.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 17 એપ્રિલ, 2011

ગધેડીની જાન આવી


આવી રે, ભાઈ! આવી, ગધેડીની જાન આવી,
ગધા વરને લાવી, ગધેડીની જાન આવી.

હોંચી હોંચી શરણાઈના રેલાયા છે સૂર,
દીધું ગામ ગજાવી, ગધેડીની જાન આવી.

ઉકરડાએ આપ્યો પાવડર ઉછીનો,
મોઢે તેને લગાવી, ગધેડીની જાન આવી.

કૂતરાઓએ ડીસ્કો કર્યો, ભુંડે ગાયાં ગીત,
ઘોડે પૂંછ પટાવી, ગધેડીની જાન આવી.

'સાગર' તો મનની વાત મનમાં બાફતો,
બલાએ વાત ચગાવી, ગધેડીની જાન આવી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 10 એપ્રિલ, 2011

એક કવિની લગ્ન વિષયક જાહેરાત


હોય તૂટેલ તાર, જોઈએ ન એ,
જો મગજ હોય ચાર, જોઈએ ન એ.

એમની બકબકે મળી રે' કલ્પના,
શાંત છે જે અપાર, જોઈએ ન એ.

શોધતા થાય પગ ભલેને થાંભલા,
આવતી હો' ધરાર, જોઈએ ન એ.

કલ્પનામાં રહી ભૂલે સંસારને,
હોય સાહિત્યકાર, જોઈએ ન એ.

સૂકલકડી શરીર છે 'સાગર'તણું,
તોયે ઝીલે ન ભાર, જોઈએ ન એ.

- 'સાગર' રામોલિયા

મંગળવાર, 5 એપ્રિલ, 2011

ટકોરે ટકોરે


જિંદગી આ વેડફાય ટકોરે ટકોરે,
વાંદરવેડાં કરાય ટકોરે ટકોરે.

કબરમાં દાટો કે શબને બાળી નાખો,
મરતાં બધા ભુલાય ટકોરે ટકોરે.

બીજાનું જોઈ લાગતી અંતરમાં આગ,
જાતને બાળી નખાય ટકોરે ટકોરે.

'સાગર' રુંવે રુંવે ચેતી રહેવું પડે,
બલા વળગતી જાય ટકોરે ટકોરે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 27 માર્ચ, 2011

જિંદગી


સ્વાદને પારખવાનું ચૂકી જિંદગી,
હતી ભલેને આ ખધળૂકી જિંદગી.

આગળ વધવા માર્ગ લીધો સાંકડો,
ઘસાઈને બની ગઈ ભૂકી જિંદગી.

આંકડા લગાવ્યા ને ફસાયા સટ્ટામાં,
'ભાઈ'ના ઘેર ગીરવે મૂકી જિંદગી.

ઉકરડા છે દરેકના મોટા ભોમિયા,
ગધાની પૂંછડી જેવું ઝૂકી જિંદગી.

'સાગર' મારી બલાને સમજાવે કોણ?
આધુનિકતામાં બની સૂકી જિંદગી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 20 માર્ચ, 2011

સતત


ભમરો બનીને ખોતર્યા કરે સતત,
લેંઘાની ધૂળ થઈ ખર્યા કરે સતત.

ગાળોના વરસાદથી ભરાય નદીઓ,
તેમાં ડૂબીને રોજ મર્યા કરે સતત.

સુગંધ ફેલાવવાનું નસીબમાં નથી,
દુર્ગંધ ભેગી લઈ ફર્યા કરે સતત.

માનવજીવન જીવતાં ન આવડયું,
ઢોર બની ગંદકી ચર્યા કરે સતત.

‘સાગર' ઠરીઠામ થવા મોકો ન મળે,
બલા અહીં ઉચાળા ભર્યા કરે સતત.

- ‘સાગર' રામોલિયા

રવિવાર, 13 માર્ચ, 2011

શિખામણ


એક બાજુ દારૂ, એક બાજુ કોલા,

એથી તો શરીર થઈ ગયાં પોલાં.


જવાની જગ્‍યાએ ફેંકયા હોય બોંબ,

પછી જયાં જાય ત્‍યાં ખાય હડદોલાં.


વ્‍યસન કામ ન કરવાનું થયું,

કરવું પડે કામ તો ખાય ઝોલાં.


આવે જરૂરિયાતે કરી મોં વીલું,

પછી તારે ને મારે કેટલાં તોલાં!


મન કહે સાગર' હદમાં રહે,

હદ બહાર કૂતરાં છોડે ગોલા.


- ‘સાગર' રામોલિયા

રવિવાર, 6 માર્ચ, 2011

મળે છે


જન્મોના તપે આ અવતાર મળે છે,
પાંચ ૠતુની વાટે બહાર મળે છે.

જોયા વિના દિન-રાત કરતાં કામ,
એવાને આ જગમાં આહાર મળે છે.

જિંદગી આખી કાંટામાં પડયા રહે,
એવાને મરણે ગુલઝાર મળે છે.

સારા બનવા જેઓ મથે જગતમાં,
ડગે ડગે એને ખાંડાધાર મળે છે.

જીવતા સામે નજર ન થતી હોય,
અંતે એવાને કાંધિયા ચાર મળે છે.

