‘‘અરે, રામોલિયાસાહેબ! તમે તો મારા ગુરુજી છો! હું તમારી પાસે ભણતી. મારું નામ લીલી સવજીભાઈ રાઠોડ. તમે તો સાહેબ છો! અમારા જેવા તમને યાદ કયાંથી હોય?  હા, સાહેબ! હું સાત ધોરણ ભણી. થોડાં વરસમાં મારું લગ્ન થયું. બેલડાના બે દીકરા થયા. પણ બેય અપંગ. મારા ધણીને આ ખબર પડી. એ થોડો પાણીપોચો! એટલે આ આઘાતમાં એનેય પક્ષઘાતનો હુમલો આવી ગયો. એમાંથી એ બચી તો ગયો, પણ અપંગ થઈ ગયો. સાવ છોકરા જેવો. એટલે એ સહિત હું ત્રણ છોકરા ગણું છું.''
          આટલું બોલ્‍યા પછી જરા અટકી. મારાથી નિઃસાસો નખાય ગયો. દિલ જાણે દુઃખતું હતું. હવે હું કંઈ કહું એ પહેલા તો એ ફરી બોલવા લાગી, ‘‘હા, સાહેબ!  તમે ભણાવતાં-ભણાવતાં અલકમલકની વાતો કરતા. મને ભણવામાં તો રસ નહોતો, પણ તમારી વાતોમાં મજા આવતી. એક વખત તમે કહેલને કે, ‘ભીખ સૌથી ભૂંડી છે અને જે પ્રામાણિકતાથી કમાણી કરે છે, તેને ભગવાન પણ મદદ કરે છે.' જુવો સાહેબ! હું ઓછો ભાવ રાખું છું, તો પણ તેમાંથી નફો મળે છે. ખોટી રીતે કોઈને છેતરતી નથી. એટલે જાણે ભગવાન મદદ કરે છે અને મારું ઘર ચાલ્‍યા કરે છે. મારા ત્રણ અપંગને આગળ ધરીને ભીખ નથી માગતી, સાહેબ!''
          હું બોલ્‍યો, ‘‘તેં જે બોધ પછી લીધો, એવો બોધ જો ભણતા હોય ત્‍યારે જ સમજમાં આવી જતો હોય, અને વિદ્યાર્થીઓ તે મુજબ મહેનત કરતા હોય,  તો કોઈ ઠોઠ રહે જ નહિ! અમારા પ્રત્‍યેની તારી નિષ્ઠાને હું વંદન કરું છું, લીલી!''
              - ‘સાગર' રામોલિયા

