.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 17 જુલાઈ, 2011

વિટંબણા


કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે.

રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે.

ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરરાજી રાખેલ છે.

હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે.

'સાગર' અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે?

'સાગર' રામોલિયા

રવિવાર, 10 જુલાઈ, 2011

ઝંખના (મુકતકો)


(૧)
પવનની જેમ ફરફરે ઝંખના,
વરસાદીબુંદે ઝરમરે ઝંખના.
'સાગર' તને મળીને શીખ્યો એટલું,
વિરહમાં દિલે ઘર કરે ઝંખના.
(૨)
ઝંખનામાં તરફડું, યાદ કરું તને,
હાલતાં-ચાલતાં પડું, યાદ કરું તને.
'સાગર' આટલેથી કેમ કરી અટકે?
ઝંખનાના નીરે રડું, યાદ કરું તને.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 3 જુલાઈ, 2011

એક આદમી


વિધિના વિધાને બેઠો એક આદમી,
પછી પડી જાય હેઠો એક આદમી.

એમના માટે તો નહોતી કોઈ બારી,
તોયે ક્યાંથી આવી પેઠો એક આદમી.

ચાલે નીતિ પ્રમાણે કુદરતચક્ર,
રાખતો કદી ન નેઠો એક આદમી.

ચખાય જાય જુલમી દુનિયામાં તો,
પાપથી થૈ જાય એઠો એક આદમી.

રોકવા છતાંયે 'સાગર' ન રોકાયો,
પનારે પડેલો વેઠો એક આદમી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 26 જૂન, 2011

મસ્ત ચહેરો


બજારેથી લીધો ચહેરો, મસ્તીનો શોખીન છે,
લથડ્યા ખાતા જાણ્યું, બાટલીનો શોખીન છે.

ચહેરાથી નીકળવા લાગ્યા ધુમાડાના ગોટા,
માન્યું મરદનો ગગો આ બીડીનો શોખીન છે.

કાગળ જોઈ ચહેરો નંબર શોધવા લાગે,
કોઈએ કહ્યું વીરલો લોટરીનો શોખીન છે.

ચહેરા ઉપર સદા માખીઓ બણબણતી,
ખબર પડી આ તો પાણીપૂરીનો શોખીન છે.

'સાગર' અચાનક એને ઝાપટ એક પડી,
ખબર પડી ત્યારે આ છોકરીનો શોખીન છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 19 જૂન, 2011

ખુરશી


(ભારત દેશમાં
સહન કરે
બે જ પાત્રો,
એક જનેતા
અને
બીજી જનતા...)

માનવને મહાન બનાવે ખુરશી,
ઝળહળતું માન અપાવે ખુરશી.

આવડી જાય એનું કરતા જતન,
તો પ્રભુ તરીકે ઓળખાવે ખુરશી.

મોહિની બનીને આવી છે સંસારમાં,
ભ્રષ્ટાચારમાંયે સપડાવે ખુરશી.

એતો ગણાય છે ચંચળતાની દેવી,
ને ગુંડાગીરી પણ કરાવે ખુરશી.

બનાવી પણ શકે છે પૈસાનો દાસ,
નૈતિક પતનમાં પડાવે ખુરશી.

'સાગર' ચખાય જો એકવાર સ્વાદ,
પછી વારંવાર લલચાવે ખુરશી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 12 જૂન, 2011

તિખારો


સિતારો પડે છે,
મિનારો પડે છે.

ભૂલોથી ધુતારે,
પનારો પડે છે.

કદી બંધુ વચ્ચે,
દરારો પડે છે.

જરા-સા વળાંકે,
ઉતારો પડે છે.

બગીચે અકાળે,
બહારો પડે છે.

અહીં વાતવાતે,
કરારો પડે છે.

હું 'સાગર' બળું છું,
તિખારો પડે છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 5 જૂન, 2011

ખુરશીનો ઘડિયો


ખુરશી એકા ખુરશી
ખુરશી દુ દાદાગીરી
ખુરશી તેરી તાનાશાહી
ખુરશી ચોક ચમચાગીરી
ખુરશી પંચા પેંતરાબાજી
ખુરશી છક છેતરપીંડી
ખુરશી સત્તા સત્તાપલટો
ખુરશી અઠા અલગપક્ષ
ખુરશી નવા નવી સરકાર
ખુરશી દાણે દમ નીકળે........!
(ખુરશી દાણ દમનગીરી એવું પણ ચાલે
અને ખુરશી દાણ દંગાફસાદ એવું પણ ચાલે.)

- 'સાગર' રામોલિયા

રવિવાર, 29 મે, 2011

દેજે


જીવવા દુનિયામાં રિવાજ દેજે,
પામવા ભોજન કામકાજ દેજે.

પ્રેમના પાણીથી ભરેલ વાદળ,
વરસવા માટે વીજગાજ દેજે.

