.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 22 જુલાઈ, 2012

સપનાં (ગઝલ)


લાગણીનો સાર સંસાર છે સપનાં,
દેવની દીધેલ પતવાર છે સપનાં.

મૃગજળ જોઈ રણે જીવડો ટકતો,
જીવવાનો એમ આધાર છે સપનાં.

શોકમાં આવી હરખ તે ભરી દેતાં,
જિંદગીનો એ ચમત્કાર છે સપનાં.

રાજવી ખુદ છે ત્રણે લોકનો મોટો,
રોજ મળતો રાજદરબાર છે સપનાં.

થાય સાગર રોજ મન સાથ અથડામણ,
કવિકલમનો ઉચ્ચ રણકાર છે સપનાં.

- સાગર રામોલિયા

રવિવાર, 15 જુલાઈ, 2012

આવ્યો છું (હઝલ)

માનતા નહિ કોઈ ધમાલ લઈ આવ્યો છું,
ને માનો તો બગડેલો ફાલ લઈ આવ્યો છું.

ચૂમી તો જુઓ, દાંત ખાટા થઈ જશે,
પરસેવે રેબઝેબ ગાલ લઈ આવ્યો છું.

ત્રેવડ નથી કોઈ મારો વાળ વાંકો કરે!
જુઓ કેવી લીસી લીસી ટાલ લઈ આવ્યો છું!

બાજુમાં તો ચાલી જુઓ, નીચે જઈ પડશો,
આમ-તેમ ફંગોળાતી ચાલ લઈ આવ્યો છું.

‘સાગર’ ગમે તેવું કહો, અસર નહિ થાય,
બંને કાનમાં હું હડતાલ લઈ આવ્યો છું.

- ‘સાગર’ રામોલિયા

શનિવાર, 7 જુલાઈ, 2012

વરસાદ આવે (મોનોઈમેજ કાવ્ય)














(1)
કદીક
દુર્વાસાના શાપની જેમ
કદીક
ઘરડા-માંદા બળદની જેમ
આવે વરસાદ.
(2)
કબરમાં સૂતેલ
મડદામાં પણ
જગાવવી હોય તરસ,
એ રીતે 
આવે કદીક.
(3)
બાષ્પીભવનમાં
બાકી રહેલી
ખારાશને લીધે
સમુદ્ર જ્યારે
ઉલ્ટી કરવા લાગે,
ત્યારે માંડ આવે.
(4)
વૃક્ષો
નગ્ન બની
શરમ છોડે ત્યારે
આ બેશરમી આવે.
(5)
પોતાને
કર્ણ માનતો એ
જીવ મરે ત્યારે
દાન દેવા આવે.
(6)
વાદળમાં સંતાઈ
રમે સંતાકૂકડી,
પકડનાર થાકે
બેભાન બને ત્યારે
આવે લુચ્ચો વરસાદ.
(7)
ઘનઘોર
બન્યું હોય આભ,
તોયે ટીપે ટીપે આવે,
જાણે
મગર આંસુ પાડે.....


- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 1 જુલાઈ, 2012

મૃગજળ (મોનોઈમેજ કાવ્ય)

(1)
વણભેદાયેલો
અભિમન્યુનો
સાતમો કોઠો
એટલે મૃગજળ.
(2)
મૃગજળ
બની ગયેલ વિદ્યા
એકલવ્યે મેળવી
ને
કર્યો ભંગ
કુદરતી નિયમનો.
(3)
મૃગજળ
એટલે
કાળની થપાટોમાં
અસ્ત પામેલ
જળનું અસ્તિત્વ.
(4)
ખુલ્લી આંખનું
બનીને સ્વપ્ન
મનોભૂમિ પર છવાતું
ને આંખ બંધ થતાં
હતું – ન હતું...
(5)
મૃગજળમાં જીવવું
વિલીન થવું,
વણલખ્યો
સંસારી નિયમ.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 24 જૂન, 2012

રોતલ ચહેરા

 
નથી ખબર આ કયા જનમના ફેરા છે,
હાસ્યની નગરીમાં રોતલ ચહેરા છે.
 
કલ્પનાના રસ્તે કેમ વધું હું આગળ,
જોઉં છું આગળ તો કવિઓના ઘેરા છે.
 
આખા નગરમાં કાંસકાનાં કારખાનાં,
રહેનાર તેમાં બધાં જ ટાલકેરા છે.
 
શેર શરૂ થયા પે’લા સાંભળ્યું ‘વાહ, વાહ’,
માની લીધું ત્યારે બધાં જ અદકેરા છે.
 
‘સાગર’ બલાએ સજાવી છે મહેફિલ,
પરંતુ તેમાં બેઠેલા બધા બહેરા છે.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 17 જૂન, 2012

એ પણ માણસ છે

 
ચોર થઈ ચોરી કરતો એ પણ માણસ છે,
પાપનાં પોટલાં ભરતો એ પણ માણસ છે.