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1


મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1
(માથા વગરની ઢીંગલીઓ)
           વાતાવરણ શાંત હતું. ખુશનુમા  હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્‍યો.
શેરીમાંથી મુખ્‍ય રસ્‍તે પહોંચ્‍યો. ત્‍યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્‍યો હતો, તે અહીં તો જાણે
બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્‍યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...!''
           મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને
બોલાવતો હતો. હું ત્‍યાં ગયો.
           તે બોલ્‍યો, ‘‘સાહેબ, મને ઓળખ્‍યો?''
           મેં માથું ના'માં ધુણાવ્‍યું.
           તો તે બોલ્‍યો, ‘‘હું ધના વના સોલંકી. તમારી પાસે ભણતો. તમે જેનેઠોઠડો' કહીને બોલાવતા!''
           મને ઝાંખું-ઝાંખું યાદ આવી ગયું. મેં તેની બાજુમાં ઊભેલા બુઝુર્ગ તરફ જોયું. તેઓ તો અવાચક જ બની ગયા
હતા. ઘડીક મારા તરફ જુવે, તો ઘડીક પેલા છોકરા તરફ. મેં દુકાનમાં નજર નાખી, હવે અવાચક બનવાનો વારો મારો હતો.
દુકાનમાં અનેક જાતની ઢીંગલીઓ હતી, પણ કોઈની માથે માથું નહોતું. મેં હાથના ઈશારાથી પેલા બુઝુર્ગને પૂછયું.
           તેઓ બોલ્‍યા, ‘‘આ મારો દીકરો ધનો. ઢીંગલીઓ ખૂબ સારી બનાવે. પણ માથું માથે રાખવા જ ન દે. કોઈ ઢીંગલી
લેવા આવે, તો માથે માથું રાખીને દેખાડે.''
           મેં પૂછયું, ‘‘કેમ?''
           હવે ધનો બોલ્‍યો, ‘‘સાહેબ, એક વખત હું ને મારી બેન રસ્‍તે ચાલતાં હતાં. ત્‍યાં એક બાઈક'વાળો  મારી બેનને
ઠોકરથી ઉડાડતો ગયો. તે ઊડીને પડી ગાડીના પાટા ઉપર. ત્‍યાં જ ગાડી આવી. મારી બેનનું માથું કપાય ગયું સાહેબ!
મારી ઢીંગલીનું માથું કપાય ગયું સાહેબ!''
           તેને અટકાવી બુઝુર્ગ બોલ્‍યા, ‘‘તે દિવસથી ધનો સૂનમૂન રહેવા લાગ્‍યો. કોઈ સાથે બોલે નહિ. શાળાએ જાય નહિ.
બસ, બેઠો જ  રહે! થોડા દિવસ પછી બબડવા લાગ્‍યો, મારામાં શકિત છે, મારામાં કલા છે. અને ઢીંગલીઓ બનાવવા લાગ્‍યો.
સરસ અને સુંદર ઢીંગલીઓ. પણ બધી આ રીતે. છતાંયે ખૂબ કમાણી થાય છે.''
           ફરી ધનો બોલ્‍યો, ‘‘સાહેબ, તમે જ કહેતાને? ‘દરેક માણસમાં ખૂબ શકિત કે આવડત હોય છે. તેને બહાર લાવતા
આવડવું જોઈએ.'
           હા, તમે એ પણ કહેતા, ‘તું ભણવામાં નબળો છો, પણ તારામાં કલાની સૂઝ છે. તું આગળ વધજે. સાહેબ, હું જે
બબડતો હતો, એ તમે કહેલી જ વાત હતી. જે આજે તમને જોયા પછી મને યાદ આવ્‍યું.''
           તે મારા પગે પડી ગયો.
           મારા મનમાં ઝબકારો થયો, ‘‘કોઈએ કહેલા પ્રોત્‍સાહનના બે શબ્‍દો કોઈની જિંદગીને સજાવી જાય છે.''
                                          ‘સાગર’ રામોલિયા
                                                            ***

શનિવાર, 1 જૂન, 2019

Ame to Karigar (Balgeeto)

Dosto,
Maru 28mu pustak taiyar thai gayu chhe. Jeni .pdf Fileni Link Ahi Mooku chhu. Je Dounload Kari shako chho. Jene Chhapeli Nakal Joiti Hoy Te rubru melvi shakshe. je dounload kare te janavshe to vadhu majaa aavshe.

દોસ્તો,
મારું ૨૮મું પુસ્તક તૈયાર થઈ ગયું છે. જેની પીડીએફ ફાઈલની લિંક અહીં મૂકું છું. જે ડાઉનલોડ કરી શકો છો. જેને છાપેલી નકલ જોતી હોય તે રૂબરૂ મેળવી શકશે. જે ડાઉનલોડ કરે તે જણાવશે તો વધુ મજા આવશે.

https://sagarramolia.wordpress.com/2019/06/01/ame-to-karigar-balgeeto/

સોમવાર, 27 મે, 2019

સજા

આપતો નહિ પ્રભુ! સુખે કોઈના બળવાની સજા,
પાપના કોઈ વળાંકે વાંક વળવાની સજા.