વાટ જોઈ તારી ન જાવ થીજી,
એ પહેલા આવી અવાજ દેજે.

એક ઈચ્છા, સંગીતમય જગ હો,
તું મદદમાં અણમોલ સાજ દેજે.

આજ 'સાગર' માગે ન ચીજ મોટી,
કલ્પનાલોકે એક તાજ દેજે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 22 મે, 2011

દશા અમારી


જાળ નાખે મવાલી, ફસાતા અમે,
આંગળીની કમાલે મરાતા અમે.

રંગનો જાદુ ને મગજનું કામ છે,
એ દુકાને જઈ છેતરાતા અમે.

આંખને આમ તો ફેરવીએ બધે,
આથડી પથ્થરે લંગડાતા અમે.

કેમ રાખે હરાયાતણી નાતમાં,
કતલખાને સદા મોકલાતા અમે.

સમયની ખેંચ 'સાગર' બધાને નડે,
ઝટ પહોંચી મસાણે બળાતા અમે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 15 મે, 2011

માણસ જુઓ કેવો!


કાચા કાનનો માણસ જુઓ કેવો!
ભૂલ્યા ભાનનો માણસ જુઓ કેવો!

આકાશે જઈ પડ્યો નશો નીચે,
પીધા પાનનો માણસ જુઓ કેવો!

વાગ્યો છે ફડાકો કાળનો તેને,
રૂઠ્યા ધાનનો માણસ જુઓ કેવો!

સંગાથે ન કોઈના રહી શક્યો,
ભાગ્યા માનનો માણસ જુઓ કેવો!

બેસૂરી બનાવી જિંદગી 'સાગર',
તૂટ્યા તાનનો માણસ જુઓ કેવો!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 8 મે, 2011

રાખે છે

મજાની જાતને બેહાલ રાખે છે,
ચડાવી રંગ આંખો લાલ રાખે છે.

ખબર તેને હશે ડફણાં પડે એવી,
લગાવી તેલ રીઢી ખાલ રાખે છે.

થવાનો હોય જાણે જાતિમાં બદલો,
ગધેડાં નાર જેવી ચાલ રાખે છે.

નથી નાણું છતાં દેખાવ છે મોટો,
ઘસીને અસ્તરો તે ટાલ રાખે છે.

ગતાગમ આમ તો 'સાગર' નથી ઝાઝી,
તમાચો જ્યાં પડે ત્યાં ગાલ રાખે છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 1 મે, 2011

આડા નડે


કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 24 એપ્રિલ, 2011

લટકાં-ઝટકાં


દોસ્ત! મારો નહિ ખોટાં લટકાં,
મૂકી દેશે માથે કોઈ મટકાં.

સારું નથી દર દર ભાટકવું,
કીડીના દેશમાં લાગે ચટકાં.

બાપની જાગીર બધે ન ચાલે,
ખોટી જગ્યાએ મારે કોઈ ફટકા.

કોઈને કણું જાણીને ન જોવા,
આંખમાં નકામા રહે ખટકાં.

'સાગર' સંસારે આવી ભરાણા,
બલાથી બચવાના ક્યાં છે છટકાં?

- 'સાગર' રામોલિયા

રવિવાર, 17 એપ્રિલ, 2011

ગધેડીની જાન આવી


આવી રે, ભાઈ! આવી, ગધેડીની જાન આવી,
ગધા વરને લાવી, ગધેડીની જાન આવી.

હોંચી હોંચી શરણાઈના રેલાયા છે સૂર,
દીધું ગામ ગજાવી, ગધેડીની જાન આવી.

ઉકરડાએ આપ્યો પાવડર ઉછીનો,
મોઢે તેને લગાવી, ગધેડીની જાન આવી.

કૂતરાઓએ ડીસ્કો કર્યો, ભુંડે ગાયાં ગીત,
ઘોડે પૂંછ પટાવી, ગધેડીની જાન આવી.

'સાગર' તો મનની વાત મનમાં બાફતો,
બલાએ વાત ચગાવી, ગધેડીની જાન આવી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 10 એપ્રિલ, 2011

એક કવિની લગ્ન વિષયક જાહેરાત


હોય તૂટેલ તાર, જોઈએ ન એ,
જો મગજ હોય ચાર, જોઈએ ન એ.

એમની બકબકે મળી રે' કલ્પના,
શાંત છે જે અપાર, જોઈએ ન એ.

શોધતા થાય પગ ભલેને થાંભલા,
આવતી હો' ધરાર, જોઈએ ન એ.

કલ્પનામાં રહી ભૂલે સંસારને,
હોય સાહિત્યકાર, જોઈએ ન એ.

સૂકલકડી શરીર છે 'સાગર'તણું,
તોયે ઝીલે ન ભાર, જોઈએ ન એ.

- 'સાગર' રામોલિયા