મનનો માનસિક તણાવ દૂર કરવા,
દારૂ પી મસ્ત ફરતો એ પણ માણસ છે.

ઓછી બુદ્ધિવાળો એ અનેક અત્યાચાર કરે,
અત્યાચારને આચરતો એ પણ માણસ છે.

મે’નત વગરનું જીવન જીવવા બને કપટી,
ખૂબ અનેકને છેતરતો એ પણ માણસ છે.

ઘેર ઘેર ભટકે છે પેટનો ખાડો પૂરવા,
ભીખ માગી માગી મરતો એ પણ માણસ છે.

‘સાગર’ પૂરાં કપડાં-પોષણ મળતાં નથી,
દીન બની નગ્ન ફરતો એ પણ માણસ છે.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 10 જૂન, 2012

બની જાય છે


ઈશ્વર અવળો ન્યાયદાર બની જાય છે,
કે સુખી અચાનક બેકાર બની જાય છે.

ગરીબ બિચારા તનતોડ મે’નત કરે,
ગુંડા રાતોરાત પૈસાદાર બની જાય છે.

મહેનતું મહેનત કરી-કરીને મરે,
ને ભિખારી નાણાં ધિરનાર બની જાય છે.

જગતમાં જરા કંઈક ચમત્કાર કરી,
સામાન્ય માણસ અવતાર બની જાય છે.

‘સાગર’ જિંદગીમાં નહિ રાખીએ ભાન તો,
જીવન દૂષણોનું શિકાર બની જાય છે.

- ‘સાગર’ રામોલિયા (date:24-6-92)

રવિવાર, 3 જૂન, 2012

જાવું છે


મારે જાવું છે કુંજગલીમાં કોયલ સાથે ગાવા,
મારે જાવું છે ફૂલઘાટમાં ભમરા સાથે ન્હાવા.
કોયલ બોલે કૂ કૂ કરે,
મીઠા ટહુકે કુંજ ભરે.
હારે, મારે જાવું દેવના દર્શને નિરખી જોવા,
પ્રભુજીને વિનવીને મારે આજે દુ:ખડાં ખોવા.
આરતી થાય, નગારાં વાગે,
દર્શનથી તો દુ:ખડાં ભાગે.
હારે, મારે જાવું છે મોરલા પાસે નાચ નાચવા,
કે અષાઢી મેઘને જોઈ ચડતું ઘેન યાચવા.
મોરલા નાચે થન થન,
કે સાથે નાચે મારું મન.
હારે, મારે જાવું ગાઢ વન વાંદરા સાથે લડવા,
કે ઊંચાં ઊંચાં વૃક્ષો પર છલાંગ મારી ચડવા.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 27 મે, 2012

લે હવે હાલતો થા!


ખૂબ નાચ્યો, ખૂબ ડોલ્યો, લે હવે હાલતો થા!
ચંદ્ર સૂર્ય સાથે તોલ્યો, લે હવે હાલતો થા!

શું બોલ્યો એનું ભાન ન રાખ્યું, બોલ્યે રાખ્યો!
મૂર્ખામીનો ખજાનો ખોલ્યો, લે હવે હાલતો થા!

ઈર્ષા રાખીને તું બીજાનું કામ કરવા ગયો?
કામ ન થયું હાથ છોલ્યો, લે હવે હાલતો થા!

સ્થળ-સમયનું ભાન રાખી રહે મારા ભાઈ!
હતું તેનું જુદું બોલ્યો, લે હવે હાલતો થા!

‘સાગર’ તારી ત્રેવડ હતી એટલું તો મથ્યો,
સમયને તેં ખૂબ ઠોલ્યો, લે હવે હાલતો થા!

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 20 મે, 2012

શું કરું?


આઘે ન જવાય શું કરું?
પાસે ન રે’વાય શું કરું?

પેટમાં થયો છે અપચો,
અન્ન ન ખવાય શું કરું?

આંખો બની ગઈ અંધ,
કંઈ ન દેખાય શું કરું?

દુ:ખ દુભાવે છે મનમાં,
આંસુ ન સુકાય શું કરું?

યત્ન કરું હર્ષ માણવા,
માણ્યું ન મણાય શું કરું?

‘સાગર’ મનાવ્યું મનને,
તોયે ન મનાય શું કરું?

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 29 એપ્રિલ, 2012

કવિને

(ગુજરાત સાપ્તાહિક તા.૨૯/૧૧/૧૯૯૨માં છપાયેલ)

માનવમાંથી કવિ થયો, બદલી તેં રફતાર,
નિર્જીવને સજીવમાં જોઈ કાઢ્યો તેં એનો સાર.