દુનિયા લાગી હોય વાંધા કાઢવા મારા ભલે,
આપજે ત્યારે તું અપમાનોને ગળવાની સજા.

તૂટતા ચાહે મુસીબતના પહાડો સામટા,
માગતો તોયે ન કોઈને હું છળવાની સજા.

જિંદગી તો છે કસોટીઓ કરે પણ એ ખરી,
શીદ ચાહું કાયરોની જેમ ઢળવાની સજા!

જિંદગીભર મૌન રે'વાનું ભલે 'સાગર' મળે,
દેતો નહિ અળખામણાને ક્યાંય મળવાની સજા.

- 'સાગર' રામોલિયા

સોમવાર, 18 ફેબ્રુઆરી, 2019

મને

મને (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

આમ થોડો એમ ઝાઝો રોજ કાં કાપો મને!
આશા તો છે એટલી, થોડોક - પણ છાપો મને.

રાત છે ઠંડી ઘણી ને ઠૂઠવે સંસાર છે,
ને થયો હું તાપણું, આવી અહીં તાપો મને.

એટલી વીતી શી વય? સંબોધનો બદલાય છે,
કોઈ ભાઈ કોઈ કાકો કોઈ કે' બાપો મને.

હોય 'સાગર'ને શું? મસ્તીમાં રહે એ રાચતો,
વામણો માનવ હું, મોટાઈમાં ન માપો મને.

ના ગઝલ આપી શકું, 'સાગર' ગુનો મારો નથી,
કો' દુભાયું મન હશે, મળ્યા હશે શ્રાપો મને.

'સાગર' રામોલિયા

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019

છેતાળીસનો થયો

છેતાળીસનો થયો
**************

પડતાં-આખડતાં આટલે પહોંચી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

વાંધા-વચકાં થયાં હશે
ને કદી મુખ મલક્યાં હશે,
ગલી-ગલીના નાકે ત્યારે,
દોસ્તીનાં તીર વછૂટયાં હશે;
આમ કરતાં સમય સરકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

ક્યારેક વળી તડાફડીમાં
સમય પણ અટવાયો હશે,
છતાંયે એમાંથી ત્યારે
કોઈક તો માર્ગ કઢાયો હશે;
આમ સમય તો સાવધાન વર્તી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

કોઈએ નફરત કરી હશે,
તો કોઈએ ચાહ્યો પણ હશે,
આ 'સાગર' કોઈ હૈયે તો
આનંદ બની લહેરાયો પણ હશે;
જિંદગીનું આ સુખ જાણી મલકી જ ગયો,
આજે હું છેતાળીસનો થઈ જ ગયો.

'સાગર' રામોલિયા
તા. ૧/૨/૨૦૧૯

સોમવાર, 14 જાન્યુઆરી, 2019

હશે

હશે (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

રોજ આવી કોઈ ડોકાયું હશે,
તેથી મુખ બારીનું શરમાયું હશે.

રંગ રાતો આભમાં રેલાયો છે,
નાર કો'નું કંકુ ઢોળાયું હશે.

ભાર હળવો બારણાનો હો થયો,
જ્યારે તાળું તેનું ખોલાયું હશે.

બાગનાં ફૂલો ભરી બેઠાં સભા,
ચ્હેરો જોતાં ટોળું ખેંચાયું હશે.

આમ 'સાગર' ગોથાં ખાતો આવતો,
ત્યાં પરીનું પીંછું જોવાયું હશે.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

ઈશ્વરકૃપા

ઈશ્વરકૃપા (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આ ગઝલ મનમાં વસે, મોટી દયા તારી નથી?
એ વિનાની વાત સૂઝે, એ દશા મારી નથી.

પ્રેમની જ્યાં વાત આવે, ખીલતી સોળેકળા,
તેના લીધે જિંદગી બનતી કદી' ખારી નથી.

તારા સંગે પામતી લાવણ્યતા જો આ ગઝલ,
આ જગતને જોવા સુંદર બીજી તો બારી નથી.

ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી',
એ જરૂરી હોય, માની એમ તે ઠારી નથી.

આ ગઝલ રૂઆબથી 'સાગર' વસે છે સૌ દિલે,
ને બની જાતી અડીખમ, ક્યાંય તે હારી નથી.

'સાગર' રામોલિયા

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

શહેરને થયું છે શું? (ગીત)

કહોને! શહેરને થયું છે શું?
ચડી છે ઠંડી? કે લાગી છે લૂ?
કહોને! શહેરને થયું છે શું?

કદી'ક ડૂસકે-ડૂસકે રડે છે,
કદી'ક વળી હિબકે ચડે છે;
કદી'ક લાશરૂપે જોઉં છું,
કહોને! શહેરને થયું છે શું?

ચાલ બધે દમીયલ દેખાય,
ઘરોઘરમાં ઝાંખપ પથરાય;
કયાંક બળવાની આવે છે બૂ,
કહોને! શહેરને થયું છે શું?

ક્યો વૈદ્ય જાણી શકે એની નાડી,
શીદ અવળી ચડી આ શહેરની ગાડી!
હે, ઈશ્વર! થોડી સમજ આપ તું,
કહોને! શહેરને થયું છે શું?

'સાગર' રામોલિયા

ગુરુવાર, 19 જુલાઈ, 2018

આભે સવારી

આભે સવારી (ગઝલ)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,
આખું જગ ડોલાવવા તેને  ધખારી હોય છે.

સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,
કયાં કદીયે જાતને કો'એ ટપારી હોય છે?

આમ તો એકાંતવાસી, કયાં કદી' કો'ને મળે!
થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.

ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,
સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.

માન 'સાગર' તેમને દો એટલું ઓછું પડે,
માણસો આવાની તો આભે સવારી હોય છે.

'સાગર' રામોલિયા

મંગળવાર, 22 મે, 2018

પછી ફોન કરજો! (ગઝલ)

લગાગા લગાગા લગાગા લગાગા

મને સંઘરું છું, પછી ફોન કરજો!
બધે તો' ફરું છું, પછી ફોન કરજો!

બજારે ખરીદું, નથી તોય ચિંતા,
મને વાપરું છું, પછી ફોન કરજો!

ન સમજાવ એવો રહું નહિ જરાયે,
મને આછરું છું, પછી ફોન કરજો!

નથી દાંત ઉંદર સમા, તોય આ શું?
સમય કાતરું છું, પછી ફોન કરજો!

કદી' તો મળે રાહ 'સાગર' નવો કો',
મને ચાતરું છું, પછી ફોન કરજો!

