.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 9 ફેબ્રુઆરી, 2014

કરો ખમૈયા (હઝલ)

(લગાગા લગાગા લગાગા લગાગા)
 

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા!
ગયા કાન પાકી, કરોને ખમૈયા!

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,
બધી એબ ઢાંકી, કરોને ખમૈયા!

ન મૂક્યા ક્દી પથ્થરોનેય આઘા,
જશે એય થાકી, કરોને ખમૈયા!

લગાવ્યા, હતા એટલા દાવપેચો,
ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા!

કહે વાત આવી ભલે ખૂબ સાગર,
હવે છે શું બાકી? કરોને ખમૈયા!

સાગર રામોલિયા

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

આનંદ થશે (ગઝલ)


મનને મુક્ત રાખીને આવ, આનંદ થશે!
મુખને મલકાવીને આવ, આનંદ થશે!

ગોઠડી થશે મીઠી, એમાં હશે નહિ રંજ,
ચિંતાઓ બધી છોડીને આવ, આનંદ થશે!

સુખી થવા માટેનો છે એક જ રસ્તો અહીં,
ફરિયાદો દૂર મૂકીને આવ, આનંદ થશે!

હરિયાળું હો મન, તો હરિયાળી દુનિયા,
શુષ્કતાઓ ખંખેરીને આવ, આનંદ થશે!

સાગરની આ દુનિયામાં મોજ છે મોજાંની,
આવ, તું મસ્ત બનીને આવ, આનંદ થશે!


સાગર રામોલિયા

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

પતંગ કાપો (ગઝલ)

સત્યના દોરે દૂરાચારનો પતંગ કાપો,
ન્યાયના શસ્ત્રે અનાચારનો પતંગ કાપો.

માનવી માનવીમાં મથે ભય ફેલાવવા,
અપમાનરૂપી પાપાચારનો પતંગ કાપો.

સૌના હક માટેની જ્યાં ભુલાય છે ભાવના,
ભુરાયા થયેલ ભ્રષ્ટાચારનો પતંગ કાપો.

નરાધમ છડેચોક કરે નાગડદાઈ,
એવાના નાગા નૃત્યાચારનો પતંગ કાપો.

સાગર સામે ચાલીને બનતા મૂર્ખ સૌ,
એવો મનના મૂર્ખાચારનો પતંગ કાપો.


- સાગર રામોલિયા

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

સરકાર છે (હઝલ)


આમ તો બધું ચાલ્યા કરે, સરકાર છે!
કદી વાએ વહાણ તરે, સરકાર છે!

દિન-રાતની રમતો હોય છે રમાતી,
પૃથ્વીની જેમ ચક્કર ફરે, સરકાર છે!

લૂંટ, ભ્રષ્ટાચાર, કિન્નાખોરી ને માથે ગોરખધંધા,
કોણ જાણે ક્યાં જઈ સરે? સરકાર છે!

જોઈ સારું સારું, ભાઈ મુખથી પડે લાળ,
તોયે મદદનું બહાનું ધરે, સરકાર છે!

સાગર એમાં વ્હાલાં-દવલાં હોય ન કશું,
જ્યાંથી મળે, જઈ ત્યાં ચરે, સરકાર છે!


- સાગર રામોલિયા

રવિવાર, 17 નવેમ્બર, 2013

બલા અને તેનો સાજન


તું ધગતો ધણી, હું તારી બાયડી સાજન,
જનમોના પાપે હું તને આથડી સાજન.

તારી કે મારી કોઈ ખબર નથી લેતું,
તૂટ્યું જોડું તું, હું પનોતી ચાખડી સાજન.

તારા-મારા અવાજે લોકો કાને હાથ દેતાં,
તું કૂડો કાગડો, હું કાળી કાગડી સાજન.

મળશે નહિ તારા-મારા સંબંધનો જોટો,
તું ઊનો ઢેબરો, હું ઊની તાવડી સાજન.

બલા કહે સાગરમોઢાં સડેલાં આપણાં,
તોયે બંનેને જોવા થાય પડાપડી સાજન.


- ‘સાગરરામોલિયા

બુધવાર, 13 નવેમ્બર, 2013

પ્રેમગીત


આમ તો આપણે રોજ સામા માળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
                   આમ તો આપણે...

કદી મળીએ પાંપણના પલકારે,
કદી સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન  કરીએ,
                   આમ તો આપણે...

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
                   આમ તો આપણે...

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
                   આમ તો આપણે...


- સાગર રામોલિયા

સોમવાર, 4 નવેમ્બર, 2013

રવિવાર, 13 ઑક્ટોબર, 2013

રાવણને મારો


મનમાં બેઠેલા રાવણને મારો,
ખૂબ જ છકેલા રાવણને મારો.

ભ્રષ્ટાચાર નામે ભોરીંગ છે ઊભો,
નીતિથી વંઠેલા રાવણને મારો.

મનના ગુલામો હાંવ કરો હવે,
મતિભ્રષ્ટ થયેલા રાવણને મારો.

ક્યું ક્ષેત્ર છે બાકી હવે લૂંટવામાં,
હદને ભૂલેલા રાવણને મારો.

સાગર જુવોને વળ્યો આંક આડો,
તોફાને ચડેલા રાવણને મારો.