પથ્થરોને બોલતા જોયા, જાણ્યો તેં એનો વિચાર,
આકાશ-પાતાળને ખૂંદતા તને ન લાગી વાર.

દેહ તારો ઘરમાં ને મન કરે સમુદ્ર પાર,
જરાક ન બેસ ત્યાં વિચારોની આવે વણજાર.

વિહંગ સાથે નભે ઊડ લઈ કલ્પનાનો આધાર,
વાગ્યા કાંટાને કીધો તેં મઘમઘતો ગુલઝાર.

પહોંચી શક્યું ન આકાશે કોઈ, રસ્તો સૂનકાર,
કલ્પનાની પાંખે ઊડી, બન્યો પ્રથમ પોં'ચનાર.

સૌ ચાલે સરળતાથી, તેં ઉપાડ્યો મનમાં ભાર,
સ્વપ્નોની સેજમાં તેં જોયો ઈશ્વરનો દરબાર.

માગીશ ન કશું પ્રભુ પાસે, કર એક કરાર,
કે બધા કવિઓને ગુજરાનનો દે અધિકાર.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 22 એપ્રિલ, 2012

ગઝલની આસપાસ


દીઠો એક ચહેરો ગઝલની આસપાસ,
ભરતો એ પહેરો ગઝલની આસપાસ.

કલ્પનાનો મહાસાગર ઉછળવા માંડે,
ને ઉઠતી લહેરો ગઝલની આસપાસ.

મનડાના મોરલિયા જો ગહેકવા લાગે,
રંગ જામે ગહેરો ગઝલની આસપાસ.

ગઝલનાં ફૂલોની ફેલાય જાય ખુશબૂ,
મુગ્ધ બને શહેરો ગઝલની આસપાસ.

આનંદફુવારો જેની અંદર વછૂટશે,
તેની થશે મહેરો ગઝલની આસપાસ.

સાગર દિલથી સાંભળનાર અહીં આવે,
આવે ન કો બહેરો ગઝલની આસપાસ.

સાગર રામોલિયા

રવિવાર, 15 એપ્રિલ, 2012

કેવી મજા!















ચંદ્રની જેમ ચાંદની મળે જો
રાતે શીત પ્રકાશ આપી,
રોજ અંગ વધારી-કાપી;
વિહરવાની કેવી મજા!

મોરલાની જેમ નાચ મળે જો

મેઘ સાથે ગળગળાટ કરી,
નાચ નાચું થનગનાટ કરી;
તો નાચવાની કેવી મજા!

ઝાડવાની જેમ મૌન મળે જો

પથિકોને આશરો આપી,
પરોપકારે પુણ્ય પામી;
જીવવાની તે કેવી મજા!

પવનની જેમ પ્રાણ મળે જો

દેશ ને પરદેશ ફરી,
દુનિયાની સફર કરી;
ઘૂમવાની તે કેવી મજા!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 8 એપ્રિલ, 2012

ફૂલો ખીલ્યાં


કુદરત હસી ને ફૂલો ખીલ્યાં,
લહેર ધસી ને ફૂલો ખીલ્યાં.

સર્જનહારે કોઈ જાદુઈ છડી,
હવામાં ઘસી ને ફૂલો ખીલ્યાં.

વસંતે બાગે બાગે જવાની,
કમર કસી ને ફૂલો ખીલ્યાં.

સૂર્ય આડેથી રજનીની ચૂંદડી,
દૂર ખસી ને ફૂલો ખીલ્યાં.

ચારેકોર અથડાતી હવા,
કળીમાં ફસી ને ફૂલો ખીલ્યાં.

નાજુક-નમણી પરીની છબી,
નિજમાં વસી ને ફૂલો ખીલ્યાં.

સુગંધી બની મહાલવાની વાત,
મનમાં ઠસી ને ફૂલો ખીલ્યાં.

કોઈ અલૌકિક ખડિયાની,
ઢોળાઈ મસી ને ફૂલો ખીલ્યાં.

દુનિયાને 'સાગર' ગાંડી કરવા,
પકડી રસી ને ફૂલો ખીલ્યાં.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 1 એપ્રિલ, 2012

मन (Mono-Image कविता)

(१)
मन को मारो
फिर भी
जिंदा...

(२)
मन कभी
दुःशासन बनकर
करता खुद का
वस्त्राहरन...

(३)
मन
समुद्र में
डूबता,
आग में जलता,
वायु में झिडकता...
फिर भी
वैसा ही वैसा...

(४)
स्पर्धा में
मन जीतता...

(५)
मन में
बैठी 'मा'
मन को समजाती,
फिर भी
साला
न समजता...

(६)
मन को
जो मारे
वो
मुनि बन जाये...

(७)
आप हारे
फिर भी
कमल जैसा
मन जीतता...!

- 'सागर' रामोलिया