'સાગર' રામોલિયા

બુધવાર, 16 મે, 2018

પરિચય

ટહુકાના દેવતાઓ...
ટહુકતો મોરલો....
મારી આલમનું અણમોલ મોતી.
મોરારીબાપુ રામાયણ લઈને આવ્યા.
રમેશ ઓઝા ભાગવત લઈને આવ્યા.
નારાયણ દેસાઈ ગાંધી કથા લઈને આવ્યા.
સાગર સાહેબ સરદાર વલ્લભકથા લઈને આવ્યા. હાલ સુધીમાં તેમનાં ૨૭ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
સમયે સમયે આપણને વક્તાઓ મળતાં રહ્યા.નવી કથાઓ મળતી રહી.એના ગાયકો અને શ્રોતાઓ પણ મળતાં રહ્યા.
મારે મેસેજથી ઘણીવાર વાત થાય.એમનો આગ્રહ રહ્યો કે સરદાર કથાનું આયોજન કરો.એક શિક્ષક જે બહુમુખી પ્રતિભા ધરાવે છે.
સાગર સાહેબ આપ સાગર નથી.
સાગરનું અણમોલ મોતી છો આપ.
આવા અણમોલ મોતી ની પરખ મને મોડામોડા થઈ.
આ પ્રતિભા ને
આ મહામાનવ ને કયા શબ્દોના શણગાર થી મઢુ....?
આપ સરદારપીઠ પર બિરાજો છો.
સરદારના ગાયક છો.
એટલે આપ સરદારબાપુ છો.
આવા પૂજ્ય સરદારબાપુને મારી આલમ દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવે છે.
આપે સરદારની પ્રતિભાને ગાઈ છે.
ગુજરાતના ખમીર ને વંદયુ છે.
ગુજરાતની અસ્મિતાને આરાધ્યું છે.
સાથે સાથે બાલદેવો ની પણ સ્તુતિ કરી પરમને પોકાર્યા છે.
શિક્ષકની આલમને દિવ્યતા બક્ષી છે.
જામનગર ના આ રતન
જામ સાહેબ ની ધરતીએ અર્પણ કરેલા આ સરદાર દિલ સપૂત ને મારુ ગુજરાત ભાવથી ભજે છે....
એમની પ્રતિભાને ઉજાગર કરતો પરિચય જે દિવ્યકાંત પટેલે આપ્યો હતો એ અહીં મુકું છું....
‘સાગર' રામોલિયાનો ‘આજકાલ' સાંઘ્ય દૈનિકમાં છપાયેલ પરિચય
‘આજકાલ'ની લોકપ્રિય કોલમ ‘બાલતરંગ'ના બાલમિત્રો, છેલ્લા ઘણાં સમયથી તમે જેમની બાલવાર્તાઓ અને બાલકાવ્યો વાંચો છો તે ‘સાગર' રામોલિયા માત્ર ધંધે જ નહીં વ્યવસાયે પણ શિક્ષક છે, કારણકે શિક્ષકત્વ એમનાં હાડકાંની મજજા સુધી પહોંચી ગયું છે. એવા ‘સાગર' રામોલિયા જેઓ મહાનગર જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે.ભરજુવાનીમાં જ જેમનું માનસ બાલ સમર્પિત છે, એવા ‘સાગર' સાહેબનો જન્મ જામનગરના પાદરમાં આવેલા નાનીમાટલી ગામે 1973ની પહેલી ફેબ્રુઆરીએ થયો હતો. ગુજરાતી કવિ વેણીભાઈ પુરોહિતના જન્મદિવસે જ સ્તો! મહાકવિ પ્રેમાનંદનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર પણ આ જ દિવસે જન્મેલા. ફેબ્રુઆરી શબ્દ ‘ફેબ્રેએરીયુસ'નો તદ્‌ભવ છે. લેટિનભાષામાં એનો અર્થ થાય છે, શુદ્ધ કરવું. પ્રાચીન રોમન સભ્યતામાં ફેબ્રુઆરી માસ પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિ માટેનો ગણાય છે, આપણા પુરુષોત્તમ માસની જેમ જ.ભાઈ રામોલિયાના હાથે એમના ગજા પ્રમાણે ગુજરાતી પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કંઈક થશે એવા સંકેતરૂપે જ ભગવાને એમને આ ક્ષેત્રમાં પડવા માટે એસ.એસ.સી. પછી પી.ટી.સી.