સાગર રામોલિયા

રવિવાર, 6 ઑક્ટોબર, 2013

ફૂલોની રસમ (ગીત)


(રાગ : બહુત પ્યાર કરતે હૈ... સાજન)
http://www.youtube.com/watch?v=jJGRqlvRuOo
જગમાં ફૂલોની છે અનોખી રસમ, (૨)
હસે ને હસાવે, હસે ને હસાવે,
                દૂર કરે ગમ, જગમાં...
ફૂલોની દુનિયા છે ભારે બહુરંગી, (૨)
એવાં મળી જાય, જાણે સુખ-દુ:ખના સંગી,
વાયુને મહેકાવે, વાયુને મહેકાવે,
                છોડે એ ફોરમ, જગમાં...
ફૂલોની ફૂલવાડીનો અનોખો પરિવાર, (૨)
આનંદમાં લહેરાતાં, દુ:ખ ન લગાર,
મસ્તીમાં રચાવે, મસ્તીમાં રચાવે,
                નાચે છમછમ, જગમાં...
મધમાખી-કીટકોની મજાની બજાર, (૨)
હસી-ખુશી ફેલાવતાં પ્રેમ એ અપાર,
કામણ ફેલાવે, કામણ ફેલાવે,
                ચમકે ચમ-ચમ, જગમાં...
ફૂલોની દુનિયામાં કરો જો નજર, (૨)
તેમાં ડૂબો તો થાય નશાની અસર,
રંગોથી સજાવે, રંગોથી સજાવે,
                દુનિયા હરદમ, જગમાં...

-         'સાગર' રામોલિયા

રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013

સુનામી (મોનોઈમેજ)


(૧)
 સુનામી
એટલે
આંધળો રાક્ષસ.
(૨)
દરેકના મનમાં
દિવસમાં એકવાર તો
આવે છે
સંશયનું સુનામી.
(૩)
સમુદ્રમાં
સુનામી
આવે તો?
લાશોનો ઢગલો...!
(૪)
કવિના મનમાં
ઉદભવે સુનામી
તો થાય
શબ્દોનું નવસર્જન.
(૫)
કૌરવોના મનમાં
આવ્યું સુનામી,
તો શું થયું?
મહાભારત....!
-         - સાગર રામોલિયા

બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013

Mono-Image પંખો (મોનોઈમેજ)

(૧)
પંખો
ગોળ-ગોળ
ફર્યા જ કરે.
ચક્કર
નહિ આવતાં હોય!

(૨)
 પંખો જણે
સુદર્શન-ચક્ર.
પેલું
પાપીને કાપે,
ગરમીને.

(૩)
 પંખો
કેવો નિર્દય!
ગરમીમાં જ
અટકી પડે...

(૪)
 પંખો તો
મોટો ચિત્રકાર!
ફરતાં પાંખિયાંથી
રચે
અનેક રંગોળીઓ.

(૫)
 પંખો
હવા આપે,
કચરો હરે,
એટલે તો
થોડા દિવસોમાં
ગંદો...

(૬)
ચકરાતા
પંખા સામે જુવો!
મગજ
ચડશે ચકરાવે...

- સાગર રામોલિયા

રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013

Mono-Image રુંવાટી (મોનોઈમેજ)


(૧)
રુંવાટી
એટલે શું?
કોણ કહેશે?
(૨)
 રુંવાટી જાણે
કૂતરાની પૂંછડી.
પેલી વાંકી
ને આ?
ગમે ત્યારે ઊભી!
(૩)
રુંવાટી જાણે
અભિમન્યુનો
સાતમો કોઠો,
કોઈ
ભેદી શક્યું?
(૪)
રુંવાટી
રમત રમે,
ઊભીંગ-બેઠીંગની.
(૫)
દોસ્તી તો
રુંવાટી-ચામડીની.
ખેંચાય રુંવાટી,
દર્દ ભોગવે
ચામડી.
(૬)
રુંવાટીને
અભરખો
ચોટલો થવાનો,
પણ
વેક્સ
તેમાં
પાણી ફેરવે.
- સાગર રામોલિયા

મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

મને હીરો હોવાનો વહેમ છે (ગીત)

મને હીરો હોવાનો વહેમ છે (ગીત)
(રાગ : પૈસા પૈસા કરતી હૈ)

કોઈ ન પૂછે કેમ છે!
મને હીરો હોવાનો વહેમ છે.
કંઈ નવીન  નથી જરાયે,
બધુંય જેમનું તેમ છે.
બાગમાં જૈ ફોટા પડાવું,
પાગલ બનીને ફરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

ઝાડના ટેકે ડોલતો,
આંખથી રસ્તો તોલતો,
ધ્યાન ખેંચવા સૌનું હું,
આડું-અવળું બોલતો,
વહેમ મારો પોષવા માટે
મનમાં વહેમ ભરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

જળધોધની નીચે જઈને
છબછબિયાં હું કરતો રે,
નટ-નટીને નાચતાં જોઈને,
મનમા6 બળીને મરતો રે,
ખોટાં-મોટાં સપનાં જોઈને,
ઊંચે આભમાં વિહરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

બાગ-જંગલ, નદી-તળાવ,
કંઈ બાકી રાખ્યું ના,

હીરો હોવાનું એક લક્ષણ,
ભલે મુજમાં નાખ્યું ના,
હીરો હોવાની સાબિતીઓ,
હું સૌની સામે ધરું,
વહેમ એવો ઘૂસી ગયો કે
મોટાં નખરાં કરું. (૨)

સાગર રામોલિયા

ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013