'સાગર' જે તડપે એને કોઈ ન મળે,
અમુકને માણસો ધરાર મળે છે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

આવું નહિ તારા લાગમાં


આમ તો હું આવું નહિ તારા લાગમાં,
બહાર બનું તો આવું તારા બાગમાં.

સપનાં જોઈને કર નહિ ઉજાગરા,
શાંતિથી ઊંઘી જા, ખોટી રીતે જાગમાં.

મસ્ત બનીને જો આલાપ છેડી દે તું,
ગીત બનીને આવીશ તારા રાગમાં.

મેળવી લઈશ હું મારા નસીબનું,
લઈ લે, જે હોય તારા નિજ ભાગમાં.

આવી શકે 'સાગર' કોના બંધનમાં?
એતો એ જાણે, જેના હોય સુહાગમાં.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

કવિ કરે વિચાર


આ રૂડો છે અવતાર, કવિ કરે વિચાર,
બની જઈ એકાકાર, કવિ કરે વિચાર.

દુકાળ શબ્દનો નહિ પડે કદી અહીં,
મોટો છે જ્યાં ધીરધાર, કવિ કરે વિચાર.

કલ્પનારૂપી પીંછીથી પૂરે રંગો અનેરા,
છે આત્માનો ચિત્રકાર, કવિ કરે વિચાર.

પાનખરી મારની અસર ભલે હો' ભારે,
ખીલવી દેતો બહાર, કવિ કરે વિચાર.

'સાગર' જો વિચાર એક હોય તો ઠીક છે!
લઈ મોટી વણઝાર, કવિ કરે વિચાર.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 13 ફેબ્રુઆરી, 2011

તોયે અમે કવિ

કલ્પનાના રસ્તે પહોંચેલા, તોયે અમે કવિ,
ને પછી કદી ન અટકેલા, તોયે અમે કવિ.

શબ્દ-શબ્દની રમત રમતાં શબ્દ સંતાયા,
ભાન ભૂલી જઈ ભટકેલા, તોયે અમે કવિ.

સમાજમાં જુલમનું પલ્લું જો ઢળવા લાગે,
બન્યા ત્યારે ખૂંટો છટકેલા, તોયે અમે કવિ.

'સાગર' અમે તો અમારી મસ્તીના દીવાના,
ભલે કહે સૌ હરખઘેલા, તોયે અમે કવિ.

-'સાગર' રામોલિયા

રવિવાર, 6 ફેબ્રુઆરી, 2011

બાળક


(૧)
ઈશ્વરનું રૂપ બાળક,
રહે નહિ ચૂપ બાળક.
આદેશો આપતું રહેતું,
જાણે કોઈ ભૂપ બાળક.
(૨)
ધૂળ સાથે રમે બાળક,
ભેદ વિના ભમે બાળક.
'સાગર' મેલું-ઘેલું હોય,
તોયે સૌને ગમે બાળક.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 30 જાન્યુઆરી, 2011

મૌન (અછાંદસ)


ગાંધીજીની પુણ્યતિથિએ
જ્યારે પાળ્યું
બે મિનિટનું મૌન,
ત્યારે
ગાંધીજી આવ્યા
સ્વપ્નમાં
ને બોલ્યા,
તમે બધા મૂગા કેમ બેઠા છો?
જવાબ આપવા
મેં ખોલ્યું મુખ,
ત્યાં બે મિનિટ પૂરી થઈ...

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 21 જાન્યુઆરી, 2011

ફૂલ


સુગંધથી ખબર ફેલાવતું ફૂલ,

નિત નવી સવારીએ આવતું ફૂલ.


મધમાખી-ભમરા છડીદાર તેના,

રાહી-અ-રાહીને લલચાવતું ફૂલ.


વાદળોને નચાવી વગડાવ્યા ઢોલ,

મંદ-મંદ હસીને હસાવતું ફૂલ.


નાકને બનાવી દે દિવાના પોતાનાં,

આરોહ-અવરોહ કરાવતું ફૂલ.


અનેરાં છે રૂપ, એની અનેરી અદા,

નજર નાખો તો ભરમાવતું ફૂલ.


સુગંધના 'સાગર'માં ડૂબી મહાલો,

અજાયબ ખેલ ત્યાં ખેલાવતું ફૂલ.


-'સાગર' રામોલિયા

શુક્રવાર, 14 જાન્યુઆરી, 2011

પતંગો ઊડે સખીની વાતમાં


સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી...
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી...
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી...
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી...

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011

સપનું ઉગ્યું


ઝડી પડી ને સપનું ઉગ્યું,
વાત ઘડી ને સપનું ઉગ્યું.

કોઈ કળી ભરપાનખરે,
આંખે ચડી ને સપનું ઉગ્યું.

કોઈ અલગારી ગીત રચે,
મળી કડી ને સપનું ઉગ્યું.

કોઈ અજનબી આવવાની,
સુણી છડી ને સપનું ઉગ્યું.

ચાંદની રાતે સુંદર પળે,
રાત રડી ને સપનું ઉગ્યું.

'સાગર' જીવરૂપી કાપડની,
વાળી ગડી ને સપનું ઉગ્યું.

- 'સાગર' રામોલિયા