કરાવ્યું અને શિક્ષણક્ષેત્રનો વ્યવસાય સ્વીકાર્યા પછી પણ તેઓ ભણતા રહ્યા અને હિન્દી વિષય સાથે સ્નાતક થયા. શિક્ષક થવું એ માવતર થવાનો કીમિયો છે. બધાને ‘માસ્તર' થતાં નઆવડે. જેની પાસે ‘મા'નું હેત ભરેલું હૈયું હોય અને બાપની માર્ગદશર્ક આંખ હોયએ જ ‘માસ્તર' થઈ શકે. આ નવયુવાન ‘સાગર' રામોલિયામાં બાળકોને કંઈક ભણાવવાની અદમ્ય ઈચ્છા તો હતી જ. એ ઈચ્છાએ જ એમની કલ્પનાને નવો આલોક આપ્યો અને એમના હૈયામાંથી બાલકાવ્યો, બાલવાર્તાઓ,જોડકણાંઓ રૂપે બાલસાહિત્ય સર્જાવા લાગ્યું. સાથે સાથે ગઝલો અને હઝલોમાંપણ સફળતાપૂર્વક હાથ માર્યો. એમને મળ્યા પછી એવું ચોક્કસ લાગે કે એમના સાહિત્ય સર્જન પાછળ અનુભૂતિનો આવેગ છે. તે નિશ્ચિતપણે બાલપ્રેમી છે. જે એક સારા શિક્ષકનું લક્ષણ છે. શિક્ષણકાર્ય સમયેએમના વર્ગખંડમાં ચોકોર છવાયેલી ચેતના એમનો બાલપ્રેમ સૂચવે છે. બાલશિક્ષણક્ષેત્રે તેઓ ભવિષ્યમાં પણ ઉણા ઉતરે એવું હાલમાં તો લાગતું નથી. પણ એમનું સાચું વ્યકિતત્વ તો ઉભરે છે એમનાં સાહિત્ય સર્જનમાં. ગદ્યમાં એમણે બાલવાર્તાઓ ઉપર કલમ અજમાવી છે.ગુજરાતના એક જાણીતા સાંઘ્ય દૈનિક ‘આજકાલ'માં તેઓ નિયમિત બાલવાર્તાઓ લખે છે. જામનગરના કવિ ભૂપેન્દ્રશેઠ ‘નીલમ' એમના વિશે લખે છે,‘‘ભાઈશ્રી ‘સાગર' રામોલિયા નક્કર પરિણામની અપેક્ષાએ અવનવું લખે છે.જેમાં ગીત, ગઝલ, હઝલ, અછાંદસ, હાઈકુ, મુકતકો, મોનોઈમેજ વગેરે ગણી શકાય. વ્યકિતગત ચરિત્રોના પ્રલંબ કાવ્યો પણ લખે. બાલસાહિત્ય સર્જન સાથે હાસ્ય, કટાક્ષ-વ્યંગ રચનાઓ પણ હોય. જેમાં હઝલ પ્રમુખ છે. દીર્ઘકાવ્યો પણ લખે છે. પોતાની સર્જનશકિતને અર્થોપાર્જન અર્થે જોતરવાની તમા રાખ્યા વિના નિજાનંદ માટે લખ્યે જ જાય છે અને પ્રકાશિત પણ થયે જાય છે.''ગુજરાતી બાલસાહિત્યજગત એમની પાસેથી ઘણું પામશે એવું ચોક્કસપણે લાગે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાય મંજૂર થયેલ છે તેવાં બે પુસ્તકો ‘અંતાક્ષરી જોડકણાં' અને બાળવાર્તા સંગ્રહ‘હરખાનો હલવો' પ્રકાશિત થયેલ છે. જે બાળકોને ખૂબઆનંદ પમાડે એવું છે.અત્યાર સુધીમાં નાનાં મોટાં હજારેક કાવ્યો લખ્યાં હશે. સામાજિક વિધિનિષેધો અને મર્યાદાઓને આવરી લેતું ‘વિધવા' નામનું રપ00 પંકિતઓનું દીર્ઘકાવ્ય લખ્યું છે. સરદાર પટેલના જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું એક દીર્ઘકાવ્ય ‘સરદારનું ગીત' ૨૫00 પંકિતઓમાં લખ્યું છે. જે કાબિલેદાદ છે.અનુષ્ટુપ છંદમાં લખાયેલા આ કાવ્યમાંએ સમયનો ઈતિહાસ ઢબુરાઈને સૂતો છે.મા ભગવતીનાં ભકિતગીતો ‘ખોડલગીત' નામની પુસ્તિકામાં પ્રકાશિત થયાં છે. આર્યસમાજ, જામનગરે તેઓનું મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન પર આધારિત ‘દયાનંદગાથા' દીર્ઘકાવ્ય પણ પ્રકાશિત કર્યું છે. ‘મારી બલા' નામનો એક હાસ્ય સભર હઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ગુજરાતના અનેક આગેવાન સામયિકોમાં યથાવકાશ લખ્યે જ જાય છે. ગુજરાતના લગભગ વીસેક દૈનિકો,સાપ્તાહિકો અને માસિકોમાં એમની કૃતિઓ યથાવકાશ પ્રગટ થાય છે.‘સાગર' રામોલિયાનું વ્યકિતત્વ ઉભય પાસાંવાળું છે. જેમની સાથે મન પ્રાહવે-પ્રસન્નતા અનુભવે એમની સાથે કલાકો સુધી બોલ્યા કરે અને કયારેક કોઈની સામે બોલાવવામાંય મોંમાં આંગળાં નાખવા પડે. પણ એમના સાહિત્ય સર્જનની સફળતાનો ગ્રાફ યથાગતિએ ઊંચે ચડયે જ જાય છે. રાજકોટના ગીજુભાઈ ભરાડે કરેલ જ્ઞાનતુલા કાર્યક્રમ અંતર્ગત તેમનું બાળવાર્તાનું પુસ્તક ‘કાબેલ કાબર' પ્રકાશિત થયેલ છે. આ તેમજ અન્ય મળી ૩૬૫પુસ્તકોની શોભાયાત્રા રાજકોટમાં ફરેલ
 આ ‘સાગર' મહાસાગર બને એવી શુભેચ્છા સાથે
આવા મહાસાગરને અલગારી નત મસ્તક થઈ પોતાનો પૂજ્યભાવ અર્પણ કરે છે.
રાકેશ પટેલ......અલગારી

સોમવાર, 7 મે, 2018

દે!

(લગાગા લગાગા લગા લગા)

પ્રભો! થોડી તો ચાગલાઈ દે!
રહું મસ્ત એવી મલાઈ દે!

સદા હાથ લંબાવતો રહું,
ન જો હાથ આખો, કલાઈ દે!

રહે જે થકી ખુશ બધા અહીં,
જરાકેય એ ચાપલાઈ દે!

ભલું જો થતું હોય કો' તણું,
જરા જેટલી અંચલાઈ દે!

તું જો ઈચ્છે 'સાગર' ન થાય આ,
રહું ઠાવકો એ ભલાઈ દે!

-'સાગર' રામોલિયા

नहीं है

(गालगागा गागालगा गालगागा)

आज कोई संदेश आता नहीं है,
गीत कोई, कोई सुनाता नहीं है।

राम जाने क्या आज होता रहा है,
मैं जिसे बोलूँ, वह बुलाता नहीं है।

मैं खुशी अपनी बाँटना चाहता जब,
सामने कोई मुस्कुराता नहीं है।

क्या बजाता मैं, ताल कोई नहीं है,
सूर भी तो कोई सजाता नहीं है।

शुक्रिया 'सागर' मैं तहेदिल से मानूँ,
ना हसाये तो भी रुलाता नहीं है।

- 'सागर' रामोलिया

સવાર થયું

(ગાગાગાગા લગાલ લગા)

લો, હું જાગ્યો, સવાર થયું,
જાગી ભાગ્યો, સવાર થયું.

મારી આ આવડતના બળે,
મુજને તાગ્યો, સવાર થયું.

મારી જોયા ટકોરા મને,
નક્કર વાગ્યો, સવાર થયું.

કોઈ મનમાં વસી જ ગયો,
વા'લો લાગ્યો, સવાર થયું.

'સાગર' તુજને સવાર ફળે,
કો'એ માગ્યો, સવાર થયું.

- 'સાગર' રામોલિયા